Navratri 2026 Dates List: હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ગુજરાતમાં ગરબાની રમઝટ પણ જોવા મળે છે. વર્ષ 2026માં શારદીય નવરાત્રીની શરૂઆત 11 ઓક્ટોબર, રવિવારથી થશે અને 19 ઓક્ટોબર, સોમવારના રોજ મહાનવમી સાથે નવરાત્રી પૂર્ણ થશે. ત્યારબાદ 20 ઓક્ટોબર, મંગળવારના રોજ વિજયાદશમી એટલે કે દશેરા ઉજવવામાં આવશે. તો જાણો 2026માં કયા દિવસે કયું નોરતું છે અને ઘટસ્થાપના માટે કયો સમય શુભ છે.
શારદીય નવરાત્રી 2026માં ક્યારે શરૂ થશે?
આ પણ વાંચો
વર્ષ 2026માં શારદીય નવરાત્રીનો પ્રારંભ 11 ઓક્ટોબરથી આસો સુદ પડવાના દિવસે થશે. આ દિવસે નવરાત્રીના પ્રથમ નોરતે ઘટસ્થાપના એટલે કે કળશ સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ 12 ઓક્ટોબરથી બીજા નોરતાની શરૂઆત થશે અને નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે.
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા ઉપરાંત ગરબા અને રાસનું પણ વિશેષ મહત્વ છે. નવરાત્રીના અંતિમ દિવસે મહાનવમી અને તેના બીજા દિવસે વિજયાદશમીની ઉજવણી થશે.
શારદીય નવરાત્રી 2026નું સંપૂર્ણ કેલેન્ડર
| તારીખ | વાર | નોરતું | માતાજીનું સ્વરૂપ |
|---|---|---|---|
| 11 ઓક્ટોબર 2026 | રવિવાર | પ્રથમ નોરતું | મા શૈલપુત્રી |
| 12 ઓક્ટોબર 2026 | સોમવાર | બીજું નોરતું | મા બ્રહ્મચારિણી |
| 13 ઓક્ટોબર 2026 | મંગળવાર | ત્રીજું નોરતું | મા ચંદ્રઘંટા |
| 14 ઓક્ટોબર 2026 | બુધવાર | ચોથું નોરતું | મા કુષ્માંડા |
| 15 ઓક્ટોબર 2026 | ગુરુવાર | પાંચમું નોરતું | મા સ્કંદમાતા |
| 16 ઓક્ટોબર 2026 | શુક્રવાર | છઠ્ઠું નોરતું | મા કાત્યાયની |
| 17 ઓક્ટોબર 2026 | શનિવાર | સાતમું નોરતું | મા કાલરાત્રિ |
| 18 ઓક્ટોબર 2026 | રવિવાર | આઠમું નોરતું | મા મહાગૌરી |
| 19 ઓક્ટોબર 2026 | સોમવાર | નવમું નોરતું | મા સિદ્ધિદાત્રી |
| 20 ઓક્ટોબર 2026 | મંગળવાર | વિજયાદશમી | દશેરા |
ઘટસ્થાપના માટે કયો સમય રહેશે શુભ?
નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે 11 ઓક્ટોબર 2026ના રોજ ઘટસ્થાપના કરવામાં આવશે. પંચાંગ ગણતરી મુજબ કળશ સ્થાપના માટે સવારે 6:35 વાગ્યાથી 10:29 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ મુહૂર્તનો કુલ સમયગાળો 3 કલાક 54 મિનિટનો છે.
આ ઉપરાંત અભિજિત મુહૂર્ત બપોરે 12:03 વાગ્યાથી 12:50 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળો 47 મિનિટનો છે. ઘટસ્થાપના માટે શુભ સમય સ્થાનિક પંચાંગ અને સ્થળ પ્રમાણે થોડો બદલાઈ શકે છે, તેથી પૂજા કરતી વખતે સ્થાનિક પંચાંગને ધ્યાનમાં લેવું યોગ્ય છે.
આ વર્ષે પ્રતિપદા તિથિ 10 ઓક્ટોબર 2026ની રાત્રે 9:19 વાગ્યે શરૂ થઈને 11 ઓક્ટોબરની રાત્રે 9:30 વાગ્યે પૂર્ણ થશે. ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ પણ આ સમયગાળા દરમિયાન રહેશે.
ઘટસ્થાપના માટે શું સામગ્રી જોઈએ?
કળશ સ્થાપના પહેલાં પૂજાની તમામ સામગ્રી તૈયાર રાખવી જરૂરી છે. તેના માટે મા દુર્ગાની મૂર્તિ અથવા ફોટો, ચોકી, લાલ કે પીળું કપડું, અક્ષત, કળશ, ગંગાજળ, સિક્કો, સોપારી, હળદર, કુમકુમ અને નાળિયેર જેવી વસ્તુઓ રાખી શકાય છે.
જવારા વાવવા માટે માટીનું પાત્ર, પવિત્ર માટી અને જવ પણ જરૂરી રહેશે. આ ઉપરાંત દીવો, ઘી, રૂની વાટ, ધૂપ, અગરબત્તી, કપૂર, લાલ ફૂલ, હાર, લાલ ચુંદડી, ફળ, મીઠાઈ અને પંચામૃત જેવી સામગ્રી પૂજા માટે તૈયાર રાખવી.
નવરાત્રીમાં ઘટસ્થાપના અને દુર્ગા પૂજા કેવી રીતે કરવી?
નવરાત્રીના પ્રથમ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવામાં આવે છે. ત્યારબાદ પૂજા સ્થાનને સાફ કરીને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે છે. બાજોટ પર લાલ કપડું પાથરી તેના પર મા દુર્ગાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવામાં આવે છે.
ત્યારબાદ શુભ મુહૂર્તમાં કળશ સ્થાપિત કરવામાં આવે છે. કળશમાં પાણી સાથે સિક્કો, સોપારી અને અક્ષત નાખી તેના ઉપર આસોપાલવ અથવા આંબાના પાન મૂકવામાં આવે છે. ત્યારબાદ નાળિયેરને લાલ ચુંદડીમાં વિંટાળી કળશ ઉપર સ્થાપિત કરવામાં આવે છે. તેની સાથે જવારા પણ વાવવામાં આવે છે.
કળશ સ્થાપના બાદ ઘીનો દીવો પ્રગટાવી માતાજીને કુમકુમનું તિલક અને અક્ષત અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ લાલ ફૂલ, હાર અને ચુંદડી ચઢાવવામાં આવે છે. ભક્તો માતાજીના મંત્ર, દુર્ગા સ્તોત્ર અથવા પોતાની પરંપરા મુજબ પ્રાર્થના અને મંત્રજાપ કરે છે.
પૂજાના અંતે ફળ, મીઠાઈ અથવા અન્ય નૈવેદ્ય ધરાવી માતા દુર્ગાની આરતી કરવામાં આવે છે. નવ દિવસ સુધી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીની આરાધના કરવામાં આવે છે.
નવરાત્રી બાદ ક્યારે ઉજવાશે દશેરા?
શારદીય નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થયા બાદ 20 ઓક્ટોબર 2026, મંગળવારના રોજ વિજયાદશમી એટલે કે દશેરા ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસ અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.
ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન અલગ-અલગ પરંપરાઓ જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને ગરબા અને રાસ નવરાત્રીના મુખ્ય આકર્ષણ રહે છે, જ્યારે નવરાત્રીની પૂજા દરમિયાન માતા દુર્ગાની આરાધના કરવામાં આવે છે.
