Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થીનો તહેવાર માત્ર ઉજવણીનો જ નહીં, પરંતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ અને સારા સંસ્કારો સાથે જોડવાનો પણ શ્રેષ્ઠ અવસર છે. જો બાળકોને બાપ્પાની સ્થાપના અને પૂજાની તૈયારીમાં સામેલ કરવામાં આવે, તો તેઓ પરંપરાઓને સમજવાની સાથે જવાબદારી, શિસ્ત અને સેવા ભાવના જેવા ગુણો પણ શીખી શકે છે. આવો જાણીએ કે ગણેશોત્સવ દરમિયાન બાળકોને કયા 7 કામ જરૂર કરાવવા જોઈએ.
ગણેશોત્સવમાં બાળકોને જરૂર કરાવો આ 7 કામ
14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની શરૂઆત થશે અને આગામી 10 દિવસ સુધી દેશભરમાં ભગવાન ગણેશની ભક્તિનો માહોલ રહેશે. ભગવાન ગણેશને બુદ્ધિ, વિવેક અને શુભતાના દેવતા માનવામાં આવે છે. તેથી આ તહેવાર બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે પણ ખૂબ ઉપયોગી બની શકે છે.
સૌપ્રથમ બાળકોને પૂજાની તૈયારીમાં સામેલ કરો. તેમને પૂજાની થાળી ગોઠવવી, ફૂલો રાખવા અથવા પૂજાનું સ્થાન સ્વચ્છ રાખવા જેવી નાની જવાબદારીઓ આપો. તેનાથી તેઓ વ્યવસ્થિતતા અને સ્વચ્છતાનું મહત્વ સમજશે.
બાળકોને મોદક અથવા અન્ય પ્રસાદ બનાવવાની તૈયારીમાં પણ જોડો. તેમની ઉંમર પ્રમાણે સરળ કામ સોંપી શકાય. આ દરમિયાન તેમને સમજાવો કે ભોજન માત્ર ખાવા માટે નહીં, પરંતુ ભગવાન અને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો માર્ગ પણ છે.
દરરોજ થોડા મિનિટ માટે બાળકો સાથે મળીને 'ૐ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરો. સાથે ભગવાન ગણેશની રસપ્રદ કથાઓ સંભળાવો. તેનાથી પૂજા તેમના માટે માત્ર વિધિ નહીં, પરંતુ જ્ઞાન અને સંસ્કારનું માધ્યમ બનશે.
ગણેશ સ્થાપના પછી બાળકોને ઘરના વડીલો જેવા કે દાદા-દાદી, નાણા-નાની અથવા માતા-પિતાના આશીર્વાદ લેવા પ્રોત્સાહિત કરો. આ આદત તેમના મનમાં વડીલો પ્રત્યે આદર અને સન્માનની ભાવના વિકસાવવામાં મદદરૂપ બનશે.
તહેવાર દરમિયાન બાળકો સાથે મળીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, ફળ અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો. તેનાથી તેઓમાં દયા, સહાનુભૂતિ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના મજબૂત બનશે.
બાળકોને બાપ્પાના મંદિર અથવા પૂજાસ્થળની સજાવટ કરવાની તક આપો. ફૂલો, રંગોળી અથવા પેપર ક્રાફ્ટ દ્વારા તેઓ પોતાની સર્જનાત્મકતા દર્શાવી શકશે. આથી તેમનો આત્મવિશ્વાસ પણ વધશે.
આ ઉપરાંત દરરોજ ભગવાન ગણેશ સાથે જોડાયેલી એક પ્રેરણાદાયી કથા અથવા જીવનમૂલ્ય બાળકોને જણાવો. તેમને સમજાવો કે સાચી બુદ્ધિ માત્ર અભ્યાસમાં આગળ રહેવામાં નહીં, પરંતુ યોગ્ય નિર્ણય લેવા અને દરેકનું સન્માન કરવામાં છે.
ગણેશોત્સવ દરમિયાન કરાવવામાં આવતા આવા નાના પ્રયત્નો બાળકોને જીવનભર કામ લાગે એવા સારા સંસ્કારો અને મૂલ્યો શીખવવામાં મદદ કરી શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ, ગ્રંથો અને લોકપરંપરાઓ પર આધારિત છે. વિવિધ માન્યતાઓ અનુસાર માહિતીમાં ફેરફાર થઈ શકે છે. ગુજરાતી જાગરણ તેની સંપૂર્ણ સચોટતાની ખાતરી આપતું નથી.
