ભારત સરકાર ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી સુગર સિઝનમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
આ વર્ષે મર્યાદિત પ્રમાણમાં વરસાદને લીધે શેરડીના ઉત્પાદન પર અસર થઈ શકે છે. આ સંજોગોમાં ખાંડની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકાર નિર્ણય લઈ શકે છે.વર્ષ 2016માં ભારત સરકારે ખાંડની નિકાસ પર 20 ટકા ટેક્સ લાદ્યો હતો.
ભારતમાંથી ખાંડનો પુરવઠો નહીં પહોંચવાને પગલે ન્યૂયોર્ક તથા લંડનમાં ખાંડની કિંમતો વધી શકે છે. અગાઉની તુલનામાં ખાંડની કિંમતમાં વધારો થઈ રહ્યો છે અને આ વર્ષે તે કેટલાક વર્ષોની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.
સરકાર ખાંડની કિંમતોને અંકૂશમાં રાખવા ઈચ્છે છે. આ ઉપરાંત શેરડીમાંથી ઈથેનોલના ઉત્પાદનને લગતો પોતાનો લક્ષ્યાંક હાંસલ કરવાનો પ્રયત્ન કરશે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકના અનેક વિસ્તારોમાં વરસાદ સરેરાશ કરતાં 50 ટકા ઓછો થયો છે.આ રાજ્યોમાંથી દેશમાં ખાંડનું યોગદાન 50 ટકા જેટલું છે. ખાંડનું ઉત્પાદન 3.30 ટકા ઘટી 3.17 કરોડ ટન રહી શકે છે.