Kevda Trij Puja Vidhi: કેવડા ત્રીજના દિવસે કેવી રીતે કરવી પૂજા? જાણો પૂજા વિધિ અને સામગ્રીનું લિસ્ટ

Kevda Trij Puja Vidhi: વર્ષ 2026 માં કેવડા ત્રીજનું વ્રત 14 સપ્ટેમ્બરે રખાશે. પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્યજીવન માટે શિવ-પાર્વતીની પૂજા વિધિ, મુહૂર્ત અને સામગ્રી વિશે જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 09 Sep 2026 10:54 AM (IST)Updated: Wed, 09 Sep 2026 10:54 AM (IST)
kevda-trij-puja-vidhi-and-samagri-list-in-gujarati

Kevda Trij Puja Vidhi and Samagri List In Gujarati: અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના માટે કરવામાં આવતું કેવડા ત્રીજનું વ્રત ગુજરાતમાં અનેરું મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ માટે, જ્યારે કુંવારિકાઓ મનગમતો જીવનસાથી મેળવવા માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરે છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં આ પવિત્ર તહેવાર 'હરિતાલિકા તીજ' તરીકે ઓળખાય છે, પરંતુ ગુજરાતમાં તે 'કેવડા ત્રીજ' તરીકે પ્રચલિત છે. ચાલો જાણીએ કેવડા ત્રીજના દિવસે કેવી રીતે કરવી પૂજા? સંપૂર્ણ પૂજા વિધિ અને સામગ્રીનું લિસ્ટ.

કેવડા ત્રીજ 2026 ક્યારે છે?

હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં ભાદરવા સુદ ત્રીજની તિથિ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 07:08 વાગ્યે શરૂ થશે અને તેનું સમાપન 14 સપ્ટેમ્બરના રોજ સવારે 07:06 વાગ્યે થશે. હિંદુ ધર્મમાં વ્રત અને તહેવારો માટે સૂર્યોદય વખતની 'ઉદયા તિથિ' ને માન્યતા આપવામાં આવે છે. આ નિયમ અનુસાર, કેવડા ત્રીજનું વ્રત 14 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ રાખવામાં આવશે.

કેવડા ત્રીજ 2026 પૂજા માટેશુભ મુહૂર્ત

જો તમે 14 સપ્ટેમ્બરના રોજ વ્રત રાખી રહ્યા છો, તો પૂજા અને ધાર્મિક કાર્યો માટે પંચાંગમાં દર્શાવેલા આ શુભ મુહૂર્ત ધ્યાનમાં રાખી શકો છો:

  • પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત: સવારે 06:26 થી 07:06 વાગ્યા સુધી (પૂજા માટે કુલ 41 મિનિટનો સમય મળશે)
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:52 થી 05:39 વાગ્યા સુધી
  • પ્રાતઃ સંધ્યા: સવારે 05:16 થી 06:26 વાગ્યા સુધી
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:10 થી 01:00 વાગ્યા સુધી

કેવડા ત્રીજનું શું છે ધાર્મિક મહત્વ?

પૌરાણિક કથા અનુસાર, બ્રહ્માજીના એક અસત્યમાં કેવડાના પુષ્પએ ખોટી સાક્ષી આપી હતી. આ કારણે ભગવાન શિવે ક્રોધિત થઈ પોતાની પૂજામાં કેવડાનો અસ્વીકાર કર્યો હતો. જોકે, એવી માન્યતા છે કે વર્ષમાં માત્ર એક જ દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના રોજ મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે. આ વિશેષતાને કારણે જ આ દિવસને 'કેવડા ત્રીજ' કહેવામાં આવે છે. એવી પણ લોકવાયકા છે કે આ વ્રતના પ્રભાવથી જ માતા પાર્વતીને મહાદેવ પતિ સ્વરૂપે પ્રાપ્ત થયા હતા.

કેવડા ત્રીજની પૂજા માટે કઈ સામગ્રીની જરૂર પડશે?

  • શિવલિંગ બનાવવા માટે કાળી અથવા શુદ્ધ માટી
  • કેવડાનું ફૂલ કે પાન
  • શમીના પાન, બીલીપત્ર, ભાંગ અને ધતૂરો
  • કાચા સૂતરની જનોઈ
  • ચંદન, કંકુ (રોલી) અને અક્ષત (ચોખા)
  • દીવો, ધૂપ અને ઘી
  • ફળ, ફૂલ અને નૈવેદ્ય
  • પ્રસાદ માટે કાકડી

કેવડા ત્રીજની પૂજા વિધિ અને વ્રતના નિયમો શું છે?

  • વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.
  • પરિણીત મહિલાઓએ પૂજા સમયે સૌભાગ્યના પ્રતીકો અચૂક ધારણ કરવા.
  • હાથમાં જળ લઈને શ્રદ્ધાપૂર્વક વ્રતનો સંકલ્પ કરો.
  • શુભ મુહૂર્તમાં શુદ્ધ માટીમાંથી શિવલિંગ અને માતા પાર્વતીની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરો.
  • ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાનથી એકસાથે પૂજા કરો.
  • માતા પાર્વતીને સૌભાગ્યની વસ્તુઓ (બંગડી, માળા, સિંદૂર, ચુંદડી વગેરે) અર્પણ કરો અને શિવજીને કેવડાનું પાન વિશેષ રૂપે અર્પણ કરો.
  • પૂજા પૂર્ણ થયા બાદ કેવડા ત્રીજની વ્રત કથાનું વાંચન અથવા શ્રવણ કરો અને ગૌરીશંકર પાસે અખંડ સૌભાગ્યની કામના કરો.

કેવડા ત્રીજ વ્રતના નિયમો: મોટાભાગની મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત રાખે છે, પરંતુ જો તે શક્ય ન હોય તો જળ, દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય છે. કંઈપણ ગ્રહણ કરતા પહેલા શિવજીને અર્પણ કરેલું કેવડાનું પાન સુંઘવાનો વિશેષ નિયમ છે. રાત્રિ દરમિયાન શિવ સ્મરણ સાથે જાગરણ કરવું. બીજા દિવસે સવારે શિવ-પાર્વતીની પૂજા કર્યા બાદ વ્રતના પારણાં કરવા અને માટીની પ્રતિમાઓનું જળમાં વિસર્જન કરવું.