Breast Cancer: શું સ્તન કેન્સર માત્ર વયસ્ક મહિલાઓને જ થાય છે?- જાણીતા ઑન્કોલૉજિસ્ટ પાસેથી જવાબ જાણો

યુવાન મહિલાઓમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી રહ્યું છે, જે માત્ર વયસ્ક મહિલાઓની બીમારી નથી. પ્રારંભિક લક્ષણો, જોખમી પરિબળો અને સમયસર તપાસ દ્વારા તેની ગંભીરતા ટાળી શકાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Aug 2026 04:13 PM (IST)Updated: Sat, 08 Aug 2026 04:13 PM (IST)
breast-cancer-in-young-women-known-symptoms-risks-and-myths-from-doctor

Breast Cancer In Young Women: વર્તમાન સમયમાં યુવાનોમાં હાર્ટ એટેક તેમજ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી ગયું છે. બ્રેસ્ટ અર્થાત સ્તન કેન્સર ભારત સહિત સમગ્ર દુનિયાભરની મહિલાઓમાં જોવા મળતુ એક સામાન્ય કેન્સર છે, જેને લઈને સમાજમાં અનેક પ્રકારની ગેરસમજો જોવા મળી રહી છે.

લોકો એવું માને છે કે, બ્રેસ્ટ કેન્સર માત્ર વયસ્ક કે આધેડ વયની મહિલાઓને જ થાય છે. આ ગેરસમજના કારણે લોકો એવું ધારી લેતા હોય છે કે, કિશોરીઓ અને યુવતીઓને સ્તન કેન્સરનો સહેજ પણ ખતરો નથી.

જો કે નોઈડા સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના રેડિએશન ઑન્કોલૉજી વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. નીતુ પાંડેએ જણાવ્યું કે, બ્રેસ્ટ કેન્સર માત્ર વયસ્ક મહિલાઓને થતી બીમારી નથી. નાની વયની મહિલાઓને પણ સ્તન કેન્સર થઈ શકે છે.


બ્રેસ્ટ કેન્સરના પ્રાથમિક લક્ષણોને નજરઅંદાજ ના કરશો

ડૉ. નીતુ પાંડેએ જણાવ્યું કે, યુવતીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના વયસ્ક મહિલાઓની સરખામણીમાં ઓછી જરૂર હોય છે, પરંતુ તેના શરૂઆતના લક્ષણોને ક્યારેય નજર અંદાજ ના કરવા જોઈએ, કારણ કે સ્તન કેન્સર ઉંમર પ્રમાણે થતી બીમારી નથી. જેમ-જેમ વય વધતી જાય, તેમ-તેમ સ્તન કેન્સરનું જોખમ વધતુ જાય છે. આથી નાની વયની મહિલાઓને પણ સ્તન કેન્સર થઈ શકે છે.

આથી બ્રેસ્ટ કેન્સરના શરૂઆતના સંકેતોને સમયસર પારખીને તેને આગળ વધુ અટકાવી શકાય છે અને યોગ્ય સારવાર મેળવીને બીમારીમાંથી મુક્ત થઈ શકાય છે. બ્રેસ્ટમાં ગાંઠ થવી કેન્સરનો મોટો સંકેત હોઈ શકે છે. જો કે દરેક ગાંઠ કેન્સરની નથી હોતી.

આ સિવાય બ્રેસ્ટની સાઈઝ કે આકારમાં અજીબ ફેરફાર, બ્રેસ્ટ કે બગલમાં કોઈ ભાગ ઉપસીને કઠણ થઈ જાય તેમજ નિપ્પલમાંથી પ્રવાહી નીકળે વગેરે બ્રેસ્ટ કેન્સરના સંકેત હોઈ શકે છે. ક્યારેક શરૂઆતમાં બ્રેસ્ટ કેન્સરના કોઈ સ્પષ્ટ લક્ષણો નથી દેખાતા. આથી ઉપર જણાવેલા કોઈ લક્ષણો દેખાય, તો તેને ઉંમરના કારણે થતો સાધારણ ફેરફાર સમજવો મોટી ભૂલ સાબિત થઈ શકે છે. 

આવી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થવાનો સૌથી વધુ ખતરો

ડૉ. નીતુ પાંડેએ જણાવ્યું કે, કેટલીક સ્થિતિમાં નાની વયની મહિલાઓને સ્તન કેન્સર થવાનું જોખમ વધી શકે છે. જેમાં પરિવારમાં કોઈને બ્રેસ્ટ કે ઑવેરિયન કેન્સરની હિસ્ટ્રી હોય, કેટલાક જેનેટિક ફેરફાર જેમ કે BRCA1 અને BRCA2 અને બાળપણમાં કે નાની વયે રેડિએશન થેરાપી લીધી હોય.

મેમોગ્રામ ક્યારે કરાવવો જોઈએ?

ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગની શરૂઆત વયની સાથે-સાથે દરેક વ્યક્તિના જોખમ પર નિર્ભર કરે છે. જે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો વધારે હોય છે, તેમણે ડૉક્ટર પાસે યોગ્ય સ્ક્રીનિંગ પ્લાન વિશે સલાહ લેવી જોઈએ.

નેશનલ બ્રેસ્ટ કેન્સર ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર, જે મહિલાઓની માતા, પુત્રી કે બહેન અર્થાત ફર્સ્ટ ડિગ્રી રિલેશનમાં કોઈને બ્રેસ્ટ કેન્સર હોય, તો તેમણે સબંધીને બીમારીની જાણ થયાની વયથી 10 વર્ષ પહેલા જ સ્ક્રીનિંગ શરૂ કરાવી દેવું જોઈએ.

જેમ કે જો તમારી માતાને 43ની વયે બ્રેસ્ટ કેન્સરની જાણ થઈ હતી, તો તમારે 33 વર્ષની વયથી દર વર્ષે મેમોગ્રામ કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. તમારી વય કે રિસ્ક ફેક્ટર પછી ભલે ગમે તે હોય, બ્રેસ્ટ હેલ્થ અને રેગ્યુલર હેલ્થ સ્ક્રીનિંગ પર ધ્યાન આપવું જરૂરી છે.

ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ?

જ્યારે પણ તમને તમારા સ્તનમાં કોઈ નવી ગાંઠ, સોજો, સ્કિનમાં ફેરફાર, નિપ્પલમાંથી કોઈ પ્રવાહી નીકળે કે બ્રેસ્ટના આકારમાં વિચિત્ર ફેરફાર જણાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક તબીબને મળવું જોઈએ. આવા લક્ષણોને નજરઅંદાજ કરવાથી કેન્સર ગંભીર સ્ટેજ સુધી પહોંચી શકે છે. જે બાદ તેની સારવાર મુશ્કેલ થઈ શકે છે અને જીવલેણ પણ નીવડી શકે છે.