Bhadarvi Poonam Date 2026: ભાદરવી પૂનમ 2026 ક્યારે છે? અંબાજી મેળાની તારીખથી દર્શન સમય સુધીની માહિતી જાણો

ભાદરવી પૂનમ 2026 ક્યારે છે, પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ અને પૂર્ણ થશે, અંબાજી ભાદરવી પૂનમ મેળો ક્યારે યોજાશે અને મંદિરના દર્શન-આરતીનો સમય શું છે? જાણો સંપૂર્ણ માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 22 Sep 2026 07:00 AM (IST)Updated: Tue, 22 Sep 2026 07:00 AM (IST)
ambaji-bhadarvi-poonam-mela-2026-know-date-darshan-timings-route-and-key-details

Ambaji Bhadarvi Poonam Date 2026: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બને છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચે છે. વર્ષ 2026માં પણ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મહામેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો તમે આ વર્ષે અંબાજી જવાનું આયોજન કરી રહ્યા છો, તો અહીં જાણો ભાદરવી પૂનમ 2026ની તારીખ, પૂર્ણિમા તિથિ અને અંબાજી મંદિરના દર્શન-આરતીના સમય વિશેની મહત્વપૂર્ણ માહિતી.

ભાદરવી પૂનમ 2026 ક્યારે છે?

હિંદુ પંચાંગ અનુસાર વર્ષ 2026માં ભાદરવી પૂનમ 26 સપ્ટેમ્બર, શનિવારના રોજ મનાવવામાં આવશે. પૂર્ણિમા તિથિનો પ્રારંભ 25 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 11:06 વાગ્યે થશે, જ્યારે પૂર્ણિમા તિથિ 26 સપ્ટેમ્બરની રાત્રે 10:18 વાગ્યે પૂર્ણ થશે. 26 સપ્ટેમ્બરે પૂર્ણિમાનો ચંદ્રોદય સાંજે 6:18 વાગ્યે થશે.

ભાદરવી પૂનમના પાવન અવસર પર અંબાજી ખાતે યોજાતો મેળો ગુજરાતના સૌથી જાણીતા ધાર્મિક મેળાઓમાં સામેલ છે. અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ https://ambajitemple.in/bhadarvi-poonam પર 2026ના ભાદરવી પૂનમ મહામેળા માટે વિવિધ વ્યવસ્થાઓ અને કાર્યક્રમોની માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

અંબાજી મંદિરના દર્શન અને આરતીનો સમય

ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી પહોંચનારા ભક્તો માટે મંદિરના દર્શનનો સમય જાણવો ખૂબ જરૂરી છે. નવા સમયપત્રક મુજબ, જે 16 જુલાઈથી લાગુ કરવામાં આવ્યું છે, તે પ્રમાણે સમય આ મુજબ છે:

  • સવારે આરતીનો સમયઃ 6થી 6.30 વાગ્યા સુધી
  • સવારે દર્શનનો સમયઃ 6.30થી 11.30 વાગ્યા સુધી
  • બપોરે દર્શનનો સમયઃ 12.30થી સાંજે 5 વાગ્યા સુધી
  • સાંજે આરતીનો સમયઃ 7થી 7.30 વાગ્યા સુધી
  • સાંજે દર્શનનો સમયઃ સાંજે 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી

જોકે, ભાદરવી પૂનમ જેવા મોટા મેળા દરમિયાન ભીડ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દર્શન વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. તેથી યાત્રા પહેલાં અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર માહિતી તપાસવી યોગ્ય રહેશે. સત્તાવાર વેબસાઇટ પર મંદિરના દર્શન અને આરતીના સમય તેમજ મેળા સંબંધિત અપડેટ્સ આપવામાં આવે છે.

ભક્તો માટે પાર્કિંગની ખાસ વ્યવસ્થા

ભાદરવી પૂનમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે અંબાજી પહોંચતા હોવાથી પાર્કિંગની વ્યવસ્થા પણ મહત્વની બને છે. અંબાજી મંદિરની સત્તાવાર વેબસાઇટ પર દાંતા-અંબાજી રોડ, હડાદ-અંબાજી રોડ, વિરમપુર રોડ અને આબુ રોડ તરફ પાર્કિંગની જગ્યાઓ દર્શાવવામાં આવી છે.

ભક્તો માટે વાહન પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. સત્તાવાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન નંબર, મોબાઇલ નંબર અથવા વાહન નંબરની મદદથી વ્હીકલ પાસ ડાઉનલોડ કરવાની વ્યવસ્થા આપવામાં આવી છે.

પ્રસાદ અને નિઃશુલ્ક ભોજનની સુવિધા

મેળા દરમિયાન આવતા યાત્રાળુઓ માટે પ્રસાદ વિતરણ કેન્દ્રોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર યાત્રિક પ્લાઝા, બસ સ્ટેન્ડ મુખ્ય પ્રવેશ દ્વાર, અંબાજી મંદિર ચાચર ચોક, ગેટ નંબર 7 પાસે, શક્તિદ્વાર સામે અને ગબ્બર તળેટી જેવા સ્થળોએ પ્રસાદ વિતરણ કેન્દ્રો રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ દર્શાવવામાં આવી છે. દિવાળી બા ભવન, અંબિકા ભોજનાલય, ગબ્બર ગેટ પાસે અને વેંકટેશ માબૅલ પાસે નિઃશુલ્ક ભોજનની સુવિધા દર્શાવવામાં આવી છે.

અંબાજી જતાં ભક્તો માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો

ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી વાહન પાર્કિંગ, પાણી, પ્રસાદ અને ભોજન જેવી સુવિધાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. અંબાજી મંદિરની સત્તાવાર માહિતી અનુસાર મેળા દરમિયાન વિવિધ સ્થળોએ પાર્કિંગ અને ભોજનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પર દર્શાવ્યા પ્રમાણે અંબાજી પ્લાસ્ટિક-ફ્રી યાત્રાધામ છે અને ભક્તોને પ્લાસ્ટિકની જગ્યાએ કપડાની થેલીનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે. મંદિર પરિસરમાં મોબાઇલ ફોન, કેમેરા અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર પણ પ્રતિબંધ દર્શાવવામાં આવ્યો છે.

આ રીતે, ભાદરવી પૂનમ 2026 26 સપ્ટેમ્બરે છે અને આ દિવસોમાં અંબાજી ખાતે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચશે. જો તમે પરિવાર સાથે અંબાજી જવાનું આયોજન કરી રહ્યા છો, તો દર્શનનો સમય, મુસાફરી અને પાર્કિંગની વ્યવસ્થા અગાઉથી જાણી લેવી વધુ અનુકૂળ રહેશે.