Dashama Visarjan Muhurat 2026: દશામા મૂર્તિ વિસર્જનની તારીખ, શુભ મુહૂર્ત અને સંપૂર્ણ પૂજા વિધિ

Dashama Visarjan Muhurat 2026: વર્ષ 2026 માં દશામા વ્રતનું વિસર્જન 22 ઓગસ્ટના રોજ વહેલી સવારે કરવામાં આવશે. દશામા વિસર્જન માટેનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતની પૂર્ણાહુતિની સંપૂર્ણ માહિતી જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 18 Aug 2026 11:01 AM (IST)Updated: Tue, 18 Aug 2026 11:13 AM (IST)
dashama-idol-visarjan-2026-date-shubh-muhurat-as-per-gujarati-calendar-and-panchang-and-complete-puja-vidhi

Dashama Visarjan Muhurat 2026: ગુજરાતમાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક એવા દશામા વ્રતની ઉજવણી 10 દિવસ સુધી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. આ વર્ષે 12 ઓગસ્ટના રોજ શરૂ થયેલા આ પવિત્ર વ્રતની પૂર્ણાહુતિ નજીક આવી રહી છે. ભક્તો 10 દિવસ સુધી માતાજીની સ્થાપના કરીને પૂજા, આરતી, વ્રતકથા અને નૈવેદ્ય અર્પણ કરે છે. દશામાના પવિત્ર વ્રતના અંતિમ દિવસે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી મૂર્તિનું વિસર્જન કરવાની ધાર્મિક પરંપરા છે.

દશામા વ્રતની પૂર્ણાહુતિ અને વિસર્જન ક્યારે કરવું?

વર્ષ 2026 માં દશામાના વ્રતની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટ (શુક્રવાર) ના રોજ થશે. આ દિવસે ભક્તો દ્વારા વ્રતનું ઉજવણું કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન ભક્તિમય જાગરણનું આયોજન થશે. ત્યારબાદ, બીજા દિવસે એટલે કે 22 ઓગસ્ટ 2026 (શનિવાર) ના રોજ વહેલી સવારે સૂર્યોદય પૂર્વે મા દશામાની મૂર્તિનું પવિત્ર જળાશયમાં વિસર્જન કરવામાં આવશે.

22 ઓગસ્ટ 2026: વિસર્જન માટેનું શુભ મુહૂર્ત કયું છે?

પંચાંગ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મા દશામાની મૂર્તિના વિસર્જન માટે સવારનો સમય અત્યંત શુભ માનવામાં આવે છે. 22 ઓગસ્ટના રોજ વિસર્જન માટેના શુભ મુહૂર્ત નીચે મુજબ છે:

  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:49 થી 05:34 વાગ્યા સુધી
  • પ્રાતઃ સંધ્યા: સવારે 05:11 થી 06:18 વાગ્યા સુધી

દશામા મૂર્તિ વિસર્જનની સંપૂર્ણ પૂજા વિધિ શું છે?

22 ઓગસ્ટ 2026 ના રોજ સૂર્યોદય પહેલા મૂર્તિ વિસર્જન કરતી વખતે કેટલીક ધાર્મિક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા આ રીતે કરવી જોઈએ:

  • વિસર્જન માટે પ્રસ્થાન કરતાં પહેલાં ઘરે માતાજીની અંતિમ આરતી ઉતારવી અને શ્રદ્ધાપૂર્વક થાળ ધરાવવો.
  • છેલ્લા 10 દિવસની પૂજા કે આરાધના દરમિયાન જાણે-અજાણે થયેલી કોઈપણ ભૂલ-ચૂક માટે મા દશામા સમક્ષ બે હાથ જોડીને ક્ષમા માંગવી.
  • ઘર નજીકના કોઈપણ પવિત્ર જળાશય અથવા નદીમાં માતાજીની મૂર્તિ અને સાંઢણીનું આદરપૂર્વક વિસર્જન કરવું.
  • અંતમાં, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તથા આગામી વર્ષે માતાજી ફરી પધારે તેવી ભાવના સાથે પ્રાર્થના કરવી.