જો તમે ચોમાસામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અમે ગુજરાતમાં આવેલા કેટલાક એવા ધોધની માહિતી લઈને આવ્યા છીએ તે ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે.
વરસાદી માહોલ વચ્ચે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા ચીમેર ગામનો ધોધ સક્રિય થઈ ગયો છે. આ ધોધ અંદાજે 300 ફૂટની ઊંચાઈથી પડે છે. વરસાદી સિઝનમાં આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
ચોમાસાની ખરી મજા તો ડાંગમાં જ માણી શકાય. અહીં ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો ગીરા ધોધ આવેલો છે. આ ધોધ અંદાજે 300 ફૂટ ઊંચાઇથી પડે છે. ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ જંગલની વચ્ચે જોવા જેવી જગ્યા છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત વખતે ચોમાસામાં પ્રવાસીઓએ ઝરવાણી ધોધની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. ઝરવાણીનો ધોધ અમદાવાદથી 200 કિલોમીટરના અંતરે આવેલો છે. આ ધોધ સુધી પહોંચવા માટે ધોધના પાણીમાંથી પસાર થઇને ત્યાં સુધી પહોંચવું પ્રવાસીઓને આહલાદક અહેસાસ કરાવે છે.
ભારે ધોધમાર વરસાદ બાદ ગીરે જાણે લીલી ચાદર ઓઢી હોય એવું દૃશ્ય સર્જાય છે. બીજી તરફ ગીરમાંથી પસાર થતી શિંગોડા નદી જે ગીર ગઢડાના જામવાળાથી પસાર થાય છે. ત્યારે અહીં જમજીરનો ધોધ સક્રિય થાય છે. આ ધોધ 40 ફૂટની ઊચાઇથી પડે છે.
પંચમહાલ તરફ જતા 10 કિલોમીટર દૂર આવેલો બરડા વોટરફોલ ચોમાસામાં ખુબ સુંદર દેખાય છે. વરસાદના લીધે પાણીનો પ્રવાહ વધી જાય છે. ચનખલ ગામથી બરડા ધોધ માટે ચાલીને જતાં 30 મિનિટનો સમય લાગે છે.