ગયામાં પિંડદાન કરવા જઈ રહ્યા છો? અનુષ્ઠાન પહેલાં જાણો તેના સાચા નિયમો અને સાવધાનીઓ

પિતૃ પક્ષ દરમિયાન ગયામાં પિંડદાનનું વિશેષ મહત્વ છે, જે પૂર્વજોની શાંતિ અને કૃપા માટે કરવામાં આવે છે. આ અનુષ્ઠાન કરતા પહેલા સફેદ વસ્ત્રો, બ્રહ્મચર્ય પાલન અને દક્ષિણ દિશા જેવા નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, સાથે જ માંસ-મદિરાથી દૂર રહેવું જોઈએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Sep 2026 04:21 PM (IST)Updated: Sun, 27 Sep 2026 04:21 PM (IST)
going-to-gaya-for-pind-daan-essential-rules-and-precautions-to-know-before-the-ritual

Gaya Pind Daan Rules: મોક્ષનગરી ગણાતા બિહારના ગયામાં પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણનું અધિક મહત્ત્વ છે. અત્યારે પિતૃ પક્ષ ચાલી રહ્યા છે, ત્યારે આ દરમિયાન લોકો મોટી સંખ્યામાં પોતાના પૂર્વજોનું પિંડદાન કરવા માટે ગયા પહોંચે છે.

ધાર્મિક માન્યતા મુજબ, પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ પૂજા કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે જ મૃતકની આત્માને પણ શાંતિ મળે છે.

જો તમે પણ આ વર્ષે ગયામાં પિંડદાન કરવાની યોજના બનાવી રહ્યા હોવ, તો ત્યાં જતા પહેલા અહીં દર્શાવેલા નિયમો જાણી લો. એવું માનવામાં આવે છે કે, શ્રાદ્ધ કર્મ દરમિયાન નિયમોનું પાલન ના કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે અને જીવનમાં પિતૃ દોષની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવામાં ચાલો એકવાર આ વિશેષ નિયમો પર એકનજર નાંખીએ...

ગયામાં પિંડદાન કરવાના નિયમો

પિંડદાન કરવા માટે વ્યક્તિએ સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. કાળા કપડા ના પહેરવા જોઈએ. જે વ્યક્તિ પિતૃ પક્ષમાં પિંડદાન કરી રહી હોય, તેમણે બ્રહ્મચર્ય સાથે સંકળાયેલા નિયમોનું પાલન કરવું જોઈએ.

મુખ્યત્વે પરિવારના પુત્ર દ્વારા પિંડદાન કરવાનો નિયમ છે. જો પુત્ર ના હોય, તો ભાઈ પણ પિંડદાન કરી શકે છે. પિંડદાનને કુતપ અને રોહિણી કાલમાં કરવાનું અધિક મહત્વ છે. આ મુહૂર્તમાં પિંડદાન કરવાથી પૂર્વજ પ્રસન્ન થાય છે અને પેઢી પર પોતાની કૃપા વરસાવે છે.

પિંડદાન કરતી વખતે એકવાતનું ખાસ ધ્યાન રાખો કે, તમારું મુખ હંમેશા દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. આ દિશા પિતૃઓની માનવામાં આવે છે. જો તમે જનેઉ ધારણ કરો છો, તો પિંડદાન દરમિયાન જનેઉ જમણા ખભાથી ડાબા ખભા તરફ પહેરવી જોઈએ.

કંઈ સાવધાની રાખવી જોઈએ

ગયામાં પિંડદાન કરતાં પહેલા પૂજા-સામગ્રી, દક્ષિણા અને ભોજન એકત્ર કરીને રાખો. આમ કરવાથી અનુષ્ઠાન અર્થાત વિધિ વખતે કોઈ અડચણ નહીં આવે.

ગયામાં પિંડદાન માટે કોઈ અજાણી વ્યક્તિનો સંપર્ક ના કરશો. કોઈ ગોર મહારાજનો જ સંપર્ક કરવો જોઈએ.

ગયામાં પિંડદાન માટે જાવ, ત્યારે માંસ, મદિરા, લસણ-ડુંગળીનું સેવન ના કરવું જોઈએ, કારણ કે હિન્દુ ધર્મમાં અનુષ્ઠાન કરતી વ્યક્તિઓ માટે આવી વસ્તુનું સેવન કરવાની મનાઈ છે.

ધાર્મિક માન્યતા મુજબ, ગયામાં પિંડદાન કરવાનું પૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે વિધિને શાંત ચિત્તે કરવામાં આવે. એવું માનવામાં આવે છે કે, પિંડદાન દરમિયાન ક્રોધ, અહંકાર કે ઝઘડો કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે.