Raksha Bandhan 2026 Sutak Kaal Timings: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આ વર્ષે 28 ઓગસ્ટ 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે જ એક ખાસ અને દુર્લભ ખગોળીય સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે જ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થવાનું છે, અને આ દરમિયાન અદ્ભુત 'બ્લડ મૂન' (Blood Moon) પણ જોવા મળશે. તહેવારના દિવસે જ ગ્રહણ હોવાથી લોકોના મનમાં અનેક પ્રકારની શંકાઓ છે કે શું આ ગ્રહણ તહેવારની ઉજવણી પર અસર કરશે? ચાલો જાણીએ આ ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી તમામ મહત્વની માહિતી.
28 ઓગસ્ટે ક્યારે અને કેટલા વાગ્યે લાગશે ચંદ્રગ્રહણ?
ખગોળ વિજ્ઞાન અને પંચાંગ અનુસાર, વર્ષ 2026 નું આ બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ થશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણની શરૂઆત સવારે 06:55 વાગ્યે થશે અને તે બપોરે 12:30 વાગ્યા સુધી ચાલશે. એટલે કે આ ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 35 મિનિટનો રહેશે.
આ ગ્રહણ દરમિયાન એક રસપ્રદ ખગોળીય સ્થિતિ સર્જાશે, જેમાં પૃથ્વીની ગાઢ છાયા ચંદ્રના લગભગ 93 થી 96 ટકા ભાગને ઢાંકી દેશે. આ પ્રક્રિયાને કારણે ચંદ્ર સંપૂર્ણપણે કાળો દેખાવાને બદલે ઘેરા તાંબા જેવા લાલ (કોપર રેડ) રંગમાં ફેરવાઈ જશે, જેને વિજ્ઞાનની ભાષામાં 'બ્લડ મૂન' કહેવામાં આવે છે.
શું આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે?
લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? તો તેનો સીધો જવાબ છે, ના. આ ચંદ્રગ્રહણ ભારતમાં દૃશ્યમાન થશે નહીં. જે સમયે આ ગ્રહણ લાગી રહ્યું હશે, તે સમયે ભારતમાં દિવસનો પ્રકાશ હશે. આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે યુરોપ, પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા તેમજ એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં જ જોવા મળશે. ભારતમાં તેની દૃશ્યતા શૂન્ય રહેશે.
શું ભારતમાં ગ્રહણનો સૂતક કાળ માન્ય રહેશે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોઈપણ ચંદ્રગ્રહણ શરૂ થવાના લગભગ 9 કલાક પહેલાં તેનો સૂતક કાળ શરૂ થઈ જાય છે. સૂતક કાળ દરમિયાન અનેક માંગલિક કાર્યો પર રોક લગાવવામાં આવે છે અને મંદિરોના કપાટ પણ દર્શન માટે બંધ કરી દેવામાં આવે છે.
પરંતુ, 28 ઓગસ્ટનું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી દેશમાં તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. સૂતક લાગુ ન પડવાને કારણે દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રતિબંધોનું પાલન કરવાની જરૂર રહેશે નહીં. મંદિરો ખુલ્લાં રહેશે અને પૂજા-પાઠ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
રાખડી બાંધવાના મુહૂર્ત અને તહેવાર પર શું અસર પડશે?
આ ચંદ્રગ્રહણ ભારતમાં અદૃશ્ય હોવાથી અને તેનો સૂતક કાળ પણ અમાન્ય હોવાથી રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર તેની કોઈ જ નકારાત્મક અસર પડશે નહીં. બહેનો કોઈપણ પ્રકારની ચિંતા, સંકોચ કે ભય વિના પોતાના ભાઈના કાંડા પર આખો દિવસ રાખડી બાંધી શકશે. પંચાંગ અનુસાર 28 ઓગસ્ટના રોજ ઉદયા તિથિ હોવાથી તહેવારની ઉજવણી માટે આખો દિવસ શુભ ગણાશે. જોકે, ધાર્મિક પરંપરાઓને અનુસરીને સામાન્ય રીતે આવતા ભદ્રાકાળ વગેરેનો સમય ધ્યાનમાં રાખી શકાય છે.
રાખડી બાંધવાના શુભ મુહૂર્ત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 28 ઓગસ્ટના રોજ દિવસ દરમિયાન અનેક શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે, જેમાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે:
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:50 થી 05:35 વાગ્યા સુધી
- પ્રાતઃ સંધ્યા: સવારે 05:13 થી 06:21 વાગ્યા સુધી
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:15 થી 01:06 વાગ્યા સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 02:47 થી 03:38 વાગ્યા સુધી
- ગોધૂલી મુહૂર્ત: સાંજે 07:01 થી 07:24 વાગ્યા સુધી
- સાયાહ્ન સંધ્યા: સાંજે 07:01 થી 08:09 વાગ્યા સુધી
- અમૃત કાળ: સાંજે 07:44 થી 09:23 વાગ્યા સુધી
રાખડી બાંધવા માટેના શ્રેષ્ઠ ગુજરાતી ચોઘડિયા મુહૂર્ત
જો તમે ચોઘડિયા જોઈને શુભ કાર્ય કરવાની પરંપરા ધરાવતા હોવ, તો 28 ઓગસ્ટના શુભ ચોઘડિયા નીચે મુજબ રહેશે:
- લાભ ચોઘડિયું: સવારે 07:56 થી 09:31 વાગ્યા સુધી
- અમૃત ચોઘડિયું: સવારે 09:31 થી 11:06 વાગ્યા સુધી
- શુભ ચોઘડિયું: બપોરે 12:41 થી 02:16 વાગ્યા સુધી
- લાભ ચોઘડિયું (રાત્રિ): રાત્રે 09:51 થી 11:16 વાગ્યા સુધી
