આજના સમયમાં લાઈલાજ ડાયાબિટીસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. આવી સ્થિતિમાં આ રોગમાં બેદરકારી કિડની પર ખરાબ અસર કરી શકે છે. આજે અમે આપને ડાયાબિટીસમાં કિડની ફેલ્યોરના શરૂઆતના લક્ષણો વિશે જણાવીશું.
ડાયાબિટીસ એક એવો રોગ છે જેની અસર શરીરના અન્ય ભાગો પર પણ દેખાય છે. જો કોઈ અંગ તેનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે, તો તે કિડની હોઈ શકે છે.
ડાયાબિટીસમાં કિડની ફેલ્યોરના શરૂઆતના લક્ષણો વિશે વાત કરીએ તો, દર્દીને વારંવાર પેશાબ કરવા જવું પડી શકે છે. આ કિડની ફેલ્યોરનું લક્ષણ હોઈ શકે છે.
જો ડાયાબિટીસના દર્દીના પેશાબમાં વધુ પડતું ફીણ વળતું હોય, દુર્ગંધ આવે અને પેશાબના રંગમાં ફેરફાર જણાય તો આ કિડની ફેલ્યોરનું લક્ષણ હોઈ શકે છે.
જ્યારે ડાયાબિટીસમાં કિડની ફેલ થઈ જાય, ત્યારે દર્દીને પગ, અંગૂઠા, ઘૂંટી અને ચહેરા પર સોજો આવી શકે છે. આ સાથે આંખો નીચે હળવો સોજો પણ આવી શકે છે. આવું ત્યારે થાય છે, જ્યારે પેશાબ સાથે શરીરમાંથી મોટી માત્રામાં પ્રોટીન પણ બહાર નીકળી જાય છે. આ કિડની ફેલ્યોરનો સંકેત હોઈ શકે છે.
જો ડાયાબિટીસના દર્દીને કોઈ કામ કર્યા વિના પણ થાક લાગવા લાગે, તો એવું બની શકે છે કે, કિડની શરીર અને લોહીમાંથી ઝેરી પદાર્થોને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય. આને કારણે શરીર સરળતાથી ડિટોક્સ કરી શકતું નથી જે કિડની ફેઈલ્યોરનો સંકેત હોઈ શકે છે.
ડાયાબિટીસથી પીડિત લોકોને વારંવાર હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ જો આ સમસ્યા વારંવાર થાય છે અને તેને નિયંત્રિત કરવી મુશ્કેલ હોય, તો તે કિડની ફેલ્યોરનું લક્ષણ હોઈ શકે છે.
જો ડાયાબિટીસના દર્દીને વારંવાર ઉબકા આવવા લાગે, ઉલટી થવા લાગે અને કંઈ ખાવાનું મન ન થાય, તો એવું બની શકે છે કે, કિડની યોગ્ય રીતે કામ કરી રહી નથી. આ કિડની ફેલ્યોરનો સંકેત હોઈ શકે છે.