દેવાધી દેવ મહાદેવને અતિ પ્રિય મહિનો શ્રાવણ આજથી શરૂ થઈ ગયો છે. અષાઢ બાદ શ્રાવણ માસની શરૂઆત થાય છે, જે હિન્દુઓનો પવિત્ર માસ માનવામાં આવે છે.
આ વર્ષે આજે એટલે કે 25 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, જે આગામી 23 ઓગસ્ટ સુધી રહેશે. આ પવિત્ર મહિનામાં આવતા સોમવારના દિવસે ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ છે.
હિન્દુ શાસ્ત્રો અનુસાર, શ્રાવણ મહિનામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ મહિનામાં કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.
શ્રાવણ માસમાં કોઈની સાથે ખરાબ વર્તન ના કરો, કે કોઈનું અપમાન પણ ના કરશો. આ સાથે જ કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચવું જોઈએ. આ માટે તમારે તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે.
ખરાબ કાર્યો અને ખરાબ વિચારોથી પણ દૂર રહો. પરિવાર, ગુરુ, મહેમાન કે અન્ય કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરશો.
શ્રાવણ માસમાં રીંગણનું શાક ના ખાવું જોઈએ, કારણે કે તેને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે. આજ કારણોસર લોકો બીજ અને ચોથના દિવસે રીંગણ ખાવાનું ટાળે છે.
શ્રાવણમાં દિવસ દરમિયાન ના સૂવું જોઈએ, કારણ કે તેનાથી ભગવાન ભોલેનાથ નારાજ થાય છે. જેના બદલે આ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા-આરાધના કરવી જોઈએ.
ભગવાન ભોલેનાથની પૂજા કરનારા શ્રદ્ધાળુઓએ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે, તેનાથી ભગવાન નારાજ થાય છે.