Shitala Satam Vrat Katha: શીતળા સાતમના દિવસે જરૂર વાંચો શીતળા માતાની આ પૌરાણિક વાર્તા

Shitala Satam Vrat Katha in Gujarati: શ્રાવણ માસની સાતમે આવતા શીતળા સાતમના પર્વનું ગુજરાતમાં વિશેષ મહત્વ છે. જાણો શીતળા માતાની પૌરાણિક વ્રત કથા, દેરાણી-જેઠાણીની વાર્તા અને આ પર્વનું ધાર્મિક મહત્વ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 02 Sep 2026 10:23 AM (IST)Updated: Wed, 02 Sep 2026 10:23 AM (IST)
shitala-satam-vrat-katha-gujarati

Shitala Satam Vrat Katha in Gujarati: ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં શીતળા સાતમનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં શીતળા સાતમનું પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે શીતળા માતાની પૂજા કરવાથી પરિવાર અને ખાસ કરીને બાળકોને ઓરી, અછબડા જેવી ગંભીર બીમારીઓથી રક્ષણ મળે છે. આ પવિત્ર દિવસે પૂજા-અર્ચના કરવાની સાથે શીતળા માતાની પૌરાણિક વ્રત કથા સાંભળવાનો અનેરો મહિમા છે.

શીતળા સાતમ અને રાંધણ છઠની પરંપરા શું છે?

શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવો વર્જિત માનવામાં આવે છે. આ દિવસે તાજું ભોજન રાંધવાની મનાઈ હોય છે અને માત્ર ઠંડું ભોજન (ટાઢું) જ આરોગવાની પરંપરા છે. આ કારણસર સાતમના એક દિવસ પહેલાં, એટલે કે રાંધણ છઠના દિવસે મહિલાઓ વિવિધ વાનગીઓ બનાવીને તૈયાર રાખે છે. રાંધણ છઠની રાત્રે ચૂલો ઠારીને તેની પૂજા કરવામાં આવે છે.

શીતળા સાતમની વાર્તા | Shitala Satam Vrat Katha In Gujarati

ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી. વાતવાતમાં વાંકું પાડતી. જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી.

પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો. સઘળાં કામ પડતાં મૂકીને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડપડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો.

અર્ધી રાત પછી શીતળા માતા ઘેરઘેર ફરવા નીકળ્યાં. ફરતાં ફરતાં નાની વહુના ઘેર આવ્યાં અને ચૂલામાં આળોટવા લાગ્યાં. ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળા માતા દાઝી ગયાં. આથી માતાને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, "હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો."

નાની વહુ સવારે ઊઠી. ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો.

નાની વહુની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માતાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી-રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતાં કહ્યું, "વહુ, ધીરજ ધર. શીતળા માતા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે. જરૂર તારા પર કૃપા કરશે."

નાની વહુ સાસુના આશીર્વાદ લઈ, છોકરાને સુંડલામાં નાખી શીતળા માતાનું રટણ કરતી જાય. રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલાં, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ-પક્ષી કે પારેવાં, જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું.

નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, "બાઈ રે બાઈ, ક્યાં હાલી?"

નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું, એમ કહ્યું ત્યારે તલાવડી બોલી,

"બહેન! અમારું પણ એક કામ કરજે. અમારા એવાં તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે? મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે."

નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં બે લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા. નાની વહુને જોઈ પૂછ્યું, "વહુ! ક્યાં હાલી?"

નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા, "અમારું ય એક કામ કરજે. અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટીના પડ છે, તે કેમેય કરીને છૂટા પડતા નથી. તો અમારા એવા તે શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે."

નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દીવેટા જેવા વાળ બેય હાથે ખંજવાળતી બેઠેલી. વહુને જોઈ ડોશી બોલી, "બાઈ રે બાઈ, આમ હાંફળી-ફાંફળી ક્યાં હાલી?"

વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, "અલી! જરાક મારું માથું તો જોઈ દેતી જા."

નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સુંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપ્યું અને એ તો મંડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જૂ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડીવારમાં તો વહુએ ડોશીના માથામાંથી જૂ વણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યાં, "હાશ... બહેન... દીકરી! તે મારા માથામાંથી ખંજવાળ મટાડી, જેમ મારી પીડા ઠારી છે, તો તેમ તારું પેટ ઠરજો."

જ્યાં ડોશીમા આટલું બોલ્યાં કે ખોળામાં છોકરું ઊંવા-ઊંવા કરી રડવા લાગ્યું. છોકરાને રોતો જોઈને વહુ તો હરખઘેલી થઈ ગઈ. અને એના મનમાં આનંદ સમાતો નથી, પણ થોડીવારમાં જ તેને વિચાર આવ્યો કે, કે માનો ન માનો, આ ડોશીમાના પગે આળોટી પડી. "બસ, મા! હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી! મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત?" આમ કહી રડવા લાગી.

ત્યારે શીતળા માતા બોલ્યા, "રડ નહિ, દીકરી! મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ. વિધિ પ્રમાણે વર્તવું જોઈએ. એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહિ અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જા... સુખી થા. મારા આશીર્વાદ છે."

શીતળા માતાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, "માતાજી! રસ્તામાં આવતાં બે તલાવડી છે.

"નિર્મળ જળ છલોછલ પાણી છે,
ટોપરાં જેવું મીઠું પાણી છે,
પણ કોઈ છાલકું પાણી પીતું નથી,
કોઈ તલાવડી સામે જોતું નથી."

તેના પાપનું નિવારણ શું? તે આપ દયા કરીને કહો."

વહુની વાત સાંભળી શીતળા માતાએ કહ્યું, "બેટા! આગલા ભવમાં એ બેય શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેર-ઝેર હતું કે રોજ લડે! ઘેર દૂઝણાં હતાં તેથી વલોણું હતું. એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી-પાડોશી, અતિથિ-અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે."

પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, "માતાજી! ત્યાર પછી રસ્તામાં આવતાં બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડીયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે કહો."

શીતળા માતાએ કહ્યું, "સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી-જેઠાણી હતાં. બેય ટૂંકા મનવાળી, ઘરમાં ખાંડણિયું (ખાણિયો) અને ઘંટી હતાં, પણ આડોશી-પાડોશી દળવા-ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી. કોઈને દળવા-ખાંડવા દે નહિ. આ પાપ આજે તેમને નડે છે. તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડીયા છોડીને બેયનો છૂટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહિ."

આમ આટલું કહી શીતળા માતા આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા.

"બાઈ રે બાઈ, સોંપેલા કામ કર્યા?
અમારા પાપના નિવારણ જાણ્યા?"

વહુ કહે, "હા. ગયા જનમમાં તમે બેય દેરાણી-જેઠાણી હતાં. ઘરમાં ખાંડણિયું, ઘંટી હોવા છતાં કોઈને દળવા-ખાંડવા દેતા ન હતાં અને છણકા કરી કાઢી મૂકતાં હતાં. તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો."

આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા.

વહુ તો આગળ વધી. આગળ જતાં રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતાં વહુએ તલાવડીને આગલા જનમની વાત કહી અને કહ્યું, "બહેન! ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે...

જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.
ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં.

દૂધનું દૂધ અને પાણીનું પાણી એ માનવું ભૂલશો નહીં.

માટે હવે ધ્યાન રાખજો, બહેનો. ભૂખ્યાને અન્ન અને દુઃખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો."

આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, "ભગવાન તારું ભલું કરે."

અને આટલું બોલતાં આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઊતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યાં. આ જોઈ બેય તલાવડીઓ આનંદિત થઈ ઊઠી.

