Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવારોમાંની એક છે. દર વર્ષે ભક્તો મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરે છે, પરંતુ વર્ષ 2026ની નવરાત્રી ખાસ રહેવાની છે. આ વર્ષે નવરાત્રી 9 દિવસ નહીં પરંતુ 10 દિવસ સુધી ઉજવાશે. પંચાંગ મુજબ તિથિ વૃદ્ધિના કારણે સપ્તમી તિથિ બે દિવસ આવતાં આ વિશેષ સંયોગ બન્યો છે. આવો જાણીએ તેની પાછળનું કારણ અને સંપૂર્ણ નોરતાની તારીખો.
આ વર્ષે નવરાત્રી 10 દિવસની કેમ રહેશે?
સામાન્ય રીતે નવરાત્રી આસો સુદ એકમથી નવમી સુધી કુલ 9 દિવસ મનાવવામાં આવે છે. જોકે વર્ષ 2026માં પંચાંગની ગણતરી મુજબ એક વિશેષ જ્યોતિષીય સંયોગ બની રહ્યો છે. આ વર્ષે સપ્તમી તિથિનું પુનરાવર્તન થઈ રહ્યું છે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં તિથિ વૃદ્ધિ કહેવામાં આવે છે.
પંચાંગ અનુસાર સપ્તમી તિથિ 17 અને 18 ઓક્ટોબર એમ સતત બે દિવસ રહેશે. તેના કારણે નવરાત્રીનો સમયગાળો એક દિવસ વધીને કુલ 10 દિવસનો બની જશે. આથી શારદીય નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થઈ 20 ઓક્ટોબર, વિજયાદશમી સુધી ચાલશે.
11 ઓક્ટોબરે થશે ઘટસ્થાપન
આસો સુદ એકમ તિથિ 10 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:19 વાગ્યે શરૂ થશે અને 11 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:31 વાગ્યા સુધી રહેશે. હિંદુ ધર્મમાં ઉદયા તિથિને માન્યતા આપવામાં આવતી હોવાથી નવરાત્રીનો પ્રથમ દિવસ 11 ઓક્ટોબર, રવિવાર ગણાશે. આ દિવસે ભક્તો કળશ સ્થાપના કરીને મા શૈલપુત્રીની પૂજા કરશે અને નવરાત્રીના પવિત્ર ઉત્સવની શરૂઆત કરશે.
ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત
પંચાંગ મુજબ 11 ઓક્ટોબરે ઘટસ્થાપન માટેનું શુભ મુહૂર્ત સવારે 6:19 વાગ્યાથી 10:12 વાગ્યા સુધી રહેશે. જો સવારે સ્થાપના કરવી શક્ય ન હોય તો અભિજિત મુહૂર્ત બપોરે 11:44 થી 12:31 વાગ્યા સુધી પણ શુભ માનવામાં આવે છે.
10 દિવસની નવરાત્રીનું ધાર્મિક મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે નવરાત્રી તિથિ વૃદ્ધિના કારણે 10 દિવસની બને છે ત્યારે તેને ખૂબ શુભ માનવામાં આવે છે. ભક્તોને માતાજીની ઉપાસના, જપ, તપ, પાઠ અને આરાધના માટે એક વધારાનો દિવસ મળે છે. જ્યોતિષાચાર્યોના મતે આ પ્રકારનો સંયોગ સમાજમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવનાર માનવામાં આવે છે.
શારદીય નવરાત્રી 2026 નોરતાની સંપૂર્ણ યાદી
| તારીખ | વાર | નોરતું | માતાજીનું સ્વરૂપ |
|---|---|---|---|
| 11 ઓક્ટોબર 2026 | રવિવાર | પ્રથમ નોરતું | મા શૈલપુત્રી |
| 12 ઓક્ટોબર 2026 | સોમવાર | બીજું નોરતું | મા બ્રહ્મચારિણી |
| 13 ઓક્ટોબર 2026 | મંગળવાર | ત્રીજું નોરતું | મા ચંદ્રઘંટા |
| 14 ઓક્ટોબર 2026 | બુધવાર | ચોથું નોરતું | મા કુષ્માંડા |
| 15 ઓક્ટોબર 2026 | ગુરુવાર | પાંચમું નોરતું | મા સ્કંદમાતા |
| 16 ઓક્ટોબર 2026 | શુક્રવાર | છઠ્ઠું નોરતું | મા કાત્યાયની |
| 17 ઓક્ટોબર 2026 | શનિવાર | સાતમું નોરતું | મા કાલરાત્રિ |
| 18 ઓક્ટોબર 2026 | રવિવાર | આઠમું નોરતું | મા મહાગૌરી |
| 19 ઓક્ટોબર 2026 | સોમવાર | નવમું નોરતું | મા સિદ્ધિદાત્રી |
| 20 ઓક્ટોબર 2026 | મંગળવાર | વિજયાદશમી | દશેરા |
નવરાત્રીના પૂજન મંત્ર
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે।
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે।।
ૐ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની।
દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે।।
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ।।
