Navratri 2026: આસો નવરાત્રિ 2026નો પ્રારંભ ક્યારે? જાણો કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

Navratri 2026 Date: શારદીય નવરાત્રિ 2026 ની શરૂઆત 11 ઓક્ટોબરથી થશે. જાણો કળશ સ્થાપનનો શુભ સમય, નવ દિવસની પૂજા વિધિ, અષ્ટમી-નવમીની તારીખ અને દશેરા વિશે સંપૂર્ણ માહિતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 08 Sep 2026 12:54 PM (IST)Updated: Tue, 08 Sep 2026 12:54 PM (IST)
shardiya-navratri-2026-date-gujarati-calendar-kalash-sthapana-shubh-muhurat-puja-vidhi

Shardiya Navratri 2026 Date | આસો નવરાત્રી પ્રારંભ 2026: હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિને મા દુર્ગાની આરાધના અને શક્તિની ઉપાસનાના સૌથી મોટા પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થતા આ 9 દિવસના પવિત્ર તહેવારમાં માતાજીના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભક્તો આ સમયગાળા દરમિયાન વ્રત, ઉપવાસ, દુર્ગા સપ્તશતીના પાઠ અને કન્યા પૂજન જેવા ધાર્મિક અનુષ્ઠાનો કરે છે. વર્ષ 2026 માં નવરાત્રિની તારીખો અને મુહૂર્તને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે, ત્યારે ચાલો જાણીએ આ વર્ષે નવરાત્રિ ક્યારથી શરૂ થશે અને કળશ સ્થાપનનો યોગ્ય સમય કયો છે.

શારદીય નવરાત્રિ 2026 નો પ્રારંભ ક્યારે થશે?

પંચાંગ અનુસાર, આસો સુદ પડવો (પ્રતિપદા તિથિ) 10 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે 9:19 વાગ્યે શરૂ થશે અને 11 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે 9:30 વાગ્યે પૂર્ણ થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનું વિશેષ મહત્વ હોવાથી, શારદીય નવરાત્રિનો પ્રારંભ 11 ઓક્ટોબર 2026, રવિવારના રોજથી થશે. આ જ દિવસે ઘટસ્થાપના (કળશ સ્થાપન) કરવામાં આવશે.

ઘટસ્થાપના માટેનો શુભ મુહૂર્ત કયો છે?

દ્રિક પંચાંગની ગણતરી મુજબ, 11 ઓક્ટોબરના રોજ કળશ સ્થાપન માટે બે મુખ્ય શુભ મુહૂર્ત છે:

  • પ્રથમ મુહૂર્ત: સવારે 6:33 વાગ્યાથી 10:28 વાગ્યા સુધી (સમયગાળો - 3 કલાક 55 મિનિટ)
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:02 વાગ્યાથી 12:49 વાગ્યા સુધી (સમયગાળો - 47 મિનિટ)

ખાસ નોંધ: પંચાંગ અનુસાર ઘટસ્થાપનાનો આ સમયગાળો અશુભ ગણાતા 'ચિત્રા નક્ષત્ર' (10 ઓક્ટોબર રાત્રે 9:42 થી 11 ઓક્ટોબર રાત્રે 10:32 સુધી) અને 'વૈધૃતિ યોગ' (10 ઓક્ટોબર રાત્રે 10:02 થી 11 ઓક્ટોબર રાત્રે 9:05 સુધી) દરમિયાન આવી રહ્યો છે. જોકે, અલગ-અલગ શહેરોના સૂર્યોદયના સમય પ્રમાણે મુહૂર્તમાં સામાન્ય ફેરફાર થઈ શકે છે.

નવરાત્રિના 9 દિવસ દરમિયાન કયા દેવીની પૂજા થશે?

  • 11 ઓક્ટોબર: મા શૈલપુત્રી
  • 12 ઓક્ટોબર: મા બ્રહ્મચારિણી
  • 13 ઓક્ટોબર: મા ચંદ્રઘંટા
  • 14 ઓક્ટોબર: મા કૂષ્માંડા
  • 15 ઓક્ટોબર: મા સ્કંદમાતા
  • 16 ઓક્ટોબર: મા કાત્યાયની
  • 17 ઓક્ટોબર: મા કાલરાત્રિ
  • 18 ઓક્ટોબર: મા મહાગૌરી
  • 19 ઓક્ટોબર: મા સિદ્ધિદાત્રી

અષ્ટમી, નવમી અને દશેરાની તારીખ કઈ છે?

આ વર્ષે તિથિઓના ક્રમમાં ફેરફાર થવાને કારણે 19 ઓક્ટોબર 2026, સોમવારના રોજ દુર્ગા અષ્ટમી અને મહાનવમી બંને એક જ દિવસે મનાવવામાં આવશે. તેથી અષ્ટમી અને નવમી સાથે જોડાયેલી પૂજા, કન્યા પૂજન અને સંધિ પૂજા 19 ઓક્ટોબરના રોજ જ થશે. નવરાત્રિ પૂર્ણ થયા બાદ 20 ઓક્ટોબર 2026, મંગળવારના રોજ વિજયાદશમી (દશેરા) ની ઉજવણી કરવામાં આવશે, જે દિવસે માતાજીની પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવે છે.

ઘરે ઘટસ્થાપના (કળશ સ્થાપન) કેવી રીતે કરવી?

  • ઘરમાં કળશ સ્થાપન કરવા માટે સૌપ્રથમ પૂજાસ્થળને સ્વચ્છ કરો.
  • એક પાટલા પર લાલ અથવા પીળું કપડું પાથરીને મા દુર્ગાની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરો.
  • માટીના એક પાત્રમાં જવ વાવો. ત્યારબાદ તાંબા કે માટીના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં અક્ષત (ચોખા), સોપારી અને સિક્કો મૂકો.
  • કળશના મુખ પર આસોપાલવ અથવા કેરીના 5 કે 7 પાન રાખી તેના પર નાળિયેર સ્થાપિત કરો.
  • અંતમાં સંકલ્પ લઈને માતાજીની વિધિપૂર્વક પૂજા શરૂ કરો.

નવરાત્રિમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું?

નવરાત્રિ દરમિયાન ઘર અને પૂજાસ્થળની પવિત્રતા જાળવવી અત્યંત જરૂરી છે. આ 9 દિવસોમાં સાત્ત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ અને માંસાહાર, દારૂ કે તામસિક ખોરાકથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. વ્રત રાખનાર ભક્તોએ પોતાના સ્વાસ્થ્ય અને ક્ષમતા મુજબ જ ઉપવાસ કરવા. જો ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી હોય, તો તેને એવી સુરક્ષિત જગ્યાએ રાખવી જ્યાં પવન કે અન્ય કારણોથી આગ લાગવાનો કોઈ ખતરો ન હોય.