બે ટુકડામાં ફાટી ગઈ છે ₹500ની નોટ? બેંકમાં બદલતા પહેલા જાણી લો RBIના આ નિયમો

₹500ની નોટ ફાટી જાય કે બે ટુકડામાં વહેંચાઈ જાય તો શું કરવું? RBIના નિયમો અનુસાર ફાટેલી અને ખરાબ નોટ બદલવાની રીત, રિફંડના નિયમો અને બેંકની જવાબદારી જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 22 Sep 2026 10:30 AM (IST)Updated: Tue, 22 Sep 2026 10:30 AM (IST)
rbi-rules-for-exchanging-torn-damaged-500-rupee-note-in-bank

RBI Damaged Note Exchange Rules: ઘણા લોકોને ખરીદી કે રોજિંદા વ્યવહાર દરમિયાન ફાટેલી, કાપેલી કે ખરાબ થયેલી નોટ મળી જાય છે. ખાસ કરીને ₹500ની નોટ બે ટુકડામાં ફાટી જાય ત્યારે લોકોના મનમાં સવાલ થાય છે કે હવે આ નોટના પૈસા મળશે કે નહીં. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો હેઠળ ખરાબ અથવા કાપેલી નોટને બેંકમાં રજૂ કરીને તેની કિંમતનો દાવો કરી શકાય છે. જોકે કેટલી રકમ મળશે તે નોટની સ્થિતિ અને તેના બચેલા ભાગના વિસ્તાર પર આધાર રાખે છે.

₹500ની નોટ બે ટુકડામાં ફાટી જાય તો કેટલા રૂપિયા મળશે?

RBIના Note Refund Rules મુજબ ₹50 અને તેનાથી વધુ મૂલ્યની નોટ માટે સૌથી મોટા અખંડિત ટુકડાના વિસ્તારના આધારે નક્કી કરવામાં આવે છે કે નોટની કેટલી કિંમત પરત મળશે. ₹500ની નોટનો કુલ વિસ્તાર 99 ચોરસ સેન્ટીમીટર છે. તેના સૌથી મોટા અખંડિત ભાગનો વિસ્તાર ઓછામાં ઓછો 80 ચોરસ સેન્ટીમીટર હોય તો સંપૂર્ણ ₹500ની કિંમત મળવા પાત્ર છે, જ્યારે ઓછામાં ઓછો 40 ચોરસ સેન્ટીમીટર વિસ્તાર હોય તો અડધી કિંમત એટલે કે ₹250 મળી શકે છે.

પરંતુ બે ટુકડામાં ફાટેલી ₹500ની નોટ માટે એક ખાસ નિયમ પણ છે. જો બંને ટુકડા એ જ નોટના હોય અને બંને ટુકડાઓનો વિસ્તાર નોટના કુલ વિસ્તારના ઓછામાં ઓછા 40 ટકા જેટલો હોય, તો નોટની સંપૂર્ણ કિંમત ચૂકવવામાં આવી શકે છે. એટલે બે ટુકડામાં ફાટી ગયેલી નોટ હોય તો તેને તરત નકામી સમજીને ફેંકી દેવી નહીં.

ફાટેલી નોટ ક્યાં બદલાવી શકાય?

RBIના હાલના Master Direction મુજબ સામાન્ય રીતે કાપેલી, ફાટેલી અથવા mutilated નોટ કોઈપણ બેંકની શાખામાં રજૂ કરી શકાય છે. બેંકની આ સુવિધા માત્ર પોતાના ગ્રાહકો માટે જ નથી; અન્ય લોકો પણ નોટ બદલાવવા માટે બેંકમાં જઈ શકે છે. એટલે જે બેંકમાં તમારું ખાતું હોય ત્યાં જ જવું જરૂરી નથી.

નાની સંખ્યામાં નોટ હોય તો બેંક તેને તપાસીને નિયમો અનુસાર તેની કિંમત નક્કી કરે છે. RBIના નિયમો મુજબ mutilated અથવા imperfect notes બદલવાની સુવિધા મફત છે. બેંક આ પ્રક્રિયા માટે સામાન્ય રીતે ગ્રાહક પાસેથી સર્વિસ ચાર્જ લઈ શકતી નથી.

કઈ નોટ બેંકમાં સીધી બદલાશે નહીં?

જો નોટ અત્યંત બળી ગઈ હોય, રાખ જેવી થઈ ગઈ હોય, ખૂબ જ નાજુક બની ગઈ હોય અથવા એવી રીતે ચોંટેલી હોય કે તેને સામાન્ય રીતે હાથમાં લઈ શકાય નહીં, તો બેંક શાખા પર તેનો સીધો વિનિમય થઈ શકતો નથી. આવી નોટને RBIના સંબંધિત Issue Officeમાં વિશેષ પ્રક્રિયા હેઠળ તપાસવામાં આવી શકે છે.

તે ઉપરાંત જાણપૂર્વક કાપેલી, ફાડેલી અથવા તેમાં છેડછાડ કરવામાં આવેલી નોટનો દાવો નકારી શકાય છે. RBIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે નોટની કિંમત નક્કી કરતી વખતે માત્ર સિરિયલ નંબર દેખાય છે કે નહીં તે એકમાત્ર માપદંડ નથી.

એટલે તમારી પાસે ₹500ની નોટ બે ટુકડામાં ફાટી ગઈ હોય તો તેને સાચવીને નજીકની બેંક શાખામાં લઈ જવી. બેંક નોટની સ્થિતિ અને તેના વિસ્તારની તપાસ કર્યા બાદ RBIના નિયમો પ્રમાણે સંપૂર્ણ, અડધી અથવા કોઈ રકમ ચૂકવશે.

Disclaimer: આ માહિતી RBIના જાહેર કરાયેલા નિયમો અને માર્ગદર્શિકાઓ પર આધારિત છે. નોટની અંતિમ કિંમતનો નિર્ણય બેંક દ્વારા નિયમો અનુસાર તપાસ કર્યા બાદ કરવામાં આવે છે.