Bhadarvi Poonam 2026 Date: ગુજરાત અને દેશભરના લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે, તે અંબાજીનો વિશ્વવિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. વર્ષ 2026 માં ભાદરવી પૂનમ 26 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ પવિત્ર અવસરે અંબાજી શક્તિપીઠ ખાતે લાખો માઈભક્તોનું ઘોડાપૂર ઉમટશે અને સમગ્ર વાતાવરણ 'બોલ માડી અંબે' ના નાદથી ગુંજી ઉઠશે.
ભાદરવી પૂનમ 2026: તારીખ અને તિથિનો સમય
હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2026 માં ભાદરવા મહિનાની પૂનમ 26 સપ્ટેમ્બરના રોજ આવે છે.
- પૂર્ણિમા તિથિનો પ્રારંભ: 25 સપ્ટેમ્બર 2026, રાત્રે 11:06 વાગ્યે
- પૂર્ણિમા તિથિની સમાપ્તિ: 26 સપ્ટેમ્બર 2026, રાત્રે 10:18 વાગ્યે
- પૂર્ણિમા પર ચંદ્રોદય: 26 સપ્ટેમ્બર, સાંજે 06:18 વાગ્યે
અંબાજીમાં શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મહામેળો?
ગુજરાતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાનું વિશેષ સ્થાન છે. ભારતીય પંચાંગ મુજબ ભાદરવા માસ પછી આસો મહિનો આવે છે, જેમાં આદ્યશક્તિની આરાધના માટે 9 દિવસની નવરાત્રીની ઉજવણી થાય છે. ભાદરવી પૂનમના દિવસે ભક્તો અંબાજી મંદિરે ધજા ચડાવીને માતાજીને નવરાત્રી નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપે છે. 1841 માં શરૂ થયેલી આ પગપાળા સંઘની પરંપરા આજે પણ અકબંધ છે, જેમાં લાખો ભક્તો ચાલીને માના દ્વાર સુધી પહોંચે છે.
અંબાજી શક્તિપીઠનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ
પુરાણોમાં વર્ણવ્યા મુજબ, જગતજનની મા અંબેનું પવિત્ર ધામ દેશની 51 શક્તિપીઠોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે દેવી સતીના પાર્થિવ દેહના ટુકડા કર્યા, ત્યારે માતાનું પવિત્ર 'હૃદય' આરાસુરની આ ભૂમિ પર પડ્યું હતું.
આ પવિત્ર ધામ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે:
- કૃષ્ણની બાબરી: દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણની બાબરી (વાળ ઉતારવાની વિધિ) ગબ્બર પર્વત પર થઈ હતી. નંદ અને યશોદાએ અહીં માતાજીની પૂજા કરી હતી.
- મહિષાસુર મર્દિની: દેવી ભાગવત મુજબ, અગ્નિદેવના વરદાનથી ઉન્મત્ત બનેલા મહિષાસુરના આતંકમાંથી દેવોને બચાવવા માટે આદ્યશક્તિ પ્રગટ થયાં અને મહિષાસુરનો નાશ કર્યો હતો.
- રામ-લક્ષ્મણને અજય બાણ: સીતાજીની શોધમાં નીકળેલા રામ-લક્ષ્મણે શ્રૃંગી ઋષિના કહેવાથી ગબ્બરનાં દેવીની આરાધના કરી હતી, જેના ફળસ્વરૂપે માતાજીએ રાવણના વધ માટે તેમને 'અજય' નામનું બાણ આપ્યું હતું.
- મહારાણા પ્રતાપની ભેટ: મેવાડના રાજા મહારાણા પ્રતાપ માતાજીના પરમ ભક્ત હતા. માતાજીએ તેમની રક્ષા કરી હોવાથી, તેમણે પોતાની પ્રખ્યાત તલવાર માતાના ચરણોમાં અર્પણ કરી હતી.
માતાજીના સ્થાનકમાં નથી કોઈ મૂર્તિ
અંબાજી મંદિરની એક આગવી વિશેષતા એ છે કે અહીં માતાજીના અસલ સ્થાનક (ગોખ) માં કોઈ જ મૂર્તિ નથી. ગોખમાં પવિત્ર યંત્રની સ્થાપના કરાઈ છે અને તેને વસ્ત્ર-અલંકારોથી એ રીતે શણગારવામાં આવે છે કે દર્શનાર્થીઓને સાક્ષાત વાઘ પર બિરાજમાન માતાજીના દર્શન થતા હોવાનો અહેસાસ થાય છે. ગોખ પાસે વર્ષોથી ઘીના 2 અખંડ દીવા પ્રજ્વલિત છે.
અંબાજી મંદિરનું નવું સમયપત્રક (દર્શન અને આરતીનો સમય)
જો તમે પણ ભાદરવી પૂનમે અંબાજી દર્શન માટે જવાનું આયોજન કરી રહ્યા છો, તો મંદિરનું સમયપત્રક (જે 16 જુલાઈથી લાગુ છે) નોંધી લો:
- સવારે આરતી: 7:00 થી 8:00 વાગ્યા સુધી
- સવારે દર્શન: 8:00 થી 11:30 વાગ્યા સુધી
- રાજભોગ: બપોરે 12:00 વાગ્યે
- બપોરે દર્શન: 12:30 થી 4:30 વાગ્યા સુધી
- સાંજે આરતી: 7:00 થી 7:30 વાગ્યા સુધી
- સાંજે દર્શન: 7:30 થી 9:00 વાગ્યા સુધી
