How much water should I drink daily: ઘણા લોકો માને છે કે સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ દરરોજ 6થી 8 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. પરંતુ શું આ નિયમ ખરેખર દરેક વ્યક્તિ માટે યોગ્ય છે? હકીકતમાં પાણીની જરૂરિયાત ઉંમર, શારીરિક પ્રવૃત્તિ, હવામાન, ખોરાક અને સ્વાસ્થ્ય જેવી અનેક બાબતો પર આધાર રાખે છે. પાણી પીવા માટે એક જ નિયમ બધા લોકો પર લાગુ પડતો નથી.
6-8 ગ્લાસ પાણી પીવાનો નિયમ દરેક માટે છે કે નહિ?
પાણી શરીર માટે અત્યંત જરૂરી છે. તે શરીરની કોશિકાઓ સુધી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે, પાચન પ્રક્રિયાને સપોર્ટ કરે છે, કબજિયાતથી બચાવવામાં મદદરૂપ થાય છે, સાંધાઓને લુબ્રિકેશન આપે છે અને શરીરનું તાપમાન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં પણ પાણી મહત્વનું છે.
પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિએ ચોક્કસ 6 કે 8 ગ્લાસ પાણી જ પીવું જોઈએ. સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે 8 ગ્લાસ પાણીનો નિયમ જરૂરી નથી. તરસ લાગે ત્યારે પાણી પીવું, સંતુલિત આહાર લેવો અને ગરમી કે કસરત દરમિયાન શરીરની જરૂરિયાત મુજબ પ્રવાહી વધારવું સામાન્ય રીતે વધુ વ્યવહારુ અભિગમ છે.
કસરત અને શારીરિક મહેનત: જો તમે જિમ, દોડ, વર્કઆઉટ અથવા અન્ય કોઈ ભારે શારીરિક પ્રવૃત્તિ કરો છો, તો પરસેવા દ્વારા શરીરમાંથી વધુ પ્રવાહી બહાર નીકળે છે. આવી સ્થિતિમાં સામાન્ય દિવસ કરતાં વધુ પ્રવાહીની જરૂર પડી શકે છે. ખાસ કરીને લાંબા સમય સુધી કસરત કરનાર વ્યક્તિએ પાણી ઉપરાંત ઇલેક્ટ્રોલાઇટ્સની જરૂરિયાત પર પણ ધ્યાન આપવું પડે છે.
ગરમી અને હવામાન: ઉનાળામાં અથવા ખૂબ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પરસેવો વધારે થવાથી શરીરમાંથી પાણીનું નુકસાન વધી શકે છે. તેથી આવા દિવસોમાં માત્ર નક્કી કરેલા 6-8 ગ્લાસ પર આધાર રાખવાને બદલે તરસ અને શરીરની જરૂરિયાત પ્રમાણે પ્રવાહી લેવું જરૂરી છે.
ખોરાકમાંથી પણ મળે છે પાણી: રોજનું કુલ પાણી માત્ર સાદું પાણી પીવાથી મળતું નથી. ફળો, શાકભાજી, સૂપ, દૂધ અને અન્ય પ્રવાહી વસ્તુઓ પણ શરીરની કુલ પાણીની જરૂરિયાતમાં ફાળો આપે છે. કુલ પાણીના સેવનમાં પીવાનું પાણી, અન્ય પીણાં અને ખોરાકમાં રહેલું પાણી સામેલ હોય છે.
ઉંમર અને સ્વાસ્થ્ય પણ મહત્વનું: ઉંમર વધવાની સાથે તરસનો અનુભવ ઓછો થઈ શકે છે, જેના કારણે કેટલાક વૃદ્ધ લોકોમાં ડિહાઇડ્રેશનનું જોખમ વધી શકે છે. બીજી તરફ કિડની, લિવર, હૃદય અથવા કેટલીક અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે વધારે પાણી પીવું હંમેશા યોગ્ય હોય એવું નથી. કેટલીક દવાઓ પણ શરીરમાં પાણીના સંતુલનને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાની દૈનિક પ્રવાહીની જરૂરિયાત ડૉક્ટરની સલાહ પ્રમાણે નક્કી કરવી જોઈએ.
તો રોજ કેટલું પાણી પીવું?
દરેક વ્યક્તિ માટે એક ચોક્કસ આંકડો નક્કી કરવો યોગ્ય નથી. આંકડા મુજબ 19થી 30 વર્ષની ઉંમરના લોકો માટે કુલ પાણીનું સરેરાશ પુરુષોમાં આશરે 3.7 લિટર અને મહિલાઓમાં 2.7 લિટર છે, પરંતુ તેમાં ખોરાક અને અન્ય પીણાંમાંથી મળતું પાણી પણ સામેલ છે. આ આંકડાને દરેક વ્યક્તિ માટે ફરજિયાત દૈનિક લક્ષ્ય માનવું જોઈએ નહીં.
તેથી દરરોજ 6-8 ગ્લાસ પાણી જ પીવુંને કડક નિયમ માનવો યોગ્ય નથી. શરીરની તરસ, હવામાન, કસરત, ખોરાક, ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાણીની માત્રા નક્કી કરવી વધુ યોગ્ય છે. ખૂબ ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે, પરંતુ જરૂરિયાત કરતાં ખૂબ વધારે પાણી પીવાથી પણ શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટી શકે છે.
Disclaimer: આ લેખ સામાન્ય આરોગ્ય માહિતી માટે છે. વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્ય અને દવાઓ પ્રમાણે પાણીની જરૂરિયાત અલગ હોઈ શકે છે, તેથી કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લો.
