ઘણી વખત બાળકના પેટમાં કીડા અર્થાત કૃમિ (કરમિયા) પડવાની સમસ્યા જોવા મળતી હોય છે. માટી ખાવાથી તેમજ વધુ પડતું ગળ્યું ખાવાના કારણે બાળકોમાં આ તકલીફ વધારે જોવા મળે છે.
આ કીડા બાળકના પેટમાં જ પેદા થાય છે અને શરીરનું પોષણ શોષી લે છે. જો તમે પણ જાણવા માંગતા હોવ કે, બાળકના પેટમાં કૃમિ છે કે કેમ, તો આજે આ લેખ દ્વારા અમે આપને જણાવીશું કે, તમે કેવી રીતે તેને ચેક કરી શકો છો કે, બાળકના પેટમાં કીડા છે કે કેમ?
જો તમારા બાળકને પેટમાં સતત દુખાવો અને ગેસની સમસ્યા રહેતી હોય, તો તે તેના પેટમાં કરમિયા પડવાની નિશાની હોઈ શકે છે. ખાસ કરીને પેટમાં દુખાવો વહેલી સવારે અને રાતના સમયે અસહ્ય બની જતો હોય છે.
પેટમાં કરમિયા પડવા પર કેટલાક બાળકોની ભૂખ અચાનક વધી જાય છે. ખાવા છતાં બાળકનું વજન નથી વધતું. જ્યારે કેટલાક બાળકોને બિલકુલ ભૂખ જ નથી લાગતી.
જો પેટ ભરીને ખાવા છતાં બાળક નબળું લાગી રહ્યું હોય, તો તે સંકેત છે કે, તેના શરીરમાં પોષણની કમી વર્તાઈ રહી છે. જે પેટના કૃમિના કારણે હોઈ શકે છે.
પેટમાં કીડા પડવાના કારણે બાળકને રાતે પુરતી ઊંઘ નથી આવતી અને દિવસ દરમિયાન બાળક બેચેન રહે છે.
જો તમારા બાળકમાં પણ આ લક્ષણ જોવા મળે, તો તરત જ તબીબનો સંપર્ક કરવો જોઈએ. ઘરગથ્થુ ઉપાય જેમ કે કાચુ પપૈયું, લસણ, હળદર અને નવસેકા પાણીથી પણ પેટના કીડાનો નાશ કરવામાં મદદ મળી શકે છે.