ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના જીવજંતુઓ સાથે માખીઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ માખીઓ ગંદકીમાં રહે છે અને ઘરમાં પ્રવેશીને અનેક બીમારીઓ ફેલાવે છે. ચાલો જાણીએ તેનાથી છુટકારો મેળવવાના કેટલાક ઉપાયો
માખીઓને ભગાડવા માટે તમે એક જૂનો નુસખો અજમાવી શકો છો. 3-4 તેજપત્તા, 5 કપૂર, લીમડાના સૂકા પાન અને લવિંગ જેવી વસ્તુઓને એક બાઉલમાં ભેગી કરીને બાળી લો. આ ધુમાડો આખા ઘરમાં ફેલાવો. આ ગંધથી માખીઓ ભાગી જશે.
એક લીંબુને બે ભાગમાં કાપી લો અને રસવાળી બાજુએ 8-10 લવિંગ લગાવીને ઘરના દરવાજા અને બારીઓ પર મૂકી દો. આનાથી માખીઓ ઘરમાં અંદર નહીં આવે.
ટી ટ્રી ઓઈલની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. આ તેલમાં રૂના ગોળા પલાળીને માખીઓની મનપસંદ જગ્યાઓ પર મૂકી દો. તેની સુગંધથી માખીઓ ભાગી જશે.
પોતું કરવાના પાણીમાં સરકો (વિનેગર) ભેળવી શકાય છે. તેની ગંધ માખીઓને પરેશાન કરતી હોવાથી તેઓ ભાગી જશે.
ઘરમાં રોજ કપૂર બાળી શકાય છે. તેની ગંધથી માખીઓ અને અન્ય જીવજંતુઓ ભાગી જાય છે. ચોમાસા માટે આ નુસખો ખૂબ જ અસરકારક છે.
આ બધા ઉપાયો અજમાવતા પહેલા ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ઘરને રોજ ફિનાઈલથી સાફ કરો. ગટર અને બેસિનમાં ફિનાઈલની ગોળીઓ નાખો. ઘરની અંદર જ નહીં, બહાર પણ સ્વચ્છતા જાળવો, આસપાસ ગંદકી અને પાણી જમા ન થવા દો.
ઘરની અંદર માખીઓ અને અન્ય ચોમાસુ જીવજંતુઓ ન આવે તે માટે કેટલાક ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવી શકાય છે, જેમ કે- લેમન ગ્રાસ પ્લાન્ટ, ફુદીનાનો છોડ, તુલસીનો છોડ, લેવેન્ડર પ્લાન્ટ વગેરે. તેમની ગંધથી માખીઓ દૂર ભાગે છે.