Kankaria Carnival 2025 Schedule: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષે પણ અમદાવાદની શાન સમાન અને શહેરીજનોના લોકપ્રિય એવા કાંકરિયા કાર્નિવલ 2025નો આગામી 25 ડિસેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. સતત 7 દિવસ સુધી ચાલનારા કાર્નિવલમાં અમદાવાદીઓને મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિક ટેક્નોલોજીનો અદ્દભૂત સંગમ જોવા મળશે.
આજથી બે દિવસ બાદ એટલે કે 25 ડિસેમ્બરે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદીઓને લોકપ્રિય એવા આ કાર્નિવલમાં AMC દ્વારા દર વર્ષે અવનવા આકર્ષણો ઉમેરવામાં આવે છે.
કાંકરિયા ફરતે 3 સ્ટેજ, લોકોને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવશે
કાંકરિયા કાર્નિવલમાં લેકફ્રન્ટ પરિસરમાં અલગ-અલગ 3 સ્ટેજ ઉભા કરવામાં આવશે. પુષ્પકુંજ, બાલવાટિકા અને વ્યાયામ વિદ્યાલય એક ત્રણ જગ્યાએ ઉભા કરવામાં આવેલા સ્ટેજ પર દરરોજ સવારથી સાંજ સુધી અલગ-અલગ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જેમાં મ્યૂઝીકલ પર્ફોમન્સ, જ્વેલરી મેકિંગ વર્કશૉપ, જાદુગર શૉ ઉપરાંત રાતના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોથી માંડીને અલગ-અલગ પ્રોગ્રામ યોજાશે. કાર્નિવલના 7 દિવસ દરમિયાન મુલાકાતીઓને વિના મૂલ્યે લેકફ્રન્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલના ખાસ આકર્ષણો
આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન શૉ, પાયરો શૉ, સ્ટેન્ડ અપ કૉમેડી શૉ, પેટ ફેશન શૉ, DJ નાઈટ, મહેંદી આર્ટી, નેઈલ આર્ટ, ટેટૂ મેકિંગ, લેસર શૉ, ક્લાઉન ફેસ્ટિવલ, મ્યુઝિકલ ફાઉન્ટેન, જંગલ શૉ, ગેમિંગ ઈવેન્ટ, રૉક બેન્ડ પર્ફોમન્સ, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ જેવા આકર્ષણો જોવા મળશે. 7 દિવસ સુધી દરરોજ રાતે 10 કલાકે ડ્રોન શૉ થશે, જ્યારે બપોરે મહિલાઓ અને બાળકો માટે અલગ-અલગ સેશન અને કાર્યક્રમો યોજાશે.
7 દિવસ ક્યા-ક્યા કલાકારો પરફોર્મ કરશે?
આ વર્ષે પણ ગુજરાતી કલાકારોની ભરમાર કાંકરિયા કાર્નિવલમાં આવતા લોકોનું ભરપુર મનોરંજન કરવાની છે. જેમાં
- 25 ડિસેમ્બરઃ કિર્તિદાન ગઢવી (લોકડાયરો)
- 26 ડિસેમ્બરઃ સંકેત ખાંડેકર (રોક બેન્ડ LIVE પર્ફોમન્સ)
- 27 ડિસેમ્બરઃ ગુજરાતી ગાયક પાર્થ ઓઝા લાઈવ પર્ફોમન્સ
- 28 ડિસેમ્બરઃ ગીતાબેન રબારી (ગુજરાતી ગીત, લોકસંગીત, ગરબા)
- 29 ડિસેમ્બરઃ સ્ટેન્ડ અપ કૉમેડી શૉ. જેમાં 'લવારી' ફેમ મનન દેસાઈ, દીપ વૈદ્ય, ચિરાયું મિસ્ત્રી અને ઓમ ભટ્ટ લોકોને હસાવશે
- 30 ડિસેમ્બરઃ બ્રિજરાજ ગઢવી (સાંસ્કૃતિક કાર્યક્રમ)
- 31 ડિસેમ્બરઃ ઈશાની દવે (ગુજરાતી ગીત-સંગીત)
