Vadodara Shitala Satam 2026: ગુજરાતમાં શીતળા સાતમનું પર્વ વિશેષ મહત્વ ધરાવે છે. વડોદરા શહેરમાં આજે શ્રદ્ધા, આસ્થા અને ઉલ્લાસ સાથે શીતળા સાતમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શીતળા માતાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓ સહિતના અનેક શ્રદ્ધાળુઓએ માતા શીતળાની વિધિવત પૂજા-અર્ચના કરી અને પરિવારના સુખ, શાંતિ તેમજ દીર્ઘાયુ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
શીતળા સાતમના પર્વ સાથે જોડાયેલી વર્ષો જૂની પરંપરા મુજબ વડોદરાવાસીઓએ આજે પોતાના ઘરમાં ચૂલો પ્રગટાવ્યો ન હતો. આ પર્વની મુખ્ય વિશેષતા એ છે કે છઠ્ઠના દિવસે એટલે કે આગલા દિવસે રાંધવામાં આવેલા ઠંડા ભોજનનોમાતાજીને ભોગ ધરાવવામાં આવે છે. શહેરમાં ઠેર-ઠેર પરિવારો દ્વારા એક દિવસ અગાઉ તૈયાર કરાયેલ અવનવી વાનગીઓ અને નૈવેદ્ય માતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારના તમામ સભ્યોએ ભેગા મળીને પ્રસાદરૂપે ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું.
આધુનિક યુગ અને ભાગદોડ ભરેલી જીવનશૈલી વચ્ચે પણ વડોદરાના નાગરિકોએ આપણી પ્રાચીન લોકસંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને એટલી જ નિષ્ઠાથી જાળવી રાખી છે. ખાસ કરીને માતાઓ અને બહેનોએ વ્રત રાખીને શીતળા માતાની કથા સાંભળી હતી અને કુટુંબમાં આરોગ્યની સુરક્ષા તથા સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.
મંદિરમાં પૂજા-પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનના માહોલ સાથે વડોદરા શહેરમાં આ પર્વ ખૂબ જ શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયું હતું. માતા શીતળાના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્યની બક્ષિસ લઈને આવે તેવી ભાવના સાથે શહેરવાસીઓએ આ તહેવારની ઉજવણી કરી હતી.
