મધ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તે શરીરને એનર્જી આપે છે, ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે અને ત્વચા માટે પણ લાભદાયી છે. પરંતુ આજકાલ બજારમાં નકલી મધ પણ ઉપલબ્ધ છે, જેના કારણે લોકો અસલી અને નકલી મધ વચ્ચેનો ફરક સમજી શકતા નથી.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા મધની શુદ્ધતા તપાસવાના કેટલાક સરળ ઘરેલુ ઉપાય જણાવવામાં આવ્યા છે.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરો. જો મધ પાણીમાં ઝડપથી ભળી જાય, તો તે નકલી મધ છે, જો મધ તળિયે જમી જાય અને ધીમે ધીમે મિક્સ થાય, તો તે અસલી મધ છે.
બ્લોટિંગ પેપર અથવા ટીસ્યુ પર મધના થોડા ટીપાં નાખો. જો પેપર મધને પૂર્ણ રીતે શોષી લે, તો મધ નકલી છે. શુદ્ધ મધની સાંદ્રતા વધારે હોવાથી તે પેપર દ્વારા શોષાતી નથી.
સફેદ કપડાં પર મધના થોડા ટીપાં લગાવો અને થોડીવાર બાદ પાણીથી ધોઈ લો. જો ડાઘ સરળતાથી નીકળી જાય, તો મધ શુદ્ધ નથી, અસલી મધના ડાઘ સરળતાથી દૂર થતા નથી.
એક ગ્લાસ પાણીમાં થોડા ટીપા વિનેગર નાખો અને પછી તેમાં મધ ઉમેરો. જો ફીણ દેખાય, તો મધમાં ભેળસેળ કરવામાં આવી છે.
રૂના ટુકડા પર થોડું મધ લગાવો અને તેને આગમાં બાળવાનો પ્રયાસ કરો. જો રૂ આગ પકડે, તો મધ અસલી છે, નકલી મધમાં ભેજ અને અન્ય પદાર્થો હોવાથી તે સહજ રીતે બળતું નથી.
આ ઘરેલુ ટેસ્ટ તમને મધની શુદ્ધતા ઓળખવામાં મદદ કરશે. હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ અથવા સ્થાનિક વિશ્વાસપાત્ર સ્ત્રોતમાંથી જ મધ ખરીદવો.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.