Shiva Temples in Gujarat (2026): સનાતન ધર્મમાં શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે સર્વોત્તમ અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં શિવભક્તો સોમવારનું વિશેષ વ્રત રાખી ભોળાનાથની ભક્તિમાં લીન રહે છે. ધાર્મિક માન્યતા છે કે મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે અને દાંપત્ય જીવન આનંદમય બને છે. ગુજરાત ઐતિહાસિક અને પ્રાચીન ધાર્મિક વારસાથી સમૃદ્ધ રાજ્ય છે, જ્યાં ભગવાન શિવના અનેક પ્રખ્યાત મંદિરો આવેલા છે. અમે અહીં શ્રાવણ 2026 નિમિત્તે ભક્તો માટે ગુજરાતના 8 એવા પ્રસિદ્ધ શિવ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેનું ધાર્મિક મહત્વ અનેરું છે. આ સ્થળોની આસપાસ યાત્રિકો માટે રોકાણ અને ધર્મશાળાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
સોમનાથ મહાદેવ મંદિરનું શું મહત્વ છે? (વેરાવળ)
આ પણ વાંચો
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ મંદિર પોતાની ભવ્યતા અને ધાર્મિક આસ્થા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઇતિહાસ દર્શાવે છે કે આ મંદિર પર અનેકવાર આક્રમણો થયા હતા, પરંતુ દરેક વખતે તેનું ભવ્ય પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. યાત્રિકો માટે દરરોજ સાંજે યોજાતો 'લાઇટ એન્ડ સાઉન્ડ શો' અહીંનું મુખ્ય આકર્ષણ છે, જેમાં મંદિરના ગૌરવશાળી ઇતિહાસની ગાથા રજૂ કરવામાં આવે છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ કઈ પૌરાણિક કથા સાથે જોડાયેલું છે? (દ્વારકા)
દ્વારકા અને ગોમતી નદીની વચ્ચે સ્થાપિત નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. 'નાગેશ્વર'નો અર્થ નાગોના સ્વામી એવો થાય છે, કારણ કે શિવજીના ગળામાં વાસુકી નાગ બિરાજમાન છે. પૌરાણિક કથાઓ મુજબ, ભગવાન શ્રીકૃષ્ણ અહીં મહાદેવની પૂજા અને રુદ્રાભિષેક કરતા હતા. એવી શ્રદ્ધા છે કે આ સ્થળે દર્શન કરવાથી મન નકારાત્મકતા અને વિષાદમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે.
દરિયાના મોજા કયા મંદિરમાં જળાભિષેક કરે છે? (ભડકેશ્વર મહાદેવ, દ્વારકા)
દ્વારકામાં અરબી સમુદ્રના કિનારે એક ટેકરી પર ભડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. એવી પૌરાણિક માન્યતા છે કે હજારો વર્ષ પૂર્વે આ શિવલિંગ સમુદ્રમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હતું. જૂન અને જુલાઈ મહિનામાં દરિયામાં આવતી સામાન્ય ભરતીના કારણે સમુદ્રના પાણી શિવલિંગ સુધી પહોંચે છે અને કુદરતી રીતે જળાભિષેક થાય છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અહીં ભવ્ય મેળો ભરાય છે.
ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ મંદિર શા માટે પ્રસિદ્ધ છે? (જૂનાગઢ)
જૂનાગઢ શહેર નજીક ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથ ગામમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર અત્યંત પ્રાચીન છે. એક ધાર્મિક માન્યતા અનુસાર, જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી આકાશમાર્ગે ગિરનાર પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું દિવ્ય વસ્ત્ર અહીં આવેલા મૃગી કુંડ પાસે પડ્યું હતું. મહાશિવરાત્રી, ગિરનારની લીલી પરિક્રમા અને શ્રાવણ માસ દરમિયાન અહીં લાખો શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે.
દરિયાની અંદર બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન ક્યારે થાય છે? (ભાવનગર)
ભાવનગરના કોળિયાક દરિયાકિનારે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર 'દરિયાની અંદર આવેલા મંદિર' તરીકે ઓળખાય છે. માન્યતા છે કે કુરુક્ષેત્રના યુદ્ધ બાદ પાપોમાંથી મુક્તિ મેળવવા પાંડવોએ અહીં 5 સ્વયંભૂ શિવલિંગોની સ્થાપના કરી હતી. ભરતીના સમયે આ મંદિર દરિયાના પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેથી માત્ર ઓટના સમયે જ દર્શન થઈ શકે છે. દર વર્ષે શ્રાવણ અમાસના દિવસે અહીં પ્રખ્યાત 'ભાદરવી' મેળો ભરાય છે.
કચ્છનું કોટેશ્વર મંદિર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? (કચ્છ)
કચ્છના રમણીય દરિયાકિનારે આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર રાવણની શિવભક્તિ સાથે સંકળાયેલું છે. પૌરાણિક કથા મુજબ, શિવજીએ રાવણની ભક્તિથી પ્રસન્ન થઈને તેને એક અત્યંત શક્તિશાળી શિવલિંગનું વરદાન આપ્યું હતું. પરંતુ, રાવણના અહંકાર અને ઉતાવળના કારણે તે શિવલિંગ આ સ્થળે જમીન પર પડી ગયું હતું, જ્યાં પાછળથી કોટેશ્વર મંદિરની સ્થાપના થઈ.
ગલતેશ્વર મંદિરની સ્થાપત્ય કળા શા માટે અનોખી છે? (ડાકોર)
ખેડા જિલ્લાના સરનાલ ગામ નજીક મહી અને ગલતા નદીના સંગમ સ્થાને ગલતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર તેના અદભુત શિલ્પ અને સ્થાપત્ય કળા માટે વિશેષ ઓળખ ધરાવે છે. મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓ, ગંધર્વો, ઋષિમુનિઓ, રથ, હાથીસવારો અને માનવજીવનના વિવિધ પ્રસંગો દર્શાવતું અત્યંત બારીક કોતરકામ જોવા મળે છે, જે ઇતિહાસ અને કળાપ્રેમીઓને આકર્ષે છે.
તરણેતરના મેળા અને ત્રિનેત્રેશ્વર મંદિરની શું વિશેષતા છે? (તરણેતર)
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર તેના લોકસાંસ્કૃતિક 'તરણેતર મેળા' માટે જગવિખ્યાત છે. આ મંદિરમાં 2 પ્રાચીન શિવલિંગ બિરાજમાન હોવાનું જણાવાય છે. દર વર્ષે ભાદરવા સુદ પાંચમના રોજ યોજાતા આ મેળા દરમિયાન મંદિરના શિખર પર 52 ગજ લાંબી વિશાળ ધજા ચઢાવવાની અનોખી અને ઐતિહાસિક પરંપરા છે.
