Indian Railway New Rules 2026: ટ્રેનનો પ્રવાસ આપણી યાદગાર સફરોમાંથી એક હોય છે. કલાકો સુધી ચાલતી આ મુસાફરીમાં કુદરતી નજારાઓ જોવાની મજા જ કંઈક અલગ છે. પરંતુ, ઘણીવાર આ સફર ત્યારે ખરાબ થઈ જાય છે જ્યારે આપણી આસપાસ બેઠેલા કોઈ મુસાફર મોબાઈલમાં ફૂલ વોલ્યુમમાં રીલ્સ જોવા લાગે, ગીતો વગાડે કે પછી મોટે-મોટેથી ફોન પર વાતો કરવા લાગે. આનાથી આખી બોગીની શાંતિ હણાઈ જાય છે અને આસપાસના લોકોને માનસિક ત્રાસ સહન કરવો પડે છે. જો તમે પણ અવારનવાર ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન થતા હોવ, તો તમારા માટે એક રાહતના સમાચાર છે. ભારતીય રેલવેએ હવે આવા બેજવાબદાર મુસાફરો પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે.
શું કહે છે રેલવેના નવા નિયમો?
ભારતીય રેલવેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે હવે ટ્રેન કે રેલવે સ્ટેશન પર અન્ય મુસાફરોને હેરાન કરવા કે શાંતિ ભંગ કરવી ભારે પડી શકે છે. રેલવે એક્ટની કલમ 145 (Railway Act Section 145) મુજબ, વગર ઇયરફોને મોબાઈલ પર મોટેથી અવાજે ગીતો સાંભળવા, રીલ્સ જોવી કે બૂમાબૂમ કરીને ફોન પર વાત કરવી સખત ગુનો છે. જો કોઈ મુસાફર આ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાય, તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
1000 રૂપિયાનો દંડ અને 6 મહિના સુધીની જેલ
નિયમોની અવગણના કરનારાઓને હવે જેલના દરવાજા જોવાનો વારો પણ આવી શકે છે. રેલવેના આ કડક આદેશ મુજબ, જો કોઈ વ્યક્તિ મુસાફરોને પરેશાન કરશે તો તેને 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. એટલું જ નહીં, જો મામલો વધારે ગંભીર બને અથવા નિયમોનું ઉલ્લંઘન થાય, તો મુસાફરને 6 મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે.
TTEને મળ્યા ઓન-સ્પોટ એક્શનના પાવર
મુસાફરોને એકદમ શાંત અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવવા માટે રેલવે પ્રશાસને ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTE) અને કોમર્શિયલ અધિકારીઓના અધિકારોમાં મોટો વધારો કર્યો છે. હવે જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ મુસાફર મોટેથી અવાજ કરીને બીજાની ઊંઘ કે આરામમાં ખલેલ નાખશે, તો TTE તરત જ સ્થળ પર જ 1,000 રૂપિયાનો દંડ ફટકારી શકશે. આ ઉપરાંત, જો મુસાફર સમજવા તૈયાર ન થાય અને મામલો વધારે બગડે તો અધિકારી પાસે એવો પણ પાવર રહેશે કે તે તેવા મુસાફરને વચ્ચેના સ્ટેશને જ ટ્રેનમાંથી નીચે ઉતારી દે.
કયા વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે વિશેષ સખતી?
આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે દક્ષિણ રેલવે (Southern Railway) અને દક્ષિણ-પશ્ચિમ રેલવે (South Western Railway) દ્વારા તેમના તમામ ડિવિઝનને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સામાન્ય જનતા અને મુસાફરો સુધી આ નિયમની માહિતી પહોંચાડવા માટે રેલવે સ્ટેશનો અને ટ્રેનોની અંદર અલગ-અલગ સ્થાનિક ભાષાઓમાં ખાસ પોસ્ટરો અને નોટિસ લગાવવામાં આવી રહી છે. આ સાથે જ લાઉડસ્પીકર દ્વારા સતત એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અજાણ ન રહે.
સમજદારીથી જ સફર જરૂરી
રેલવે પ્રશાસન તરફથી આ કડક પગલાં લેવાની સાથે સાથે તમામ નાગરિકોને એક જવાબદાર મુસાફર બનવાની અપીલ પણ કરવામાં આવી છે. રેલવેનું કહેવું છે કે સફર દરમિયાન જ્યારે પણ મોબાઈલનો ઉપયોગ કરો, ત્યારે હંમેશાં ઇયરફોન કે હેડફોનનો અચૂક ઉપયોગ કરો. સાથે જ, ફોનને સાઇલેન્ટ કે વાઇબ્રેટ મોડ પર રાખવાની આદત કેળવો જેથી તમારી સાથે સફર કરી રહેલા અન્ય મુસાફરો પણ પોતાની યાત્રા શાંતિથી માણી શકે.
આગામી સમયમાં જો તમે ટ્રેન પ્રવાસ કરવા જઈ રહ્યા છો, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો જેથી તમારી મજાની સફર કોઈ દંડ કે પોલીસ કેસમાં ન બદલાઈ જાય.
