Vedanta Demerger: દેશની અગ્રણી માઈનિંગ અને મેટલ કંપની વેદાંતા ગ્રુપ (Vedanta Group)ના ડીમર્જરની પ્રક્રિયા તેની અંતિમ તબક્કામાં છે. 15 જૂનના રોજ ગ્રુપની ચાર નવી કંપનીઓના શેરનું શેરબજારમાં લિસ્ટીંગ થયું છે. વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા પાવર, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ તથા વેદાંતા આયરન એન્ડ સ્ટીલના શેરોમાં બજારમાં કામકાજ શરુ થયું છે.
જોકે લિસ્ટીંગ થતાની સાથે આ કંપનીઓના શેરોમાં ભારે નફારૂપી વેચવાલી આવી હતી અને તેમાં 5 ટકા સુધીની મંદીની લોઅર સર્કિટ લાગી હતી.
વેદાંતાના એક શેર સામે 4 નવા શેર મળ્યા
વેદાંતા લિમિટેડે આ ડિમર્જર ગયા વર્ષના ડિસેમ્બરમાં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT) પાસેથી મંજૂરી મળી હતી. આ સ્કીમને 1:1 રેશિયોમાં લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જે શેરધારક પાસે અગાઉથી જ વેદાંતા લિમિટેડના શેર છે તેમને એક શેર પર આ ચાર નવી કંપનીના એક-એક શેર ફ્રીમાં મળશે.
આ નિર્ણયથી શેરધારકોને અલગ-અલગ સેક્ટરની કંપનીઓમાં સીધી જ હિસ્સેદારી મળી ગઈ છે. ડીમર્જર બાદ વેદાંતા લિમિટેડના શેરમાં ઘટાડો થયો હતો. બોમ્બ સ્ટોક એક્સચેન્જ ખાતે શેરનો ભાવ 2.47 ટકા ઘગડી રૂપિયા 302 થઈ ગયો છે.
લિસ્ટીંગ બાદ નફારૂપી વેચવાલી
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે વેદાંતા એલ્યુમિનિયમના શેરનો ભાવ રૂપિયા 522 છે અને તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે રૂપિયા 527 પર લિસ્ટ થયો છે. આવી જ રીતે વેદાંતા પાવર NSE પર રૂપિયા 41.80 પર છે. વેદાંતા ઓઈલ એન્ડ ગેસના શેર રૂપિયા 38 તથા વેદાંતા આયરન એન્ડ સ્ટીલના શેરનો ભાવ રૂપિયા 20 આસપાસ કામકાજ કરે છે.
લિસ્ટીંગ બાદ રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરી હતી. તેને લીધે 5 ટકા લોઅર સર્કિટ લાગી હતી. મેનેજમેન્ટનું કહેવું છે કે ડિર્મજરથી વેદાંતાના કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં મોટા સુધારા થશે. હવે આ સેક્ટરની કંપની એક સ્વતંત્ર યુનિટ તરીકે કામ કરશે.
