Vagh Baras 2026 Date: વાઘ બારસ ક્યારે છે? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

Vagh Baras 2026 Date and Time: વર્ષ 2026 માં વાઘ બારસ 5 નવેમ્બરે ઉજવાશે. જાણો ગોવત્સ દ્વાદશીનું મહત્વ, પૂજાનું શુભ મુહૂર્ત, નંદિની વ્રત અને વેપારીઓ માટે આ દિવસની વિશેષતા અને પરંપરા.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 26 Sep 2026 10:45 AM (IST)Updated: Sat, 26 Sep 2026 10:45 AM (IST)
vagh-baras-2026-vasu-baras-date-cow-puja-significance-rituals

Vagh Baras 2026 Date and Time: દિવાળીના પાવન પર્વની શરૂઆત વાઘ બારસથી થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ આ તહેવાર ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તેને 'વાઘ બારસ' અને મહારાષ્ટ્રમાં 'વસુ બારસ' તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે 5 નવેમ્બર 2026 ના રોજ આ પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ તેમજ વેપારીઓ માટે વિશેષ મહત્વ રહેલું છે.

વાઘ બારસ 2026 ક્યારે છે અને પૂજાનું મુહૂર્ત શું છે?

હિન્દુ પંચાંગ અનુસાર, વર્ષ 2026માં વાઘ બારસનો તહેવાર 5 નવેમ્બર, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. દ્વાદશી તિથિનો પ્રારંભ 5 નવેમ્બરના રોજ સવારે 10:35 વાગ્યે થશે અને તેનું સમાપન 6 નવેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે થશે. વાઘ બારસના દિવસે પૂજા અને ધાર્મિક કાર્યો માટે પ્રદોષકાળને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. આ વર્ષે પ્રદોષકાળ સાંજે 5:59થી રાત્રે 8:33 વાગ્યા સુધી રહેશે, જેનો કુલ સમયગાળો 2 કલાક 34 મિનિટનો છે.

અન્ય શુભ મુહૂર્ત

  • ગોધુલી મુહૂર્ત: સાંજે 05:59 થી 06:25 સુધી
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 05:04 થી 05:56 સુધી
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:01 થી 12:45 સુધી
  • વિજય મુહૂર્ત: બપોરે 02:15 થી 03:00 સુધી
  • અમૃત કાળ: રાત્રે 08:36 થી 10:13 સુધી
  • નિશિતા મુહૂર્ત: રાત્રે 11:58 થી 12:49 (6 નવેમ્બર)

વાઘ બારસનું વ્યાવસાયિક અને ધાર્મિક મહત્વ

આ પર્વને 'ગોવત્સ દ્વાદશી' અથવા 'નંદિની વ્રત' તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપારી વર્ગ માટે આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. વાઘ બારસના દિવસે વેપારીઓ તેમના જૂના હિસાબ-ચોપડા તપાસીને ઉધાર-જમાના તમામ વ્યવહારો પૂર્ણ કરે છે. આર્થિક લેવડદેવડ પૂરી કરીને ઋણમુક્ત થઈ નવા વર્ષ માટે નવા ચોપડાની શરૂઆત કરવાની આ એક પ્રાચીન પરંપરા છે.

ધાર્મિક દ્રષ્ટિએ, આ દિવસ ગૌપૂજનને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે દેવતાઓની પવિત્ર ગાય 'નંદિની' ની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. મહિલાઓ સંતાન પ્રાપ્તિ અને તેમના દીર્ઘાયુષ્ય માટે આખો દિવસ ઉપવાસ રાખી નંદિની વ્રત કરે છે. વ્રત કરનાર આ દિવસે ઘઉં અને દૂધની બનાવટોનું સેવન ટાળે છે.

વાઘ બારસના દિવસે ગાયની પૂજા કેવી રીતે કરવામાં આવે છે?

આ દિવસે સંધ્યાકાળે ગાય અને વાછરડાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમને પવિત્ર જળથી સ્નાન કરાવી, નવા વસ્ત્રો અને ફૂલહારથી શણગારવામાં આવે છે. કપાળ પર સિંદૂરનું તિલક કરી તેમની આરતી કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં જ્યાં ગાય ઉપલબ્ધ ન હોય, ત્યાં લોકો ભીની માટીમાંથી ગાય અને વાછરડાની પ્રતિકૃતિ બનાવી તેની પૂજા કરે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. ગાયને મગ અને ઘઉંની વાનગીઓનો પ્રસાદ ખવડાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે.