મોટાભાગના લોકો પાણી ગરમ કરવા અને રસોઈ બનાવવા માટે રાંધણ ગેસનો ઉપયોગ કરે છે. જો કે રાંધણગેસ દિવસેને દિવસે મોંઘો થતો જાય છે. ત્યારે ઘણા લોકો ગેસ બચાવવાનો આગ્રહ રાખે છે. આમ છતાં મોટાભાગના ઘરોમાં રાંધણ ગેસનો બાટલો ઝડપથી પૂરો થઈ જાય છે. તેથી તમે કેટલીક સરળ પદ્ધતિઓ દ્વારા રાંધણ ગેસ બચાવી શકો છો.
દરરોજ નાના-નાના કામ માટે ઘણો ગેસ વાપરવામાં આવે છે જેના કારણે તમારે એક મહિનામાં એકથી વધુ સિલિન્ડર મંગાવવા પડે છે અને ગેસની પાઈપલાઈનવાળા ઘરોમાં પણ મોટા પ્રમાણમાં ગેસનું બિલ આવે છે. જો તમે ઇચ્છો તો કેટલીક ટિપ્સની મદદથી તમે રાંધણ ગેસ બચાવી શકો છો. તો ચાલો જાણીએ રાંધણ ગેસ બચાવવા માટેની કેટલીક ટિપ્સ.
રસોઈ બનાવાતી વખતે ઘણા લોકો કૂકરની સાફ કરવાને કારણે ખુલા વાસણમાં જ દાળ અને ચોખા રાંધે છે જેમાં ખુબ ગેસનો વપરાશ થાય છે. કઠોળ, ચોખા અને બટાકાને ઉકાળવા માટે હંમેશા પ્રેશર કૂકરનો ઉપયોગ કરવો જોઈએ.
રસોઈ બનાવતી વખતે મર્યાદિત પાણીનો ઉપયોગ કરો જેથી ઓછા સમયમાં પાણી ઝડપથી પાણી બળી જશે અને ગેસની બચત થશે. તેમજ કઠોળ, ચણા અને રાજમા જેવી વસ્તુઓને ઝડપથી રાંધવા માટે તમે તેને અગાઉથી પલાળીને પણ રાખી શકો છો.
રસોઈ કરતી વખતે વાસણ ખુલ્લું રાખવાથી ખોરાક પકવવામાં સમય લાગે છે અને ગેસનો વપરાશ પણ વધુ થાય છે. તેથી તમે રસોઈ માટે વાસણને ઢાંકણથી ઢાંકી શકો છો. તેનાથી ઈંધણની ઘણી બચત થશે.
ઘણી વખત ગેસ બચાવવા માટે લોકો ગેસને ફૂલ રાખીને ખોરાક રાંધે છે જેના કારણે ખોરાક બળી જાય છે અને વધુ ગેસનો વપરાશ થાય છે.તેથી તમે ગેસ બચાવવા માટે હંમેશા ધીમી આંચ પર ભોજન રાંધો.
રસોઈ બનાવતી વખતે લોકોએ ઘણીવાર અહીં-ત્યાં વસ્તુઓ શોધવી પડે છે જેના કારણે ગેસનો બગાડ થાય છે. તેથી રાંધતા પહેલા બધી સામગ્રીને બહાર કાઢીને ગેસની નજીક રાખો અને પછી ગેસ ચાલુ કરો અને પકાવો.
સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.