Ganesh Chaturthi 2026 Gujarati Calendar: હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ તહેવારને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે દેશભરમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. આ વર્ષે 2026 માં ગણેશ ચતુર્થીની શરૂઆત 14 સપ્ટેમ્બરથી થશે અને 10 દિવસીય આ ગણેશોત્સવ 25 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે પૂર્ણ થશે. જો તમે પણ ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવા જઈ રહ્યા છો, તો અહીં પૂજાનું શુભ મુહૂર્ત, સામગ્રી અને સંપૂર્ણ વિધિ જાણો.
ગણેશ ચતુર્થી 2026 તારીખ
ગણેશજીની પૂજા અને મૂર્તિ સ્થાપના માટે મધ્યાહ્ન એટલે કે બપોરનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશનો જન્મ મધ્યાહ્ન કાળમાં થયો હતો. વર્ષ 2026માં ગણેશ ચતુર્થીનો પર્વ સોમવાર, 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, ચતુર્થી તિથિનો પ્રારંભ 14 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:06 વાગ્યે થશે અને તેનું સમાપન 15 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:44 વાગ્યે થશે.
ગણેશ ચતુર્થી 2026 પૂજાનું શુભ મુહૂર્ત
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા માટે મધ્યાહ્ન કાળનો સમય સૌથી શુભ માનવામાં આવે છે. મધ્યાહ્ન ગણેશ પૂજા મુહૂર્ત સવારે 11:20 વાગ્યાથી બપોરે 1:48 વાગ્યા સુધી રહેશે, જેનો કુલ સમયગાળો 2 કલાક અને 27 મિનિટનો છે. આ ઉપરાંત, બ્રહ્મ મુહૂર્ત વહેલી સવારે 4:52થી 5:39 વાગ્યા સુધી, અભિજિત મુહૂર્ત બપોરે 12:10થી 12:59 વાગ્યા સુધી, વિજય મુહૂર્ત બપોરે 2:37થી 3:26 વાગ્યા સુધી અને ગોધૂલિ મુહૂર્ત સાંજે 6:43થી 7:06 વાગ્યા સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ શુભ મુહૂર્તમાં ગણેશજીની પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યો કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન કેમ ન કરવું જોઈએ?
ધાર્મિક અને પૌરાણિક માન્યતા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા વર્જિત છે. આ દિવસે ચંદ્રદર્શન કરવાથી વ્યક્તિ પર મિથ્યા દોષ (ખોટો આરોપ) લાગે છે. પૌરાણિક કથા મુજબ, ભગવાન ગણેશે ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો કે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે જે પણ ચંદ્રના દર્શન કરશે, તેને મિથ્યા દોષ લાગશે અને સમાજમાં તેની બદનામી થશે. ખુદ ભગવાન શ્રીકૃષ્ણને પણ આ દિવસે ચંદ્ર જોવાના કારણે સ્યમંતક મણિની ચોરીનો ખોટો આરોપ સહન કરવો પડ્યો હતો. ચંદ્રદર્શન ટાળવાનો સમય 14 સપ્ટેમ્બરે સવારે 09:13 થી રાત્રે 08:34 સુધી રહેશે.
ગણપતિ પૂજા માટે જરૂરી સામગ્રી (પૂજા સામગ્રી લિસ્ટ)
- ગણેશજીની માટીની મૂર્તિ, લાકડાની પાટલી (બાજઠ), પીળું અથવા લાલ કપડું.
- પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ), ગંગાજળ.
- જળથી ભરેલો કળશ, નારિયેળ, આંબાનાં પાન, કેળાના છોડ.
- અક્ષત (ચોખા), દૂર્વા, ચંદન, સિંદૂર, હળદર, કંકુ.
- જનોઈ, લાલ ફૂલ, ફૂલોની માળા.
- પાનનાં પાન, સોપારી, લવિંગ, એલચી.
- ધૂપ, દીવો, કપૂર, અગરબત્તી.
- પંચમેવા, મોસમી ફળો (કેળા, દાડમ, જામફળ), મીઠાઈ (મોદક અને લાડુ).
- આરતીની થાળી, ઘંટડી અને શંખ.
ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કેવી રીતે કરવી?
- સવારે વહેલા ઊઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને વ્રત કે પૂજાનો સંકલ્પ લો.
- એક સ્વચ્છ પાટલા પર પીળું અથવા લાલ કપડું પાથરીને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.
- પૂજાસ્થળની પવિત્રતા માટે આસપાસ ગંગાજળનો છંટકાવ કરો.
- સૌપ્રથમ ભગવાન ગણેશને જળ અર્પણ કરો.
- ત્યારબાદ લાલ ફૂલ, જનોઈ, દૂર્વા, પાન, સોપારી, લવિંગ, એલચી અર્પણ કરો.
- બાપ્પાને સિંદૂર અને ચંદનનું તિલક કરો.
- ભગવાન ગણેશને તેમના પ્રિય મોદક, લાડુ અને પંચમેવાનો ભોગ ધરાવો.
- ધૂપ, દીવો પ્રગટાવી શ્રદ્ધાપૂર્વક આરતી કરો અને ગણેશ ચતુર્થીની કથાનું શ્રવણ કરો.
- પૂજા દરમિયાન 'શ્રી વક્રતુણ્ડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભા । નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા ॥' અથવા 'ૐ ગં ગણપતયે નમઃ ॥' મંત્રનો જાપ કરો.
ગણેશ વિસર્જન 2026 ક્યારે છે?
10 દિવસ ચાલતો આ ઉત્સવ અનંત ચતુર્દશીના દિવસે મૂર્તિ વિસર્જન સાથે પૂર્ણ થાય છે. 2026 માં ગણેશ વિસર્જન શુક્રવાર, 25 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. જોકે, કેટલાક લોકો પોતાની શ્રદ્ધા મુજબ ત્રીજા, પાંચમા કે સાતમા દિવસે પણ ગણપતિ વિસર્જન કરતા હોય છે.
