Why Jagannath idols are incomplete: ઓડિશાના જગન્નાથ પુરીમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ સમગ્ર વિશ્વમાં અનોખી છે. આ મૂર્તિઓ અન્ય મંદિરોની જેમ ધાતુ કે પથ્થરની નહીં, પણ લાકડાની બનેલી છે. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ મૂર્તિઓના હાથ અધૂરા છે. વિજ્ઞાન અને આધુનિક યુગમાં પણ આ અધૂરી મૂર્તિઓ પાછળ એક અત્યંત રસપ્રદ પૌરાણિક કથા અને ઊંડી શ્રદ્ધા છુપાયેલી છે.
રાજાની એક ભૂલને કારણે મૂર્તિઓ અધૂરી રહી ગઈ
પૌરાણિક કથાઓ અનુસાર, માલવાના રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તેમને સપનામાં ભગવાનના દર્શન થયા અને સમુદ્રમાં તરતા લાકડાના ટુકડા (દારૂબ્રહ્મ)માંથી મૂર્તિ બનાવવાનો આદેશ મળ્યો. રાજાને લાકડું તો મળી ગયું, પણ પવિત્ર મૂર્તિઓ કંડારવા માટે કોઈ સાધારણ શિલ્પી સક્ષમ નહોતો.
તે સમયે સ્વયં દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રાજાના દરબારમાં આવ્યા. તેમણે મૂર્તિ બનાવવાની જવાબદારી લીધી, પરંતુ રાજા સામે એક કડક શરત મૂકી. વિશ્વકર્માએ કહ્યું કે, "હું એક બંધ ઓરડામાં 21 દિવસ સુધી મૂર્તિઓ બનાવીશ. આ દરમિયાન ઓરડાનો દરવાજો કોઈએ ખોલવો નહીં. જો કોઈ દરવાજો ખોલશે, તો હું કામ અધૂરું મૂકીને ચાલ્યો જઈશ; રાજાએ આ શરત સ્વીકારી લીધી.
અધીરાઈ પડી ભારે
બંધ ઓરડામાંથી શરૂઆતના દિવસોમાં લાકડાં છોલવાનો અને હથોડીનો અવાજ આવતો હતો. પરંતુ થોડા દિવસો પછી ઓરડામાંથી અવાજ આવતો બંધ થઈ ગયો. રાજા ઇન્દ્રદ્યુમ્ન અને રાણી ગુંડિચા ચિંતામાં મુકાયા. રાણીને ડર લાગ્યો કે ક્યાંક વૃદ્ધ શિલ્પી ભૂખ-તરસથી મૃત્યુ તો નથી પામ્યા ને?
21 દિવસ પૂરા થવામાં હજુ થોડો સમય બાકી હતો, છતાં અધીરા બનેલા રાજાએ શરત તોડીને ઓરડાનો દરવાજો ખોલાવી દીધો. દરવાજો ખુલતા જ અંદર કોઈ માણસ નહોતો, સ્વયં વિશ્વકર્મા ગાયબ થઈ ચૂક્યા હતા અને ત્યાં માત્ર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની અધૂરી મૂર્તિઓ પડી હતી, જેના હાથ-પગ બનવાના બાકી હતા.
ભગવાને આપ્યો સંકેત: "હું ભાવનો ભૂખ્યો છું"
રાજા પોતાની આ ભૂલ પર ખૂબ પસ્તાયા અને રડવા લાગ્યા. ત્યારે ભગવાન જગન્નાથે રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, "હે રાજન, શોક ન કરો. આ બધું મારી ઈચ્છાથી જ થયું છે. હું આ સંસારને એ જ સમજાવવા માંગું છું કે હું કોઈ બાહ્ય સુંદરતા, આકાર કે હાથ-પગનો મોહતાજ નથી. હું માત્ર ભક્તોના સાચા ભાવ અને પ્રેમનો ભૂખ્યો છું. હું આ જ સ્વરૂપે અહીં બિરાજમાન રહીશ."
આજે પણ કેમ જળવાઈ રહી છે આ પરંપરા?
ત્યારથી લઈને આજ દિન સુધી ભગવાન જગન્નાથજીની પૂજા આ જ અધૂરા સ્વરૂપમાં થાય છે. દર 12 કે 19 વર્ષે જ્યારે 'નવકલેવર' વિધિ અંતર્ગત ભગવાનની જૂની મૂર્તિઓ બદલીને નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે, ત્યારે પણ પરંપરાગત શિલ્પીઓ (મહારોણા) ભગવાનના આ જ મૂળ સ્વરૂપને જાળવી રાખે છે અને નવી મૂર્તિઓ પણ અધૂરા હાથ-પગ વાળી જ બનાવવામાં આવે છે.
આ કથા ભક્તોને સંદેશ આપે છે કે ભગવાનને પામવા માટે બાહ્ય ચહેરા-મોહરાની નહીં, પણ શુદ્ધ હૃદયની જરૂર હોય છે. આ જ કારણે દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે રથયાત્રામાં ભગવાનના આ અનોખા સ્વરૂપના દર્શન કરવા પુરી ઉમટી પડે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
