ટ્રેન ટિકિટ પર GNWL, RLWL કે PQWL લખેલું હોય તો તેનો અર્થ શું થાય? કઈ ટિકિટ ઝડપથી કન્ફર્મ થાય છે?

ટ્રેન ટિકિટ પર GNWL, RLWL કે PQWLનો અર્થ શું થાય છે? કઈ વેટિંગ લિસ્ટ કન્ફર્મ થવાના ચાન્સ સૌથી વધુ હોય છે? જાણો સંપૂર્ણ માહિતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 07 Oct 2026 08:11 PM (IST)Updated: Wed, 07 Oct 2026 08:11 PM (IST)
what-do-gnwl-rlwl-or-pqwl-written-on-a-train-ticket-mean-which-ticket-gets-confirmed-faster

GNWL, RLWL, PQWL Meaning: લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનની મુસાફરી હંમેશાંથી સામાન્ય નાગરિકોની પહેલી પસંદ રહી છે. રેલવે મુસાફરી માત્ર આર્થિક રીતે સસ્તી જ નથી હોતી, પરંતુ તે એક આરામદાયક વિકલ્પ પણ માનવામાં આવે છે. પરંતુ, તહેવારોની સિઝનમાં કે વેકેશન દરમિયાન ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી કોઈ લોટરી જીતવા સમાન બની જાય છે. ઘણીવાર સીટ ન મળવા પર ટિકિટ વેટિંગ લિસ્ટ (Waiting List)માં જતી રહે છે.

આવી સ્થિતિમાં જ્યારે મુસાફરો પોતાની ટિકિટ પર GNWL, RLWL કે PQWL લખેલું જોવે છે, ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ ત્રણેયમાંથી કયા કોડનો અર્થ શું થાય છે અને તેમની ટિકિટ કન્ફર્મ થશે કે નહીં? જો તમને પણ આ નિયમોની સાચી માહિતી હોય, તો તમે મુસાફરી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો છો. આવો વિગતવાર સમજીએ કે આ ત્રણેય વેટિંગ લિસ્ટમાં શું તફાવત છે અને કઈ ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ સૌથી વધુ હોય છે.

GNWL (જનરલ વેટિંગ લિસ્ટ - General Waiting List)

અર્થ શું છે?: GNWLનો અર્થ 'જનરલ વેટિંગ લિસ્ટ' થાય છે. જ્યારે કોઈ મુસાફર ટ્રેનના પ્રારંભિક સ્ટેશન (જ્યાંથી ટ્રેન ઉપડે છે) કે તેની આસપાસના મોટા સ્ટેશનોથી ટિકિટ બુક કરાવે છે અને તે સમયે ત્યાં બધી સીટો ફૂલ થઈ ગઈ હોય, ત્યારે સામાન્ય રીતે GNWL જનરેટ થાય છે.

ઉદાહરણ: ધારો કે કોઈ ટ્રેન નવી દિલ્હીથી ઉપડે છે અને મુસાફર દિલ્હી કે તેના આગળના મુખ્ય રૂટ માટે ટિકિટ બુક કરે છે, તો તેને આ શ્રેણીમાં વેટિંગ મળે છે.

કન્ફર્મેશનના ચાન્સ: અન્ય વેટિંગ લિસ્ટની સરખામણીમાં GNWL ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના સૌથી વધુ માનવામાં આવે છે, કારણ કે આ સીધી ટ્રેનના જનરલ કોટા સાથે જોડાયેલી હોય છે અને કેન્સલેશન સૌથી વધુ આ જ કોટામાં થાય છે.

RLWL (રિમોટ લોકેશન વેટિંગ લિસ્ટ - Remote Location Waiting List)

અર્થ શું છે?: RLWLનો અર્થ 'રિમોટ લોકેશન વેટિંગ લિસ્ટ' થાય છે. આ લિસ્ટ એવા મુસાફરો માટે લાગુ પડે છે જેઓ ટ્રેનના પ્રારંભિક (ઓરિજિન) સ્ટેશનથી નહીં, પરંતુ રસ્તાના કોઈ મહત્વપૂર્ણ કે મધ્યસ્થ (Intermediate) સ્ટેશનથી પોતાની યાત્રા શરૂ કરતા હોય છે.

રેલવે નિયમ: ભારતીય રેલવે દ્વારા કેટલાક ખાસ અને વ્યસ્ત સ્ટેશનો માટે અલગથી સીટ કોટા ફાળવવામાં આવે છે. જ્યારે તે ખાસ રિમોટ લોકેશન કોટાની બધી સીટો ભરાઈ જાય છે, ત્યારે મુસાફરને RLWL ટિકિટ ફાળવવામાં આવે છે.

કન્ફર્મેશનના ચાન્સ: આ પ્રકારની ટિકિટનું કન્ફર્મેશન મુખ્યત્વે તે જ ખાસ રિમોટ લોકેશન કોટામાં ખાલી થતી સીટો પર નિર્ભર કરે છે, જેના કારણે ક્યારેક આ ટિકિટો ધીમી ગતિએ કન્ફર્મ થાય છે.

PQWL (પૂલ્ડ કોટા વેટિંગ લિસ્ટ - Pooled Quota Waiting List)

અર્થ શું છે?: PQWLનો અર્થ 'પૂલ્ડ કોટા વેટિંગ લિસ્ટ' થાય છે. આ જનરલ અને રિમોટ લોકેશનથી તદ્દન અલગ શ્રેણી છે. જ્યારે કેટલાક નાના સ્ટેશનો કે ચોક્કસ રૂટ વચ્ચે મુસાફરી કરનારા મુસાફરો માટે એક સંયુક્ત (Shared) કોટા રાખવામાં આવે છે, ત્યારે તેને પૂલ્ડ કોટા કહેવામાં આવે છે.

કન્ફર્મેશનના ચાન્સ: આ કોટા હેઠળ બુક થયેલી વેટિંગ ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ ઘણી ઓછી અને અનિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે તેમાં નાના સ્ટેશનોનો સામૂહિક ભાર હોય છે.

આ ત્રણેયમાંથી કઈ ટિકિટ સૌથી વહેલી કન્ફર્મ થાય છે?

સામાન્ય રીતે ટ્રેન યાત્રીઓના મનમાં આ સૌથી મોટો સવાલ હોય છે કે કયા પ્રકારની વેટિંગ ટિકિટ ઝડપથી કન્ફર્મ થશે?

નિષ્ણાતોના મતે, GNWL (જનરલ વેટિંગ લિસ્ટ)ની કન્ફર્મ થવાની સંભાવના RLWL અને PQWL કરતા ઘણી સારી અને વધુ હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ત્રણેય વેટિંગ લિસ્ટ અલગ-અલગ કોટા સાથે જોડાયેલા હોય છે અને દરેક કોટાનું સંચાલન અને કેન્સલેશન ટ્રેન્ડ અલગ અલગ હોય છે.

આથી, જ્યારે પણ તમે ટ્રેનની ટિકિટ બુક કરો અને વેટિંગ દેખાય, તો માત્ર વેટિંગ નંબર (જેમ કે WL 10 કે WL 20) જોઈને જ ડાયરેક્ટ નિર્ણય ન લેવો. પરંતુ તેની સાથેસાથે GNWL, RLWL કે PQWL કયો કોડ છે, મુસાફરીની તારીખ કઈ છે અને રૂટની સ્થિતિ કેવી છે, આ તમામ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે જેથી મુસાફરી સમયે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.