Online Shopping Tips: ઓનલાઈન શોપિંગ કરતી વખતે S, M, L કે XLમાંથી યોગ્ય સાઈઝ પસંદ કરવી ઘણીવાર મુશ્કેલ બની જાય છે. ઘણી વખત આપણે જૂના કપડાંની સાઈઝ જોઈને ઓર્ડર આપી દઈએ છીએ, પરંતુ ઘર સુધી પેકેજ પહોંચ્યા પછી ફિટિંગ અપેક્ષા મુજબ મળતી નથી. દરેક બ્રાન્ડનું કટિંગ અને ફિટિંગ અલગ-અલગ હોય છે, જેથી એક જ સાઈઝ દરેક બ્રાન્ડમાં એકસરખી આવતી નથી. આ વારંવાર બદલવાની અને રિટર્ન કરવાની ઝંઝટથી બચવા માટે ઓનલાઈન કપડાં ખરીદતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
શરીરનું સાચું માપ લેવું
ઓનલાઈન ખરીદીમાં ફક્ત સાઈઝના અક્ષરો (S, M, L) પર નિર્ભર રહેવું યોગ્ય નથી. ખરીદી કરતા પહેલા મેઝરિંગ ટેપ (માપપટ્ટી)થી તમારા શરીરનું સાચું માપ લેવું એ સૌથી સચોટ રસ્તો છે. મહિલાઓ માટે બસ્ટ, વેસ્ટ અને હિપનું માપ મહત્વનું છે, જ્યારે પુરુષો માટે ચેસ્ટ, વેસ્ટ અને શોલ્ડરનું માપ લેવું જરૂરી છે.
માપને સેવ કરી રાખો
એકવાર સાચું માપ લીધા પછી તેને મોબાઈલના નોટ્સ કે કોઈ જગ્યાએ લખી રાખો. આનાથી દર વખતે નવું માપ લેવાની ઝંઝટ રહેશે નહીં. જ્યારે પણ ખરીદી કરો, ત્યારે વેબસાઇટ પર આપેલા સાઈઝ ચાર્ટ સાથે તમારા માપને સરખાવો.
સાઈઝ ચાર્ટ અને ફિટિંગનો પ્રકાર
પ્રોડક્ટ પેજ પર આપેલા 'Size Chart'ને ક્યારેય અવગણશો નહીં. તેમાં આપેલા ઈંચ કે સેન્ટીમીટરના માપ સાથે તમારા માપની સરખામણી કરો. ઉપરાંત, કપડાંના ફિટિંગ પ્રકાર (Slim Fit, Regular Fit, Relaxed કે Oversized) પર પણ ધ્યાન આપો. જો તમને ઢીલા કપડાં ગમતા હોય અને પ્રોડક્ટ 'સ્લિમ ફિટ' હોય, તો એક સાઈઝ મોટી પસંદ કરવી વધુ યોગ્ય રહેશે.
મનપસંદ કપડાંનું માપ લેવું
જો મેઝરિંગ ટેપ ન હોય, તો ઘરમાં રહેલા જે કપડાંનું ફિટિંગ તમને સૌથી સારું આવતું હોય, તેને કોઈ સપાટ જગ્યા પર મૂકીને તેની લંબાઈ અને પહોળાઈ માપી લો. ત્યારબાદ ઓનલાઈન આપેલી 'Garment Measurement' સાથે તેની સરખામણી કરીને ખરીદી કરી શકાય છે.
કસ્ટમર રિવ્યુઝ અને ફોટોઝ જુઓ
ખરીદી કરતા પહેલા અન્ય ગ્રાહકોએ આપેલા રિવ્યુઝ ચોક્કસ વાંચો. ફક્ત કપડાંનો રંગ કે ક્વોલિટી જોવાને બદલે સાઈઝ સંબંધિત રિવ્યુ જુઓ. જો લોકોએ લખ્યું હોય કે આ કપડું સામાન્ય કરતાં નાનું કે મોટું આવે છે, તો તે મુજબ સાઈઝ પસંદ કરી શકાય છે. ગ્રાહકો દ્વારા મૂકવામાં આવેલા ફોટાઓથી પણ વાસ્તવિક ફિટિંગનો ખ્યાલ આવે છે.
રિટર્ન અને એક્સચેન્જ પોલિસી ચકાસો
બધી તૈયારીઓ પછી પણ સાઈઝમાં શંકા લાગે તો ઓર્ડર કન્ફર્મ કરતા પહેલા રિટર્ન અને એક્સચેન્જ પોલિસી ચોક્કસ ચકાસી લો. દરેક પ્રોડક્ટ પર રિટર્નની સુવિધા હોતી નથી, કેટલાક પર ફક્ત એક્સચેન્જ જ ઉપલબ્ધ હોય છે.
આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી ઓનલાઈન કપડાં ખરીદતી વખતે સાઈઝ સંબંધિત ભૂલોથી બચી શકાય છે અને યોગ્ય ફિટિંગવાળા કપડાં મેળવી શકાય છે.
