Ganesh Visarjan Muhurat 2026: 10 દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવની પવિત્ર યાત્રા અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશના વિસર્જન સાથે પૂર્ણ થાય છે. ઢોલ-નગારાના નાદ, હવામાં ઉડતા ગુલાલ અને 'આવતા વર્ષે વહેલા આવજો' ના ભાવુક જયઘોષ સાથે ભક્તો બાપ્પાને વિદાય આપે છે. આ દિવસ માત્ર વિઘ્નહર્તાની વિદાયનો જ નથી, પરંતુ ભગવાન શ્રી હરિ વિષ્ણુના 'અનંત' સ્વરૂપની ઉપાસનાનો પણ મહાપર્વ છે. વર્ષ 2026 માં અનંત ચતુર્દશીના દિવસે અત્યંત દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યા છે, જે ભક્તો માટે વિશેષ ફળદાયી રહેશે.
ગણેશ વિસર્જન અને પૂજા માટે શુભ મુહૂર્ત કયા છે?
આ પણ વાંચો
પંચાંગ અનુસાર, બાપ્પાનું વિસર્જન અને ભગવાન અનંતની પૂજા શાસ્ત્રોક્ત શુભ સમયે કરવા માટે નીચે મુજબના મુહૂર્ત ઉત્તમ રહેશે:
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:07 વાગ્યાથી 12:55 વાગ્યા સુધી
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત): 06:29 AM થી 11:01 AM
- બપોરનું મુહૂર્ત (શુભ): 12:31 PM થી 02:02 PM
- બપોરનું મુહૂર્ત (ચર): 05:03 PM થી 06:33 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ): 09:32 PM થી 11:02 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર): 12:31 AM થી 05:00 AM (26 સપ્ટેમ્બર)
ખાસ નોંધ: અનંત સૂત્ર બાંધવા અને મુખ્ય પૂજા પૂર્ણ કરવા માટે સવારે 06:29 વાગ્યાથી બપોરે 11:06 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ ફળ આપનારો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 16 કલાક અને 37 મિનિટનો રહેશે.
ગણપતિ બાપ્પાના વિસર્જનની યોગ્ય પૂજાવિધિ
- જે ભક્તિભાવ અને ઉત્સાહથી બાપ્પાની સ્થાપના કરવામાં આવી હોય, તે જ સન્માન અને શ્રદ્ધા સાથે તેમની વિદાય પણ થવી જોઈએ.
- સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને પૂજા સ્થળને સાફ કરી બાપ્પાનો જળથી અભિષેક કરો.
- ગણેશજીને ચંદનનું તિલક લગાવો. ત્યારબાદ લાલ કે પીળાં ફૂલ તથા દુર્વા અર્પણ કરો.
- ધૂપ-દીવો પ્રગટાવી આરતી કરો અને મોદક, લાડુ તથા ફળોનો ભોગ ધરાવો.
- વિસર્જન પહેલાં હાથ જોડીને અજાણતાં થયેલી કોઈપણ ભૂલ માટે ક્ષમા માગો અને બાપ્પાને આવતા વર્ષે ફરી પધારવા આમંત્રણ આપો.
- જયઘોષ સાથે બાપ્પાની મૂર્તિને કોઈ પવિત્ર નદી, તળાવ અથવા ઘરમાં જ સ્વચ્છ જળ ભરેલા કુંડમાં આદરપૂર્વક વિસર્જિત કરો.
અનંત ચતુર્દશી પર કયા દુર્લભ સંયોગ બની રહ્યા છે?
આ વર્ષે અનંત ચતુર્દશીની તિથિ શુક્રવારે આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારનો દિવસ ધન-વૈભવની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે, તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવા મહાયોગમાં કરવામાં આવતા ધાર્મિક કાર્યો, પૂજા-અર્ચના અને વ્રતથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે.
ભગવાન અનંતની પૂજા કેવી રીતે કરવી?
સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી પીળાં વસ્ત્રો ધારણ કરો અને વ્રતનો સંકલ્પ લો. એક બાજઠ પર પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. રેશમ અથવા સૂતરના દોરાને હળદર કે કંકુથી રંગીને તેમાં 14 ગાંઠો બાંધો, જે 14 લોક (ભૂ, ભુવઃ, સ્વઃ, પાતાળ વગેરે) નું પ્રતીક છે. આ રક્ષાસૂત્રને ભગવાનના ચરણોમાં અર્પણ કરી અક્ષત, ફૂલ, ધૂપ, દીવો અને પંચામૃતનો ભોગ ધરાવો. ત્યારબાદ અનંત ચતુર્દશીની વ્રત કથાનું શ્રવણ કરી આરતી કરો.
અનંત સૂત્ર ધારણ કરવાના જરૂરી નિયમો શું છે?
શાસ્ત્રો મુજબ અનંત સૂત્ર ધારણ કરવા માટે પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ નિયમો છે:
- પુરુષો માટે: પુરુષોએ આ રક્ષાસૂત્ર પોતાની જમણી (Right) ભુજામાં બાંધવું જોઈએ.
- મહિલાઓ માટે: મહિલાઓએ આ સૂત્ર પોતાની ડાબી (Left) ભુજામાં ધારણ કરવું જોઈએ.
