Protein Supplement Side Effect: રાજ્યમાં પ્રોટીન સપ્લિમેન્ટ અને વિટામિનનીગોળીનું ચલણ ભયજનક રીતે વધ્યું છે. બોડી બનાવવા કે ત્વચા અને વાળ ચમકાવાના ચક્કરમાં લોકો ડોક્ટરની સલાહ વિના જાતે જ સપ્લિમેન્ટ્સ લેવા લાગ્યા છે. આ આંધળા અનુકરણને કારણે કિડની ડેમેજ થવાના ગંભીર કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં 24 વર્ષીય યુવકને ડાયાલિસિસ કરાવવાની નોબત આવી છે.
રાજ્યમાં સપ્લિમેન્ટ્સનું બજાર ₹1116 કરોડને પાર
છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં વિટામિન અને પ્રોટીન સપ્લિમેન્ટ્સનું બજાર 38.3 ટકાના જંગી વધારા સાથે 1116 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. મસલ્સ બનાવવા કે વાળ અને ત્વચા ચમકાવવા માટે લોકો જાતે જ દવાઓ અને સપ્લિમેન્ટ્સ લેવા લાગ્યા છે. પરંતુ આ રીતે વિના વિચાર્યે કરાતું આંધળું અનુકરણ આરોગ્ય માટે ભયજનક અને જોખમી સાબિત થઈ રહ્યું છે.
સપ્લિમેન્ટથી થતી આડઅસરના ચોંકાવનારા કિસ્સા
ડોક્ટરની સલાહ વિના લેવાતા પ્રોટીન અને સપ્લિમેન્ટ્સ લેવાના કારણે કિડનીને નુકસાન થવાના બે મુખ્ય કિસ્સા સામે આવ્યા છે:
કેસ 1: 24 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર
24 વર્ષનો એક સોફ્ટવેર એન્જિનિયર દરરોજ 2-3 સ્કૂપ ‘વે પ્રોટીન’, ક્રિએટિન અને કોલેજન લેતો હતો. આ સિવાય તે પોતાના દૈનિક ખોરાકમાંથી પણ આશરે 150 ગ્રામ પ્રોટીન મેળવતો હતો. બાદમાં તેને ભારે થાક અનુભવાવો, સ્નાયુઓમાં અસહ્ય દુખાવો થવો અને યુરીનનો રંગ ભૂરો આવવાની તકલીફ થઈ હતી. તેની તબીબી તપાસ કરાવતાં કિડનીને ગંભીર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું અને આખરે તેને ડાયાલિસિસ કરાવવું પડ્યું હતું.
કેસ 2: 36 વર્ષનો સ્વસ્થ ખેલાડી
36 વર્ષના સ્વસ્થ ખેલાડીને અગાઉ કિડનીની કોઈ જ બીમારી નહોતી. તે છેલ્લા 2 મહિનાથી ‘વે પ્રોટીન’ લઈ રહ્યો હતો. અચાનક શરીરમાં ક્રિએટિન અને યુરિક એસિડનું પ્રમાણ અચાનક વધી ગયું. રિપોર્ટ ખરાબ આવતા તેણે સપ્લિમેન્ટ બંધ કર્યા હોવા છતાં પ્રોટીનયુક્ત આહાર ચાલુ રાખવાથી બંનેનું પ્રમાણ વધતું જ રહ્યું હતું. કેસ રિપોર્ટમાં વધુ પ્રોટીનવાળા આહાર અને કિડની પર થતી વિપરીત અસર વચ્ચે સીધો સંબંધ સ્પષ્ટ થયો છે.
પ્રોટીન અને વિટામિન ક્યારે અને કેવી રીતે લેવા?
નેફ્રોલોજીસ્ટ ડો. રવિ ભાદાણિયાએ પ્રોટીન અને વિટામિનના યોગ્ય વપરાશ અંગે નીચે મુજબનું મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે:
પ્રોટીન અંગેની સાચી માહિતી
- દૈનિક જરૂરિયાત: શરીરમાં રોજ પ્રતિ કિલો વજન પ્રમાણે 0.8 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત રહે છે. જોકે, વ્યક્તિની ઉંમર, વજન અને કસરતના પ્રકાર પ્રમાણે જરૂરિયાતમાં બદલાવ આવી શકે છે.
- કુદરતી ખોરાકને પ્રાથમિકતા:પ્રોટીનની જરૂરિયાત પહેલા દાળ, કઠોળ, ચણા, સોયાબીન, પનીર, દૂધ-દહીં અને ઈંડાં જેવા કુદરતી ખોરાકમાંથી જ પૂરી કરવી જોઈએ.
- જિમ સાથે સપ્લિમેન્ટ જરૂરી નથી: માત્ર જિમ જાવછો એટલે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી બની જતા નથી.
- ડોક્ટરની સલાહ: જ્યારે સામાન્ય ખોરાકથી પ્રોટીનની જરૂરિયાત પૂરી ન થતી હોય ત્યારે જ માત્ર ડોક્ટરની સલાહ લઈને સપ્લિમેન્ટ લેવું જોઈએ.
વિટામિન લેતી વખતે રાખવાની સાવચેતી
- ચોક્કસ ઊણપ હોય તો જ લેવું: શરીરમાં વિટામિનનીઉણપ હોય ત્યારે જ સપ્લિમેન્ટ લેવું જોઈએ. માત્ર સામાન્ય થાક કે વાળ ખરવાની સમસ્યા માટે પોતાની મેળે દવા શરૂ કરવી નહીં.
- કુલ માત્રા ચકાસવી: મલ્ટિવિટામિન ગોળીઓની સાથે વિટામિન D, B12, કેલ્શિયમ કે આયર્ન અલગથી લેતા પહેલાં તેની કુલ માત્રા ચકાસી લેવી જરૂરી છે.
- અંગો પર આડઅસરનું જોખમ: વિટામિન D, A, B12 અને આયર્નની ઊંચી માત્રા લાંબા સમય સુધી લેવી નહીં. આવી વધુ માત્રાથી કિડની, લીવર કે નસો પર આડઅસર થઈ શકે છે.
