Jalebi Rakhi: ભારતીય સંસ્કૃતિ અને તહેવારોની ભવ્યતા હવે દેશની સીમાઓ ઓળંગીને વિદેશોમાં પણ પોતાની અનોખી છાપ છોડી રહી છે. તાજેતરમાં ન્યૂયોર્ક શહેરમાં ઉજવાયેલા રક્ષાબંધનના ઉત્સવે વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી પ્રખ્યાત 'બંગલો' (Bungalow) રેસ્ટોરન્ટમાં દેશના પ્રખ્યાત શેફ વિકાસ ખન્ના અને અંબાણી પરિવારના પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અંબાણી વચ્ચે રક્ષાબંધનની સુંદર ઉજવણી જોવા મળી હતી. પરંતુ આ ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી રાધિકા મર્ચન્ટે બાંધેલી અનોખી 'જલેબી રાખડી'.
ભારતીય મીઠાશનું પ્રતીક: ‘જલેબી રાખડી’
સામાન્ય રીતે રક્ષાબંધન પર રેશમી દોરા કે મોતીની રાખડીઓ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે ભારતીય પરંપરાગત મીઠાઈ 'જલેબી'ના આકારમાં તૈયાર કરાયેલી રાખડીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ ખાસ ડિઝાઇન કઈ સામાન્ય બ્રાન્ડની નથી, પરંતુ ગોરખપુરની મૂળ નિવાસી અને હાલ હૈદરાબાદમાં કાર્યરત ડિઝાઈનર કનુપ્રિયા ટિબરેવાલાની સર્જનાત્મકતાનું પરિણામ છે.
કનુપ્રિયાની બાળકોની પ્રખ્યાત લક્ઝરી બ્રાન્ડ 'પંછી' (Panchhi) દ્વારા તેમના કલેક્શન ‘દિલ કી ધડકન’ હેઠળ આ રાખડી ખાસ હાથથી તૈયાર કરવામાં આવી હતી. આ આખું કલેક્શન ભારતીય બજારોના રંગો, બાળપણની યાદો અને મીઠાઈઓની થીમ પર આધારિત છે.
શેફ વિકાસ ખન્નાના વિડિયોથી વાયરલ થઈ કળા
ન્યૂયોર્ક સ્થિત પોતાની રેસ્ટોરન્ટમાં રાધિકા મર્ચન્ટે જ્યારે શેફ વિકાસ ખન્નાના કાંડા પર આ 'જલેબી રાખડી' બાંધી, ત્યારે વિકાસ ખન્નાએ આ ક્ષણનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વાયરલ થતાં જ લોકોએ આ અનોખી કળાના મુક્ત મને વખાણ કર્યા.
પોતાના હુનરને આટલું મોટું મંચ મળતાં ખુશી વ્યક્ત કરતા કનુપ્રિયા ટિબરેવાલાએ જણાવ્યું હતું કે- ભારતની આ મીઠાશ અને રક્ષાબંધનની ખુશીઓને અમે એક નાનકડા રેશમી દોરામાં વણવાનો પ્રયાસ કર્યો હતો. ભારતની શાન ગણાતા રાધિકા મર્ચન્ટ અને શેફ વિકાસ ખન્ના મારી બનાવેલી રાખડીથી ઉત્સવ મનાવી રહ્યા છે તે જોવું એ મારા માટે અત્યંત ગર્વની ક્ષણ છે.
કોણ છે કનુપ્રિયા ટિબરેવાલા?
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલી ગીતા વાટિકાના ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલી કનુપ્રિયાને નાનપણથી જ ભારતીય તહેવારો અને કળા પ્રત્યે ઊંડો લગાવ રહ્યો છે. તેમણે બેંગલુરુની ક્રાઇસ્ટ કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને IIM બેંગલુરુમાંથી પણ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન મેળવ્યું છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે હૈદરાબાદથી 'પંછી' બ્રાન્ડની શરૂઆત કરી, જે આજે બાળકોના લક્ઝરી વસ્ત્રો અને યુનિક કલેક્શન માટે જાણીતી છે.
ગોરખપુરની ગલીઓમાંથી શરૂ થયેલી કળાની આ સફર આજે હૈદરાબાદ થઈને ન્યૂયોર્ક સુધી પહોંચી છે, જે ભારતીય કારીગરી અને હસ્તકળાનું વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
