બહુચરાજી માતાજી મંદિરનો ધાર્મિક ઇતિહાસ, આ સ્થળે પડ્યો હતો માતા સતીનો 'હાથ', દર્શન-આરતીનો સમય અને કેવી રીતે પહોંચવું?

હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર ગણાતા 55 શક્તિપીઠોમાં આદરણીય એવું શ્રી બહુચરાજી માતાનું મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 09 Oct 2026 06:00 AM (IST)Updated: Fri, 09 Oct 2026 06:00 AM (IST)
ahucharaji-temple-history-darshan-and-aarti-timings-and-how-to-reach

Becharaji Bahuchara Mata Temple History: આદિશક્તિના નવરુપોને ભક્તિભાવથી પૂજવાનો પાવન પર્વ નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ પાવન અવસર પર ગુજરાતમાં ઘણા માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ગુજરાતમાં આદિશક્તિના દૈવીય સ્વરુપોના ઘણા મંદિરો સ્થિત છે. આવુ જ એક પ્રાચીન અને હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર ગણાતા 55 શક્તિપીઠોમાં આદરણીય એવું શ્રી બહુચરાજી માતાનું મંદિર  મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ શક્તિપીઠ મા સતીના હ્રદયસ્પર્શી ઇતિહાસ અને અદ્ભુત ધાર્મિક મહાત્મય સાથે જોડાયેલ છે. દર વર્ષે નવરાત્રિના તહેવાર, પૂનમે લાખોની સંખ્યામાં ભક્તો માતા બહુચરાજીના દર્શન માટે જતાં હોય છે. આજે ગુજરાતી જાગરણ મંદિરોની સીરિઝમાં બહુચરાજી માતા મંદિર વિશે માહિતી આપશે.

શ્રી બહુચરાજી માતા મંદિરનો ધાર્મિક ઇતિહાસ?

આ પવિત્ર ધાર્મિક સ્થળનો ઇતિહાસ ભગવાન શિવજીના પત્ની માતા સતી સાથે જોડાયેલ છે. પૌરાણિક અને ધાર્મિક માન્યતા પ્રમાણે, રાજા દક્ષ પ્રજાપતિ એક મહાયજ્ઞ કરી રહ્યા હતા. આ મહાયજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રિત કરાયા હતા, પરંતુ તેમણે ભગવાન મહાદેવને આમંત્રિત કર્યા નહી. યજ્ઞ સ્થળે પિતા દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું ઘોર અપમાન કર્યું. પોતાના પતિનું આવુ ઘોર અપમાન માતા સતિ સહન કરી શક્યા નહી. આથી તેમણે યજ્ઞકુંડમાં કૂદીને પોતાનો દેહ ત્યાગી દીધો. જ્યારે આ ઘટનાની જાણ મહાદેવને થઈ ત્યારે તેઓ અત્યંત ક્રોધિચ બની ગયા. તેઓએ પોતાના ગણ વીરભદ્રને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરવા મોકલ્યા. 

શિવજી માતા સતીના પાર્થિવ દેહને ઉપાડીને અત્યંત વિરહ અને શોકમાં તાંડવ કરવા લાગ્યા. ભગવાન શિવજીના રુદ્ર તાંડવથી સૃષ્ટિ પર સંકટ ઉભું થયું. આથી સૃષ્ટિનું સંતુલન જાળવવા અને શિવજીને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે સતી માતાના પાર્થિવ દેહના ટૂકડા કર્યા હતા.  પૃથ્વી પર જે જે સ્થળોએ મા સતીના અંગો અને આભૂષણો પડ્યા, તે તમામ સ્થળો ‘શક્તિપીઠ’ તરીકે પૂજાવા લાગ્યા. માન્યતા અનુસાર, બેચરાજી (બહુચરાજી) ખાતે મા સતીનો ‘કર’ (હાથ) પડ્યો હતો. તેથી આ પવિત્ર સ્થાન પર મા બહુચર બિરાજમાન થયા અને તે હિન્દુ ધર્મના પવિત્ર 55 શક્તિપીઠોમાંનું એક અતિ મહત્વનું ધામ બન્યું હતું..

કોણે કરાવ્યું શ્રી બહુચરાજી માતાના મંદિરનું નિર્માણ?

કિન્નર સમુદાયના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મૂળ મંદિર ઈસ 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માનાજી ગાયકવાડ દ્વારા કરાવવામાં આવ્યું હતું. અહીં માતા બહુચરાજી માતાને કૂકડાની સવારી કરતા દર્શાાવાયા છે . પ્રાચીન સમયમાં આ ચિહ્ન સોલંકી શાસકોનું રાજચિહ્ન હતું જેમનું એક સમયે ગર્જરધરા પર એકચક્રી શાસન હતું. મંદિર સંકુલમાં મુખ્ય 3 મંદિર આવેલા છે. પહેલુ મંદિર આદ્ય સ્થાન, બીજુ મંદિર મધ્ય સ્થાન, ત્રીજી મંદિર મુખ્ય મંદિર છે. જ્યાં બાળ યંત્ર છે. આ મંદિર ઉત્તર ગુજરાતમાં આવેલા અંબાજી મંદિર જેટલું જ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં ટોકન સુવિધાથી ભક્તો માટે ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

શ્રી બહુચરાજી માતા મંદિરના આરતી, દર્શનનો સમય?

બહુચરાજી માતાના મંદિરના દર્શન અને આરતીનો સમય નીચે પ્રમાણે આપેલો છે.

  • દર્શનનો સમયઃ સવારે 5:00થી રાત્રે 9.00
  • આરતીનો સમયઃ સવારે 7.00 મંગળા, સવારે 12.00 રાજભોગ, સાંજે 7.00 સંધ્યા

બહુચરાજી મંદિર કેવી રીતે પહોંચવું?

  • સડક માર્ગ દ્વારા: બહુચરાજી માતાના મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ તેમના વાહન દ્વારા  અમદાવાદથી વાયા મહેસાણા અથવા વાયા કડી થઈને જઈ શકે છે.  તેમજ તેઓ જાહેર પરિવહન બસ અને ખાનગી વાહનો દ્વારા બહુચરાજી મંદિર સુધી સરળતાથી પહોંચી શકે છે. 
  • રેલ્વે માર્ગ દ્વારા: ગુજરાત સહિત બીજા રાજ્યમાં રહેતા માતાના ભક્તો શ્રી બહુચરાજી મંદિર સુધી સરળતાથી પહોંચી શકે છે. અહીંથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન મહેસાણા છે. 
  • હવાઇ માર્ગ દ્વારા: આદ્યશક્તિ બહુચરાજી માતાના ભક્ત ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. વિદેશમાં વસતા માતાના ભક્તો ફલાઇટનો ઉપયોગ કરીને અમદાવાદ એરપોર્ટ પર જઈને પ્રાઈવેટ વાહનો, ટેક્સી કે બસ દ્વારા સરળતાથી બહુચરાજી ધામે જઈ શકે છે.  અમદાવાદ એરપોર્ટ 100 કિ.મી.

 શ્રી બહુચર માતાજીના મંદિર આસપાસ દર્શનીય અને ફરવાલાયક સ્થળો 

  •  શ્રી ઘંટાકર્ણ મહાવીર, મહુડી, તા. વિજાપુર
  •  શ્રી બહુચરાજી મંદિર, શંખલપુર
  •  શ્રી સૂર્યમંદિર, મોઢેરા
  •  શ્રી મોઢેશ્વરી માતા મંદિર, મોઢેરા