Rupal Palli Date 2026: ગુજરાતમાં નવરાત્રીનો પર્વ એટલે આદ્યશક્તિની આરાધના અને ભક્તિનો સમન્વય. નવરાત્રી દરમિયાન આઠમ અને નોમનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. આસો સુદ નોમના દિવસે ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામમાં યોજાતો 'પલ્લીનો મેળો' સમગ્ર રાજ્યમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. અહીં નીકળતી વરદાયિની માતાની ઐતિહાસિક પલ્લીમાં દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે.
રૂપાલની પલ્લી 2026 ક્યારે અને ક્યાં યોજાશે?
પરંપરા મુજબ દર વર્ષે આસો સુદ નોમના દિવસે રૂપાલમાં માતાજીની પલ્લી નીકળે છે. વર્ષ 2026 માં આ ભવ્ય મેળો 19 ઓક્ટોબરના રોજ મધરાતે યોજાશે. ગાંધીનગરથી માત્ર 13 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામે આ રાત્રે માતાજીની પલ્લી નગરચર્યાએ નીકળે છે અને ભક્તિનો અનોખો માહોલ સર્જાય છે.
રૂપાલ વરદાયિની માતાજી મંદિર અને પલ્લીનો ઇતિહાસ અને મહત્વ
રૂપાલની પલ્લીની સૌથી મોટી વિશેષતા તેના પર થતો ચોખ્ખા ઘીનો અભિષેક છે. વરદાયિની માતાની પલ્લી જ્યારે નગરમાં ફરે છે, ત્યારે દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થવા બદલ પલ્લી પર ઘી ચડાવીને ધન્યતા અનુભવે છે. એક અંદાજ મુજબ, એક જ રાતમાં અહીં 4 થી 5 લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. આખી રાત રૂપાલના રસ્તાઓ પર રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. આ ઐતિહાસિક મેળામાં દર વર્ષે આશરે 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
વરદાયિની માતાજી મંદિરનો મહાભારત કાળ સાથે શું સંબંધ છે?
આ લોકમેળાનો ઈતિહાસ દ્વાપર યુગ એટલે કે મહાભારત કાળ સાથે સંકળાયેલો છે. દંતકથા અનુસાર, પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પોતાના શસ્ત્રો એક ખીજડાના વૃક્ષ નીચે સંતાડ્યા હતા અને તેની રક્ષા કરવા માટે વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ, ભગવાન શ્રી કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદીએ આસો સુદ નોમના દિવસે માતાજીની સોનાની પલ્લી બનાવી હતી. તેમાં 5 કુંડની સ્થાપના કરી પંચબલી યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ પલ્લી કાઢવાની પરંપરા અવિરતપણે ચાલી આવે છે.
ભગવાન શ્રી રામ અને વરદાયિની માતાજી વચ્ચે શું પૌરાણિક કથા છે?
રૂપાલ તીર્થસ્થાન સાથે ત્રેતાયુગની કથા પણ જોડાયેલી છે. ધાર્મિક માન્યતા છે કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામે પિતાની આજ્ઞા પાળવા અને રાવણ વધ માટે શક્તિ મેળવવા અહીં વરદાયિની માતાની પૂજા કરી હતી. ઋષિ શ્રૃંગીના આદેશથી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાએ આરાધના કરી હતી. તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને વરદાયિની માતાએ શ્રી રામને એક અમોઘ દિવ્ય અસ્ત્ર પ્રદાન કર્યું હતું. કહેવાય છે કે લંકાના યુદ્ધમાં રામે આજ દિવ્ય બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો.
