Kantola Health Benefits: ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ આપણને અનેક પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર શાકભાજીની ભેટ આપે છે. તે પૈકી કંટોલા એક એવું પરંપરાગત અને મોસમી શાક છે, જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
કેલરીમાં હળવા અને પાણીનું યોગ્ય પ્રમાણ ધરાવતા આ શાકભાજીમાં ફાઇબર, વિટામિન-સી, આયર્ન, વિવિધ વિટામિન્સ, ખનિજ તત્ત્વો અને એન્ટી-ઑક્સિડન્ટ્સ જેવા મહત્વપૂર્ણ પોષક ઘટકો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
આજના સમયમાં અનિયમિત જીવનશૈલી અને અસંતુલિત ખાનપાનને કારણે મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. સરકારના ‘મેદસ્વિતામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ વજન વ્યવસ્થાપન માટે કંટોલા એક ઉત્તમ પ્રાકૃતિક વિકલ્પ છે. તેમાં રહેલું ફાઇબર પેટ ભરેલું રાખે છે, જેનાથી વારંવાર નાસ્તો કરવાની કે વધુ પડતું ખાવાની ટેવ પર અંકુશ રહે છે.
કંટોળા ખાવાથી હ્રદયરોગ અને બ્લડ પ્રેશરથી બચી શકશો
પ્રોસેસ્ડ અને જંક ફૂડને બદલે ઓછી કેલરી તથા પ્રોટીન ધરાવતા કંટોળાનો સમાવેશ કરવાથી મેટાબોલિઝમ સુધરે છે અને વજન નિયંત્રણમાં રહે છે. જેના કારણે મેદસ્વિતાથી થતા હૃદયરોગ, હાઇ બીપી અને થાઇરોઇડ જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
આ ઉપરાંત કંટોલા શરીરની સામાન્ય રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં રહેલા વિટામિન-સી અને એન્ટી-ઑક્સિડન્ટ્સ ચોમાસામાં ફેલાતા વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવ સામે લડવામાં મદદરૂપ બને છે.
આ સાથે જ તેમાં રહેલું ફાઇબર પાચનક્રિયાને મજબૂત બનાવીને ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી તકલીફોમાં રાહત આપે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ બ્લડ શુગર લેવલ નિયંત્રિત રાખવામાં અને ત્વચાના રોગો સામે રક્ષણ મેળવવામાં આ શાકભાજી સહાયક નીવડે છે.
કંટોલાના પોષક ગુણોનો પૂરેપૂરો લાભ મેળવવા માટે તેને રાંધવાની પદ્ધતિ પણ યોગ્ય હોવી જરૂરી છે. વધુ પડતા તેલ-મસાલામાં તળીને બનાવવાને બદલે તેને વરાળમાં બાફીને કે હળવા મસાલા સાથે ઓછા તેલમાં રાંધીને અથવા અન્ય શાકભાજી સાથે મિશ્ર કરીને આહારમાં લેવા જોઈએ. તાજા અને સ્વચ્છ રીતે ધોઈને બનાવેલા કંટોલા ભોજનમાં બિનજરૂરી કેલરી ઉમેર્યા વિના ઉત્તમ પોષણ આપે છે.
મેદસ્વિતામુક્ત જીવનશૈલી માટે આહારની સાથે સમગ્ર જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર જરૂરી છે. સંતુલિત થાળી, પૂરતા પ્રમાણમાં શાકભાજી અને ફળો, દાળ-કઠોળ જેવા પ્રોટીન સ્ત્રોતો, મર્યાદિત તેલ-મીઠું-ખાંડ, પૂરતું પાણી, નિયમિત ઊંઘ અને દરરોજની શારીરિક પ્રવૃત્તિ-આ તમામ બાબતો સાથે મળીને સ્વસ્થ વજન જાળવવામાં મદદરૂપ બને છે.
‘સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી’ના મંત્રને અપનાવીને ચોમાસામાં કંટોલા જેવા સ્થાનિક અને પૌષ્ટિક શાકભાજીનો રોજિંદી થાળીમાં સમાવેશ કરવો એ સ્વસ્થ વજન અને તંદુરસ્ત જીવન તરફનું એક સરળ અને સ્વાદિષ્ટ પગલું છે.
