8th Pay Commission: 1 જાન્યુઆરી, 2016થી લાગુ થયેલ 7મું પગાર પંચ હવે એક સપ્તાહમાં એટલે કે 31 ડિસેમ્બર, 2025માં સત્તાવાર રીતે પોતાનો કાર્યકાળ સમાપ્ત કરી દેશે. 2025ના અંતમાં 8માં પગાર પંચને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ પણ 8માં પગાર પંચને લઈને મીટ માંડીને બેઠા છે.
દરેક નવા પગાર પંચમાં સૌથી મોટો એક જ પ્રશ્ન હોય છે કે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રાખવામાં આવશે? હકીકતમાં ફિટમેન્ટ ફેક્ટર દ્વારા જ નક્કી થાય છે કે, પગાર અને પેન્શનમાં ખરેખર કેટલો વધારો થશે
તો બેઝીક સેલેરી બેગણી વધી જશે
એવામાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા થઈ રહી છે કે, 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.15 રાખવામાં આવશે. જો આમ થાય, તો કેન્દ્રીય કર્મચારીઓને વર્તમાન બેઝીક પગાર સીધો બેગણો વધી શકે છે. આજ કારણ છે કે, કર્મચારીઓ અત્યારથી જ પોતાના નવા પગારને લઈને અંદાજો લગાવવા માંડ્યા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ થઈ શકે છે. જો કે સરકાર તરફથી પગાર પંચની ભલામણોને મંજૂર કરવામાં સમય લાગી શકે છે. એવામાં કર્મચારીઓને નવો પગાર વધારો ભલે મોડો મળે, પરંતુ પુરેપુરુ એરિયર મળવાની શક્યતા રહેશે.
ફિટમેન્ટ ફેક્ટર જરૂરી કેમ અને પગાર કેટલો વધી શકે
હકીકતમાં ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર હોય છે, જેને વર્તમાન બેઝીક સેલેરી સાથે ગણતરી માંડીને નવો પગાર નક્કી કરવામાં આવે છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે હશે, તેટલો પગાર વધારે વધશે. એક્સપર્ટ અનુસાર, ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે મોંઘવારી, રોજિંદા ખર્ચ, સરકારી બજેટ અને પ્રાઈવેટ સેક્ટરના પગાર ધોરણ જેવા અનેક ફેક્ટર્સને ધ્યાનમાં રાખવામાં આવે છે.
જો 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.15 નક્કી કરવામાં આવે, તો કર્મચારીઓના વર્તમાન બેઝીક સેલેરીને 2.15 વડે ગુણવામાં આવશે. દાખલા તરીકે જોઈએ તે, જો કોઈ કર્મચારીનો વર્તમાન બેઝીક સેલેરી 18000 રૂપિયા છે, તો 2.15 ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે નવો પગાર વધીને 38,700 રૂપિયા સુધી પહોંચી શકે છે. આવી જ રીતે જો કોઈનો બેઝીક સેલેરી 50 હજાર રૂપિયા છે, તો તેમનો પગાર વધીને લગભગ 1.07 લાખની આસપાસ પહોંચી જશે.
પગારની સાથે-સાથે અન્ય ભથ્થા અને પેન્શનમાં પણ વધારો થશે
ખાસ વાત એ છે કે, માત્ર બેઝીક સેલેરી જ વધે એવું નથી, પરંતુ કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ, પેન્શન અને હાઉસ રેન્ટ એલાઉન્સ જેવી સુવિધાઓ પણ બેઝીક સેલેરીના આધારે જ મળે છે. આથી જ ફિટમેન્ટ ફેક્ટર વધવાથી માસિક આવક વધે, તો નિવૃતિ બાદ મળનારા પેન્શનમાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે. આજ કારણોસર કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટરને લઈને વધારે ઉત્સાહિત જોવા મળે છે.
