આસો નવરાત્રી 2026ની શરૂઆત કઈ તારીખે?: જાણો સાચી તારીખ, ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આસો નવરાત્રી 2026ની શરૂઆત 10 ઓક્ટોબરે થશે કે 11 ઓક્ટોબરે? જાણો ઉદયા તિથિ મુજબની સાચી તારીખ, ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત, કળશ સ્થાપનાની વિધિ અને નવરાત્રીનું ધાર્મિક મહત્વ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 08 Oct 2026 02:34 PM (IST)Updated: Thu, 08 Oct 2026 02:35 PM (IST)
shardiya-navratri-2026-correct-start-date-tithi-and-ghatasthapana-shubh-muhurat-in-gujarati

Navratri 2026 Start Date and Ghatasthapana Shubh Muhurat: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે શારદીય નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મા અંબાની આરાધના અને ગરબાના રંગોથી ભરપૂર આ નવ દિવસના પાવન પર્વને લઈને ભક્તોમાં એક પ્રશ્ન સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે કે વર્ષ 2026માં આસો નવરાત્રી 10 ઓક્ટોબરથી શરૂ થશે કે 11 ઓક્ટોબરથી? પંચાંગ અનુસાર તિથિના સમયને કારણે ઘણીવાર આવી મૂંઝવણ સર્જાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ નવરાત્રીની સાચી શરૂઆતની તારીખ, ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત અને કળશ સ્થાપનાની સરળ પૂજા વિધિ.

આસો નવરાત્રી કઈ તારીખે છે? (Navratri 2026 Date )

હિન્દુ પંચાંગ મુજબ આસો સુદ એકમની તિથિ 10 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 9:19 વાગ્યે શરૂ થશે અને 11 ઓક્ટોબરે રાત્રે 9:30 વાગ્યે પૂર્ણ થશે. ધાર્મિક કાર્યોમાં ઉદયા તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી આસો નવરાત્રીનો પ્રથમ નોરતો અને ઘટસ્થાપના 11 ઓક્ટોબર 2026, રવિવારના રોજ કરવામાં આવશે. નવ દિવસ સુધી ચાલનારી આ શક્તિ ઉપાસનાનો સમાપન 20 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા સાથે થશે.

નવરાત્રી ઘટસ્થાપન માટે શુભ મુહૂર્ત અને ચોઘડિયું (Navratri Ghatasthapana Muhurat 2026)

નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના અથવા ઘટસ્થાપના કરવાનું વિશેષ મહત્વ છે. પંચાંગ મુજબ 11 ઓક્ટોબરે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6:35 વાગ્યાથી 10:29 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન માતાજીની સ્થાપના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. જે ભક્તો સવારે સ્થાપના ન કરી શકે તેઓ માટે અભિજિત મુહૂર્ત બપોરે 12:03 વાગ્યાથી 12:50 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આસો નવરાત્રીનું ધાર્મિક મહત્વ

શારદીય નવરાત્રીને શક્તિ ઉપાસનાનું સૌથી મોટું પર્વ માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન મા શૈલપુત્રીથી લઈને મા સિદ્ધિદાત્રી સુધીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રી દરમિયાન ભક્તિભાવથી કરવામાં આવેલી આરાધનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સફળતાનો આશીર્વાદ મળે છે. ગુજરાતમાં તો નવરાત્રી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક ઉત્સવ તરીકે પણ વિશેષ મહત્વ ધરાવે છે.

નવરાત્રી પૂજા સામગ્રી (Navratri Puja Samagri)

નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપના અને માતાજીની પૂજા માટે કેટલીક આવશ્યક સામગ્રી અગાઉથી તૈયાર રાખવી શુભ માનવામાં આવે છે. તેમાં કળશ, ગંગાજળ, નાળિયેર, કેરીના પાન, લાલ ચૂંદડી, કંકુ, અક્ષત (ચોખા), હળદર, કપૂર, અગરબત્તી, ઘીનો દીવો, ફૂલોની માળા, ફળ, મીઠાઈ, સોપારી, લવિંગ, એલચી અને જવાર અથવા ઘઉંનો સમાવેશ થાય છે. માતાજીના શૃંગાર માટે ચુડીઓ, સિંદૂર, બિંદી, સાડી અથવા ચૂંદડી પણ અર્પણ કરવામાં આવે છે.

નવરાત્રી પૂજા વિધિ (Navratri Puja Vidhi)

નવરાત્રીના પ્રથમ દિવસે ઘરને સ્વચ્છ કરીને પૂજા સ્થળ તૈયાર કરવું. ત્યારબાદ લાલ અથવા પીળું કપડું પાથરી તેના પર માટીનો પાત્ર રાખવો. તેમાં જૌ અથવા ઘઉં વાવી તેના ઉપર પાણીથી ભરેલો કળશ સ્થાપિત કરવો. કળશ પર કેરીના પાન અને નાળિયેર સ્થાપિત કરીને માતા દુર્ગાનું ધ્યાન કરવું. ત્યારબાદ દીવો પ્રગટાવી દુર્ગા સપ્તશતી, દુર્ગા ચાલીસા અથવા માતાજીના મંત્રોનો જાપ કરવો. નવ દિવસ સુધી નિયમિત રીતે આરતી અને પૂજા કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.

નવરાત્રી કેલેન્ડર 2026 (Navratri 2026 Gujarati Calendar)

તારીખ નોરતું માતાજીનું સ્વરૂપ
11 ઓક્ટોબર પ્રથમ નોરતું મા શૈલપુત્રી
12 ઓક્ટોબર બીજું નોરતું મા બ્રહ્મચારિણી
13 ઓક્ટોબર ત્રીજું નોરતું મા ચંદ્રઘંટા
14 ઓક્ટોબર ચોથું નોરતું મા કુષ્માંડા
15 ઓક્ટોબર પાંચમું નોરતું મા સ્કંદમાતા
16 ઓક્ટોબર છઠ્ઠું નોરતું મા કાત્યાયની
17 ઓક્ટોબર સાતમું નોરતું મા કાલરાત્રિ
18 ઓક્ટોબર આઠમું નોરતું મા મહાગૌરી
19 ઓક્ટોબર નવમું નોરતું મા સિદ્ધિદાત્રી (મહાષ્ટમી-મહાનવમી)
20 ઓક્ટોબર વિજયાદશમી દશેરા પર્વ