Nageshwar Jyotirlinga: શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના પ્રાકટ્ય પાછળ શું છે ધાર્મિક ઈતિહાસ, જાણો દર્શનનો સમય, કેવી રીતે પહોંચવું અને ફરવાલાયક સ્થળો

પાવન માસમાં દેવાધિદેવ શિવજીનું પૂજન અર્ચન કરવાથી ભક્તોના સઘળા કષ્ટોનું નિવારણ થાય તેવી ધાર્મિક આસ્થા છે. આવું જ એક અતિ પવિત્ર ગણાતું ભગવાન મહાદેવને સમર્પિત નાગેશ્વર જયોર્તિલિંગ દ્વારકામાં આવેલુ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 26 Aug 2026 06:00 AM (IST)Updated: Wed, 26 Aug 2026 06:00 AM (IST)
nageshwar-jyotirlinga-dwarka-temple-history-darshan-aarti-time-how-to-reach-and-nearby-attractions

Nageshwar Jyotirlinga History: ભગવાન શિવજીને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટ ઉમટી પડતાં હોય છે. આ પાવન માસમાં દેવાધિદેવ શિવજીનું પૂજન અર્ચન કરવાથી ભક્તોના સઘળા કષ્ટોનું નિવારણ થાય તેવી ધાર્મિક આસ્થા છે. આવું જ એક અતિ પવિત્ર ગણાતું ભગવાન મહાદેવને સમર્પિત નાગેશ્વર જયોર્તિલિંગ દ્વારકામાં આવેલુ છે. ભોલે બાબાના પવિત્ર 12 જ્યોતિર્લિંગો પૈકી નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે. આજે ગુજરાતી જાગરણની મંદિરોની સિરીઝમાં વાચકોને 12 જયોતિર્લિંગો પૈકી પૂજનીય નાગેશ્વર જ્યોર્તિલિગ વિશે માહિતી આપશે.

શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરનો ધાર્મિક મહત્વ

સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુ વચ્ચેના માર્ગ પર સ્થિત આ શિવમંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં સ્થાપિત જયોતિર્લિંગ ભારતના 12 જ્યોર્તિલિંગ પૈકીનું પૂજનીય સ્થાન ધરાવે છે. શિવ પુરાણ અનુસાર, જે વ્યક્તિ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરે છે તેના સઘળા પાપોનું નિવારણ થાય છે. ઉપરાંત આ જ્યોતિર્લિંગને વિષ અને તમામ પ્રકારના રોગ-ભયથી મુક્તિ આપનાર પણ માનવામાં આવે છે. મંદિરના પરિસરમાં ભગવાન શિવની 125 ફૂટ ઊંચી ધ્યાનાવસ્થામાં રહેલી વિશાળ પ્રતિમા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરનો ઈતિહાસ

નાગેશ્વ મહાદેવ મંદિર સાથે ઘણી ધાર્મિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે, તે પૈકી એક પ્રચલિત ધાર્મિક કથા અનુસાર, સુપ્રિયા નામના એક મહાન શિવભક્ત દરિયાકાંઠે શિવલિંગની ઉપાસના કરતા હતા. એક સમયે સમુદ્રમાં નિવાસ કરતા દારુક નામના અસુરે સુપ્રિયાને બંધક બનાવી દીધો. ત્યારબાદ અસુર દારુક અને તેની પત્ની દારુકાએ સમુદ્રના તળિયે પોતાનું રાજ્ય વસાવ્યું. અહીં અસુર મનુષ્યોને કેદ કરીને ત્રાસ ગુજારતો હતો.

અસુરની કેદમાં હોવા છતા સુપ્રિયાએ ભગવાનની આરાધના ચાલુ રાખી હતી, તેમજ તે ઓમ નમ: શિવાયના પંચાક્ષરી મંત્રન જાપ બંધ ન કર્યો. ભગવાન ભોળાનાથે પોતાના ભક્તની ભક્તિથી અતિ પ્રસંન્ન થઈને પ્રકટ થયા અને અસુર દારુકનો વધ કર્યો હતો. ત્યારબાદ ભગવાન શિવજીએ આ સ્થળ પર જ્યોતિર્લિંગ રુપે પ્રક્ટ થયા હતા. આજે આ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ તરીકે જગવિખ્યાત છે.

ભગવાન શિવ અહીં નાગોના નાથ (નાગેશ્વર) તરીકે સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા. મહાશિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન અહીં મેળો ભરાય છે દ્વારકાથી 17 કિમી દૂર આવેલા આ મંદિરના દર્શન કરવા લાખો ભક્તો દેશ-વિદેશથી આવે છે. આ મંદિરમાં ભગવાન નાગેશ્વરના પવિત્ર શિવલિંગની ત્રણ વખત આરતી થાય છે અને શ્રાવણ મહિનો અને મહાશિવરાત્રિના અવસરે વિશેષ ભક્તિ અનુષ્ઠાનનું આયોજન થાય છે.

નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરનો દર્શન અને આરતીનો સમય

  • સવારના દર્શન: સવારે 5:00 થી બપોરે 12:30 વાગ્યે
  • મંગળા આરતી: સવારે 5:00 થી 5:30 વાગ્યે
  • મહા ભોગ અને મહા આરતી: બપોરે 12:00 થી 12:30 વાગ્યે
  • બપોરનો વિશ્રામ (મંદિર બંધ): બપોરે 12:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી
  • સાંજના દર્શન: સાંજે 4:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી
  • મધ્ય સ્નાન: સાંજે 4:00 થી 4:30 વાગ્યા સુધી
  • શયન આરતી: રાત્રે 8:30 થી 9:00 વાગ્યા સુધી

શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ મંદિર કેવી રીતે પહોંચવું?

સડક માર્ગ દ્વારા

શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ મંદિર દ્વારકાથી 17 કિમી દૂર આવેલુ છે. દ્વારકા અને જામનગરથી ટેક્સી, ઓટોરિક્ષા કે એસ.ટી બસ સેવાથી સરળતાથી મંદિર સુધી પહોંચી શકાય છે . અહીંથી NH 947 થઈને દ્વારકાથી 16 કિ.મી. મુસાફરી કરીને નાગેશ્વર મંદિર સુધી પહોચી શકાય છે.

રેલ્વે માર્ગ દ્વારા

નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન દ્વારકા છે. જે 17 કિમી દૂર છે,. અહીંથી જામનગર અને રાજકોટથી મુસાફરો આસાનીથી આવતી ટ્રેનોમાં મુસાફરી કરીને નાગેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી શક છે.

  • દ્વારકા રેલવે સ્ટેશન: 17 કિમી દૂર

હવાઈ માર્ગ દ્વારા

મંદિરની સૌથી નજીકનું એરપોર્ટ જામનગર અને પોરબંદર એરપોર્ટ છે. અહીથી મુસાફરો દેશના કોઈ પણ ખૂણેથી ઉતરાણ કરીને નાગેશ્વર મહાદેવના દર્શન કરવા રોડ માર્ગે અહીં પહોંચી શકે છે.

  • જામનગર એરપોર્ટ: અંતર આશરે 130-145 કિમી
  • પોરબંદર એરપોર્ટ: અંતર આશરે 125 કિમી

શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ મંદિર આસપાસ ફરવાલાયક સ્થળો

  • દ્વારકાધીશ મંદિર
  • ગોપી તળાવ
  • બેટ દ્વારકા
  • રુક્મિણી દેવી મંદિર
  • દ્વારકા લાઈટહાઉસ
  • શિવરાજપુર બીચ