Surat News: આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય સુરત શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિરો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુજી ઉઠ્યા હતા. ભક્તોએ બીલીપત્ર, પુષ્પ, જળ, દૂધથી અભિષેક કરી મહાદેવની પૂજા અર્ચના કરી હતી.
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે આજે રાજ્યભરના તથા શહેરના શિવાલયોમાં ભક્તોનું અદભુત ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સુરત શહેરના તમામ નાના-મોટા શિવાલયો 'હર હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના ગુંજતા નાદોથી પવિત્ર અને ભક્તિમય બની ગયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય રંગમાં રંગાઈ ગયું હતું. શ્રાવણના અંતિમ સોમવાર નિમિત્તે મહાદેવને અત્યંત આકર્ષક અને દિવ્ય વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દર્શનાર્થે આવેલા ભક્તોએ ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે શિવલિંગ પર જળ, દૂધ, ફળ, પુષ્પ અને બીલીપત્ર ચઢાવીને વિધિવત અભિષેક અને પૂજા-અર્ચના કરી હતી.

આ પાવન અવસરે શિવાલયોમાં વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી અને ધાર્મિક અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીના સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તોએ ભક્તિભાવ સાથે આરતીનો લાભ લીધો હતો અને મહાદેવના ચરણેસીસ નમાવી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આખો દિવસ શિવ મંદિરોમાં ભક્તોની અવિરત અવરજવર ચાલુ રહી હતી.

