NHAI લાવ્યું ક્રાંતિકારી ફેરફાર, હવે હાઈવે પર નહીં અટકવું પડે; જાણો બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ વિશે બધું જ

NHAI હાઈવે પર બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ લાગુ કરી રહ્યું છે, જેનાથી વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે. આ નવી સિસ્ટમ ANPR કેમેરા અને GNSS નો ઉપયોગ કરીને FASTag/બેંક ખાતામાંથી આપમેળે ટોલ કાપશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 06 Nov 2026 11:51 PM (IST)Updated: Fri, 06 Nov 2026 11:51 PM (IST)
nhai-barrierfree-toll-plazas-no-more-stops-on-highways

NHAI Barrier Free Toll Plazas: જો તમે પણ અવારનવાર હાઈવે પર ગાડી લઈને સફર કરો છો, તો તમારા માટે એક ખૂબ જ રાહત અને ખુશીના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા મુસાફરોની સફર વધુ આસાન, ઝડપી અને ઝંઝટ-મુક્ત બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવવા માટે ગાડીઓની લાંબી કતારોમાં ઊભા રહેવાનો સમય પૂરો થવા જઈ રહ્યો છે. સરકાર હવે દેશભરમાં બેરિયર-ફ્રી (Barrier-Free) ટોલ પ્લાઝા સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.

આ નવી સિસ્ટમ આવ્યા પછી વાહનોએ ટોલ નાકા પર રોકાવાની કે સ્પીડ ઘટાડવાની પણ જરૂર નહીં પડે. ચાલો આ આખી સિસ્ટમ વિશે વિગતવાર સમજીએ કે તે કેવી રીતે કામ કરશે અને તેનાથી સામાન્ય નાગરિકોને શું ફાયદો થશે.

શું છે આ બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ

સરળ ભાષામાં સમજીએ તો, હજુ સુધી આપણે જે ટોલ પ્લાઝા જોઈએ છીએ ત્યાં ગાડીઓ રોકવા માટે બેરિયર (બામ્બુ કે ગેટ) હોય છે, જ્યાં ફાસ્ટેગ (FASTag) સ્કેન થાય છે અને પછી ગેટ ખુલે છે. ભલે ફાસ્ટેગથી સમય બચે છે છતાં ગાડીઓની અવરજવરને કારણે ઘણીવાર ટ્રાફિક જામ થઈ જાય છે.

પરંતુ, બેરિયર-ફ્રી સિસ્ટમમાં આ કોઈ જ પ્રકારના ગેટ કે બેરિયર નહીં હોય. રસ્તાની ઉપર હાઈ-ટેક કેમેરા અને સેન્સર લગાવવામાં આવશે, જે ગાડીઓની સ્પીડમાં જ નંબર પ્લેટ વાંચી લેશે અને સીધા જ તમારા બેંક અકાઉન્ટ કે ફાસ્ટેગ વોલેટમાંથી ટોલ ટેક્સના પૈસા કપાઈ જશે. ગાડીએ રોકાયા વગર 80 કે 100ની સ્પીડમાં સીધા નીકળી જવાનું રહેશે.

આ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

આ આખી ટેકનોલોજી અત્યાધુનિક ઓટોમેશન પર આધારિત છે.

ANPR (Automatic Number Plate Recognition) કેમેરા: હાઈવે પર ખાસ પ્રકારના ઓપ્ટિકલ કેમેરા ફિટ કરવામાં આવશે. આ કેમેરા ગાડીની નંબર પ્લેટને અત્યંત ઝડપથી સ્કેન કરી લેશે.

ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS): આગામી સમયમાં જીપીએસ આધારિત ટોલ કલેક્શન સાથે પણ આને જોડવામાં આવશે, જેથી તમે જેટલા કિલોમીટર હાઈવેનો ઉપયોગ કરશો તેટલા જ કિલોમીટરના પૈસા કપાઈ જશે.

ઓટોમેટિક ડિડેક્શન: કેમેરા નંબર વાંચ્યા પછી સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ થઈને ફાસ્ટેગ અથવા લિંક થયેલા બેંક ખાતામાંથી ટોલની રકમ તરત જ કાપી લેશે.

મુસાફરોને શું ફાયદા થશે?

સમયની બચત: ટોલ નાકા પર લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવાની સમસ્યામાંથી કાયમ માટે મુક્તિ મળશે.

ઈંધણ (પેટ્રોલ/ડિઝલ)ની બચત: ગાડી વારંવાર રોકવી અને ચાલુ કરવાથી જે બિનજરૂરી ઈંધણ બગડતું હતું, તેમાં મોટો ઘટાડો થશે.

પ્રદૂષણમાં ઘટાડો: ટ્રાફિક જામ ન થવાને કારણે વાહનો દ્વારા છોડાતા કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો નોંધાશે.

સફર વધુ આરામદાયક: લાંબા અંતરની મુસાફરી હવે વધુ સરળ અને થાક વગરની બનશે.

કયા રસ્તાઓ પર પહેલા લાગુ થશે?

શરૂઆતના તબક્કામાં NHAI દ્વારા દેશના મુખ્ય અને વ્યસ્ત નેશનલ હાઈવે તથા ચાર લેન કે તેથી વધુ પહોળા રસ્તાઓ પર આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. ધીમે-ધીમે તેને દેશભરના તમામ હાઈવે પર વિસ્તારવામાં આવશે, જેથી ડ્રાઇવરોને દેશભરમાં એક જ સરખી અને સીમલેસ મુસાફરીનો અનુભવ મળી શકે.

સરકારનો આ નિર્ણય પરિવહન ક્ષેત્રે એક મોટો બદલાવ સાબિત થશે. ડિજિટલ ઈન્ડિયાની દિશામાં આ એક વધુ એક મજબૂત કદમ છે, જે માત્ર મુસાફરોનો કિંમતી સમય જ નહીં બચાવે પરંતુ રોડ સફરને એકદમ સ્માર્ટ અને આધુનિક બનાવી દેશે. જો તમે પણ વારંવાર હાઈવે પર ડ્રાઈવ કરો છો, તો આગામી સમયમાં તમારી સફર ખરેખર ખૂબ જ ફાસ્ટ અને મસ્તીભરી બનવાની છે!