Jivantika Vrat Katha In Gujarati: સનાતન પરંપરામાં પવિત્ર શ્રાવણ માસનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે, જેમાં શ્રાવણ માસના દરેક શુક્રવારે માતાઓ દ્વારા સંતાનોના રક્ષણ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે માતા જીવંતિકાનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી બાળકો પર આવતી તમામ આપત્તિઓ દૂર થાય છે અને વિખૂટા પડેલા સંતાનો પણ પુનઃ પ્રાપ્ત થાય છે.
જો કોઈ કારણસર શ્રાવણના પ્રથમ શુક્રવારે વ્રત શરૂ ન થઈ શકે, તો બીજા શુક્રવારથી પણ તેનો પ્રારંભ કરી શકાય છે. સતત 9 વર્ષ સુધી આ વ્રત કરીને વિધિવત ઉજવણું કરવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસના શુક્રવારે સંતાનના રક્ષણ અને દીર્ઘાયુષ્ય માટે કરાતા જીવંતિકા વ્રતની સંપૂર્ણ કથા જાણો.
જીવંતિકા વ્રત કથા | Jivantika Vrat Katha In Gujarati
એક નગર હતું. નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપાલક હતો. તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો. પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે દુઃખી. તેવું તે માનતો હતો. આ રાજાને ત્યાં દોમદોમ સાહેબી હતી. પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી. તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા-રાણી બંને સૂકાતાં હતાં.
એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠાં હતાં. ત્યાં તેમની દાસી આવી. દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે, "રાજમાતા! આજે તમે ઉદાસ કેમ બેઠાં છો? તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો?" ત્યારે રાણીએ કહ્યું, "દાસી! પ્રભુએ મને ધનદોલત આપી છે. પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો, તેની મને ખૂબ જ ચિંતા થાય છે."
આ સાંભળી દાસીએ કહ્યું, "રાણીજી, આપ મારું કહ્યું કરો. આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો, પછીનું હું સંભાળી લઈશ."
આ દાસી ગામમાં સૂયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સૂવાવડ આવવાની છે તે તેને ખબર રહેતી. રાણીને નવ માસ પૂરા થતાં એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું.
અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે. તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન, વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો. આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વરતાઈ ગયો. નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ.
જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકકળ મચી ગઈ. કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું. પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતી હોવાથી મા જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતાં હતાં અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતાં હશે.
આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો. રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો. સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું. તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો. તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો. તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો. તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો. સવારે આગળ ચાલી નીકળતો હતો.
એક દિવસ એક ગામમાં રાત પડી. તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો. તે તો ગામમાં જઈ એક શેઠના ત્યાં જઈ સાદ કર્યો. 'અરે, ઘરમાં કોઈ છે કે નહીં?' ત્યારે મકાનમાલિક બહાર આવી પૂછવા લાગ્યો, "કોણ છે? તું ક્યાંથી આવે છે? કોનું કામ છે તારે?" રાજકુમાર બોલ્યો, "કે હું એક અજાણ્યો મુસાફર છું. રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવી સાદ પાડ્યો."
"આજની રાત મને રહેવા દેશો તો તમારી મોટી મહેરબાની માનીશ. હું ઉજ્જૈન નગરીથી આવું છું. સવારે ચાલ્યો જઈશ." શેઠ કહે, "ખુશીથી રહે ભાઈ, આ તારું જ ઘર છે." એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બાર ઓટલા ઉપર પથારી કરી આપી. આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો, તેથી ઘસઘસાટ ઊંઘી ગયો. આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી. અગાઉ વાણિયાના કૂખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા, તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા, એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા.
મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા. ત્યારે બહાર સૂતેલા રાજકુમારનું માતા જીવંતિકા ઓશીકે ઊભાં રહી ક્ષણ કરતાં હતાં. તેમણે વિધાતાને કહીને કહ્યું કે, "બહેન! અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું?" ત્યારે વિધાતાએ કહ્યું કે, "વાણિયાના ત્યાં દીકરો આવ્યો છે. તેથી આજે છઠ્ઠી છે. તેના લેખ લખવા આવી છું." ત્યારે માતાજીએ પૂછ્યું કે, "બહેન, તેના લેખમાં તું શું લખીશ?"
વિધાતાએ કહ્યું કે, "આ છોકરો સવારે મરણ પામશે." ત્યારે જીવંતિકામાએ કહ્યું, "જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય, માટે તારે તેનું દીર્ઘાયુ લખવું પડશે." ત્યારે વિધાતાએ કહ્યું કે, "મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે." માટે માતાજી બોલ્યા, "તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં. તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે." વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. સવારે વાણિયાના ઘરના ઊઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું. તેથી તેઓ સૌ ગાંડા-ઘેલાં થઈ ગયાં હતાં.
આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા. તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરને સારા પગલાનો ગણવા લાગ્યા. આથી તેઓએ ખૂબ જ આદર-સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. ત્યારે રાજકુમારે કહ્યું કે, "હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું. હું જ્યારે મારા પિતાનું શ્રાદ્ધ કરી પાછો જઈશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ."
જ્યારે બ્રાહ્મણપુત્ર (રાજકુમાર) તેના પિતાનું શ્રાદ્ધ બ્રાહ્મણીની મદદથી પિંડદાન આપે છે, ત્યારે તેને થાળીમાં એકને બદલે બે હાથ દેખાય છે. તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યાં. રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે.
રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો, પરંતુ મનમાં પેલા બે હાથની શંકા જતી નથી. એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો. ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો, તેની છઠ્ઠી હતી. વિધાતા આજે લેખ લખવા આવવાના હતા. ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો-ઘેલો થઈ ગયો. તેણે રાજકુમારનો આદર-સત્કાર કર્યો.
રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતાં હતાં. આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશૂળ કર્યું અને પૂછ્યું, "આજે કેમ તારું આગમન અહીંયા છે?" ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે, "આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે. તેથી લેખ લખવા આવી છું. પણ મોટી બહેન, આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે. તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો."
જીવંતિકામાએ કહ્યું કે, "હે બહેન! આ રાજકુમાર સૂતો છે, તેની મા મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે, તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે. આથી મારી હાજરી અહીંયા છે. હે બહેન! તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાનું છે?" ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે, "તેનાં લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે." જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય એટલે તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે.
આ વાતચીત સૂતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો. વિધાતા દેવીએ કહ્યું કે, "બહેન! તમારા વ્રતનો પ્રભાવ તો જોયો, પણ તે વ્રતની વિધિ કહો." ત્યારે માતાજી બોલ્યા, "સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી-ધોઈને પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરે નહીં. ચોખાના ઓસામણને ઓળંગવું નહીં. પાંચ દીવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે. તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું, પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ્ય લખવાનું ભૂલતી નહીં."
વિધાતા દેવીએ વાણિયાના બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યાં ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો. તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાનો હોવાથી આપણાં ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો.
સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો, પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલે આવ્યો. ત્યાં સુધી તેના મનમાં જીવંતિકા અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે, "મા, તમે કોઈ વ્રત કરો છો?" ત્યારે રાજમાતાએ કહ્યું કે, "બેટા! હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી." રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા મા નથી. તેણે પોતાની જન્મદાતા મા શોધવા એક યુક્તિ રચી.
શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું. સાંજે બધાં જમવા આવ્યા.
રાજકુમાર પ્રવેશદ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા. બધા જમીને જતાં રહ્યાં છતાં પીળા રંગ વગરના કપડાંવાળી સ્ત્રી જોવામાં ન આવતાં તેણે ગામમાં સિપાઈ મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવો. થોડીવાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો, "હું એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી." તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત લેવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી, તેથી હું જમવા નહીં આવું. રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ. તેણે સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકામાનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી. રાજમહેલમાં પ્રવેશદ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો. તેને જોતાં જ તેનાં સ્તનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી. તરત જ રાજકુમાર 'મા' કહીને તેને ગળે વળગી પડ્યો. પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે, "મા, તું મારી જન્મદાતા મા છે. આજથી તારે મારા મહેલે રહેવાનું." આમ કહી પોતે ગયાજી ગયો હતો અને જીવંતિકા મા અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી સંભળાવી.
બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોઠમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવાડી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું. જે થયું તે સારા માટે, કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા બની શક્યો હોત અને માતા જીવંતિકાના પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો. આમ માતા-પુત્રનું મિલન પણ થયું. આ વાત રાણીને પૂછતાં, આ વાત સાચી છે તે કહી બતાવ્યું.
જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે, "બહેન, અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો."
બ્રાહ્મણીએ કહ્યું કે, "હે બહેન, તમે ઘણી જ ખુશીની વાત કહી જુઓ. જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે. તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવાં નહીં. ચોખાનું ધોવાણ ઓળંગવું નહીં. સવારે વહેલા ઊઠી નાહી-ધોઈને પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો પાંચ દીવેટનો દીવો કરવો. માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એકટાણું ભોજન કરવું."
આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે. નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું. સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા માનું વ્રત કરે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે.
અને વિખૂટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી જાય છે. મારો પુત્ર પણ મને જીવંતિકામાએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે. તે તમે બધા જાણો છો, માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવું. તમારા સર્વનું કલ્યાણ થશે. ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી.
હે જીવંતિકા મા! તમે જેવી બ્રાહ્મણીને ફળ્યાં, તેવાં તમારી કથા લખનાર, વ્રત કરનાર, સાંભળનાર સર્વેને ફળજો અને સર્વેના બાળકોનું સદાય રક્ષણ કરજો.
|| જય જીવંતિકા મા ||
