આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આ મહિનામાં શિવભક્તો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે, રુદ્રાભિષેક કરે છે અને વિવિધ શિવ મંદિરોની મુલાકાત લે છે.
જો તમે ગુજરાતમાં રહો છો અથવા શ્રાવણ મહિનામાં ગુજરાત જવાનું આયોજન કરી રહ્યા છો, તો આ શિવ મંદિરોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
ગુજરાતના વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. દરિયા કિનારે આવેલું આ મંદિર અલૌકિક શાંતિ અને શક્તિનું પ્રતીક છે. શ્રાવણ મહિનામાં અહીં હજારોની સંખ્યામાં ભક્તો રુદ્રાભિષેક કરવા માટે આવે છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુ વચ્ચેના માર્ગ પર શિવનું એક મહત્વપૂર્ણ મંદિર છે, જેનું નામ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. દ્વારકાથી 17 કિમી દૂર સ્થિત આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના નીલકંઠ સ્વરૂપને સમર્પિત છે. તમે અહીં પણ જઈ શકો છો.
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. કોટેશ્વર મંદિર કચ્છના રણમાં ફરવાલાયર સુંદર સ્થળ છે. અહીં પ્રવાસીઓ કોટેશ્વર મંદિરમાં દર્શન કરવા ઉપરાંત દરિયા કિનારે બીચ પર ફરવાની મજા પણ લઈ શકે છે.
વાત્રક નદીના પૂર્વ કિનારે સ્થિત ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવના પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે. અહીં 2000 વર્ષ જૂનું શિવલિંગ સ્થિત છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે.
નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લાના કાળિયાક જીલ્લામાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. સમુદ્રમાં આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવ મંદિરના માત્ર ઓટના સમયે જ દર્શન થઇ શકે છે. નિષ્કલંક મહાદેવ મંદિર પર દર વર્ષે શ્રાવણ ચૌદશ અને ભાદરવી અમાસે મેળો ભરાય છે.
ભવનાથ મહાદેવ મંદિર જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. અહીં ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હોવાની માન્યતા છે. ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે, જેમાં નાનું શિવલિંગ સ્વયંભૂ છે જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરી હોવાનું માનવામાં આવે છે.