ઘેર જવામાં મોડું થઈ જશે, એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘેર આવીને સાસુમાનાના ખોળામાં છોકરો આપી કહ્યું,

"સાસુમા ઓ સાસુમા,
શીતળા માતાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા.
માએ અમને વહાલ કર્યો, નાના બાળ જીવતા કર્યા.
શીતળા માતાના વ્રત અમને ફળ્યા."

સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષઘેલી થઈ ગઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા.

આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળા માતા પાસે ગઈ અને છોકરો સજીવન થયો. એ તો ઈર્ષાની મારી બળી ઊઠી, પણ થાય શું?

આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વિતવા લાગ્યાં. વળી પાછો રાંધણછઠનો દિવસ આવ્યો. એટલે પેલી વઢકણી-બળકણી જેઠાણીના મનમાં થયું કે, લાવ, હુંય દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લઉં.

આમ તેણે છોકરીને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રસોડામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગઈ. રાત્રે ફરવા નીકળેલા શીતળા માતા જેઠાણીના ઘરે આવ્યાં. રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળા માતા ક્રોધે ભરાયા, ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાઝ્યા. તેથી શાપ આપ્યો, "જેણે મારું શરીર બાળ્યું છે, એવું પેટ બળજો."

સવારે ઊઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમા આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે, "તને નક્કી શીતળા માતાએ શાપ આપ્યો છે. માટે તું શીતળા માતા પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહે કે, ‘માડી! મારી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો.’"

દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળા માતા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, "બહેન! આટલો અમારો સંદેશો શીતળા માતાને આપજે ને."

જેઠાણી બોલી, "જા... જા, મારી બાઈ! હું તો મારી ફીકરમાં છું. એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો શેનો ને વાત શેની? જોતી નથી, શીતળા માતાના શાપથી છોકરો ભડથું થઈ ગયો છે. હું સંદેશો આપું ને?" એમ કહી એ તો ચાલી.

આગળ જતાં પેલા બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, "હે બહેન! તમે શીતળા માતા પાસે જાવ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને."

જેઠાણીએ છણકો કરતાં કહ્યું, "મરો મારા રોયા! કોઈ નવરી નથી. તે તમારા સંદેશા લઈ જાઉં?" આમ પગ પછાડીને એ તો ચાલી.

જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમા બેઠાં છે. તેમણે જેઠાણીને કહ્યું, "બહેન! આમ ક્યાં ચાલી?"

"શીતળા માતા પાસે જાઉં છું. દીકરો સજીવન કરાવવા," જેઠાણી બોલી.

"ભલે માડી, ભલે જા. પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડીક જૂ કાઢતી જા. ભગવાન તારું ભલું કરશે," ડોશીમા બોલ્યાં.

પણ આ તો અભિમાનનું પૂતળું. ઈર્ષાનો ભંડાર હતી એ તો કાંઈ સેવા કરે? એટલે તરત જ બોલી, "એ...ય ડોશી! જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળા માતા હજુ મળ્યાં નથી? તને માથે જૂ છે તો બેઠી-બેઠી માથું ખંજવાળ્યે રાખને, મારી બાઈ! અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા." આમ કહી જેઠાણી મોં મચકોડીને આગળ ચાલી.

ત્યારે પેલી ડોશીમાએ કહ્યું, "ઓ બાઈ! માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા." પણ કોણ સાંભળે છે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળા માતાની શોધ કરી, પણ એમ શીતળા માતા મળે?

માટે બહેનો! દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનુંય સારું થતું હોય તો ટાપું-ટીયું કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન-દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે.

જેઠાણી શીતળા માતાને ઓળખી ન શકી અને રખડી-રખડીને રોતી-કકળતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શીખામણ આપી કે, "વહુ! અજાણતાં થઈ ગયેલી ભૂલ માફ થાય છે. પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ! જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ."

(જય શીતળા માતા! જેના નાની વહુને ફળ્યાં તેવાં વ્રત કરનારને, સાંભળનારને, લખનારને અને વાંચનારને સૌને ફળજો.)