Pitru Paksha 2026 Dreams Meaning: વૈદિક પંચાંગ અનુસાર પિતૃ પક્ષની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. આ પવિત્ર સમયગાળો પૂર્વજોને પ્રસન્ન કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ કાર્યો કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન સપનામાં પિતૃઓના દર્શન થવાથી અનેક પ્રકારના શુભ અને અશુભ સંકેતો મળે છે. સ્વપ્ન શાસ્ત્રમાં પૂર્વજોના વિવિધ રૂપમાં સપનામાં આવવાના અર્થ અને તેના માટે કરવા યોગ્ય ઉપાયો દર્શાવવામાં આવ્યા છે:
પિતૃઓને પ્રસન્ન કે હસતાં જોવા
જો પિતૃ પક્ષમાં તમને સપનામાં પૂર્વજો ખુશ, હસતાં કે આશીર્વાદ આપતાં દેખાય છે, તો તેને સ્વપ્ન શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સંકેત આપે છે કે તમારા પૂર્વજો તમારા અને પરિવારના કાર્યોથી સંતોષ અનુભવે છે. પિતૃ કૃપાથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ આવશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે.
પિતૃઓને દુઃખી કે રોતાં જોવા
જો સપનામાં પૂર્વજો દુઃખી કે રોતાં દેખાય, તો તેનો અર્થ એ છે કે, તેમની કોઈ ઈચ્છા અપૂર્ણ રહી ગઈ છે અથવા તેઓ કોઈ વાતથી અસંતોષ અનુભવી રહ્યા છે. આવા સમયે અમાસના દિવસે પિતૃઓ માટે ભોજન કાઢવું જોઈએ અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.
પિતૃઓને ક્રોધિત કે નારાજ જોવા
સપનામાં પિતૃઓ નારાજ કે ગુસ્સામાં દેખાય તો તે એક ચેતવણી સમાન છે અને તે 'પિતૃ દોષ' નો સંકેત હોઈ શકે છે. તેનો અર્થ એ થાય કે કદાચ તેમની ઈચ્છાઓનું સન્માન નથી થઈ રહ્યું અથવા દાન-પુણ્યમાં કંઈક કચાસ રહી ગઈ છે.
પૂર્વજો સાથે વાતચીત કરવી
જો તમે સપનામાં તમારી જાતને પૂર્વજો સાથે વાત કરતા જુઓ છો, તો તેને ભવિષ્યની કોઈ ઘટના કે મુશ્કેલી સાથે જોડીને જોવામાં આવે છે. આવું સપનું આવ્યા પછી જીવનમાં સાવચેત અને સતર્ક રહેવું જોઈએ.
ભોજન કે પાણી માંગતા પૂર્વજો
સ્વપ્ન શાસ્ત્ર મુજબ, જો પૂર્વજો સપનામાં તમારી પાસે ભોજન કે પાણી માંગી રહ્યા હોય, તો તેનો અર્થ એ થાય છે કે તેઓ તમારી પાસેથી શ્રાદ્ધ અને તર્પણની અપેક્ષા રાખી રહ્યા છે. આ સ્થિતિમાં પિતૃઓનું તર્પણ કરવું જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ.
મૃત માતા-પિતાનું સપનામાં આવવું
મૃત માતા-પિતાનું સપનામાં આવવું સૌથી પવિત્ર માનવામાં આવે છે. તે સંકેત આપે છે કે તમને કરિયર કે અંગત જીવનમાં કોઈ મોટી સફળતા મળવાની છે. તેઓ તમને સુરક્ષાનો અહેસાસ કરાવવા અને સાચો માર્ગ બતાવવા સપનામાં આવે છે.
એક જ પૂર્વજનું વારંવાર સપનામાં આવવું
જો કોઈ એક જ પૂર્વજ વારંવાર સપનામાં આવતા હોય તો તેને નજરઅંદાજ ન કરવો જોઈએ. આ સંકેત આપે છે કે તેઓ તમને આવનારી કોઈ મોટી અણધારી મુશ્કેલી કે અકસ્માતથી બચાવવા માંગે છે, તેથી નિર્ણયો લેવામાં સાવચેતી રાખવી.
સપનામાં પિતૃઓ આવે ત્યારે શું કરવું?
1). તર્પણ અને પિંડદાન: પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું વિધિવત તર્પણ અને પિંડદાન કરવું.
2). પશુ-પક્ષીઓ માટે ભોજન: ગાય, કૂતરા, કાગડા અને કીડીઓ માટે ભોજન અવશ્ય કાઢવું.
3). દાન: જરૂરિયાતમંદોને તેમની પસંદગીનું ભોજન અથવા વસ્ત્ર દાન કરવું.
4). દીવો પ્રગટાવવો: ઘરની દક્ષિણ દિશામાં (જે પિતૃઓની દિશા માનવામાં આવે છે) સાંજના સમયે દીવો પ્રગટાવવો.
