Raksha Bandhan 2025 Muhurat Time Gujarati: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. જોકે, આ વખતે રક્ષાબંધનના દિવસે જ ચંદ્રગ્રહણનો સંયોગ બની રહ્યો હોવાથી લોકોના મનમાં રાખડી બાંધવાના શુભ મુહૂર્ત, ગ્રહણની અસર અને સૂતક કાળને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. તદુપરાંત, તહેવારની પૂર્વસંધ્યાએ ભદ્રાનો પણ પ્રભાવ જોવા મળશે.
આવો જાણીએ રક્ષાબંધનની સચોટ તિથિ, ચંદ્રગ્રહણની અસર, ભદ્રાકાળ અને રાખડી બાંધવા માટેના શ્રેષ્ઠ મુહૂર્ત વિશેની તમામ મહત્વની માહિતી.
રક્ષાબંધન 27 ઓગસ્ટે છે કે 28 ઓગસ્ટે?
હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ પૂર્ણિમાની તિથિ 27 ઓગસ્ટ 2026, ગુરુવારે સવારે 9:08 વાગ્યે શરૂ થશે અને 28 ઓગસ્ટ 2026, શુક્રવારે સવારે 9:48 વાગ્યે પૂર્ણ થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિ (સૂર્યોદયના સમયની તિથિ) માન્ય ગણાય છે. તેથી રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ 2026 ના રોજ જ ઉજવવામાં આવશે.
શું રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ અને સૂતક કાળની અસર થશે?
જ્યોતિષીય ગણતરી મુજબ, 28 ઓગસ્ટ 2026 ના રોજ ચંદ્રગ્રહણ સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:31 વાગ્યે પૂર્ણ થશે. સામાન્ય રીતે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા સૂતક કાળ લાગુ થઈ જાય છે. પરંતુ, વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. શાસ્ત્રોના નિયમ મુજબ, જે સ્થળે ગ્રહણ અદ્રશ્ય હોય ત્યાં સૂતક કાળ કે ગ્રહણના ધાર્મિક નિયમો લાગુ પડતા નથી. પરિણામે, ભારતમાં ગ્રહણની કોઈ નકારાત્મક અસર માનવામાં આવશે નહીં અને તહેવારની ઉજવણીમાં કોઈ અડચણ આવશે નહીં.
ભદ્રાનો પડછાયો ક્યારે રહેશે?
રાખડી બાંધતી વખતે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. આ વર્ષે 27 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 9:08 થી રાત્રે 9:32 વાગ્યા સુધી ભદ્રાનો પ્રભાવ રહેશે. એટલે કે 27 ઓગસ્ટે જ ભદ્રા પૂર્ણ થઈ જશે. તેથી 28 ઓગસ્ટે આખો દિવસ ભદ્રામુક્ત રહેશે.
રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત અને ચોઘડિયા
રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે સૌથી ઉત્તમ સમય સવારનો રહેશે:
શ્રેષ્ઠ મુહૂર્ત: 28 ઓગસ્ટ, સવારે 06:21 થી સવારે 09:48 સુધી.
જો સવારે શક્ય ન હોય તો, દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા અનુસાર રાખડી બાંધી શકાય છે:
- લાભ (દિવસ): સવારે 07:56 થી 09:31 સુધી
- અમૃત (દિવસ): સવારે 09:31 થી 11:06 સુધી
- શુભ (દિવસ): બપોરે 12:41 થી 02:16 સુધી
- લાભ (રાત્રિ): રાત્રે 09:51 થી 11:16 સુધી
રાખડી ક્યારે ન બાંધવી? (રાહુકાળનો સમય)
રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. રક્ષાબંધનના દિવસે નીચે દર્શાવેલા રાહુકાળમાં રાખડી બાંધવાનું ટાળવું જોઈએ:
વર્જિત સમય (રાહુકાળ): સવારે 11:06 થી બપોરે 12:41 વાગ્યા સુધી.
શ્રાવણી પૂર્ણિમા પર સ્નાન-દાનના મુહૂર્ત
ગ્રહણ ભારતમાં માન્ય ન હોવાથી શ્રાવણી પૂર્ણિમા પર થતા સ્નાન અને દાનના કાર્યો રાબેતા મુજબ થઈ શકશે. તેના શુભ મુહૂર્ત નીચે મુજબ છે:
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:50 થી 5:35 વાગ્યા સુધી
- પ્રાતઃ સંધ્યા: સવારે 5:13 થી 6:21 વાગ્યા સુધી
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:15 થી 1:06 વાગ્યા સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 2:47 થી 3:38 વાગ્યા સુધી
