WhatsApp New Features: WhatsAppનો ઉપયોગ કરતા લોકો માટે એક નવું અપડેટ આવ્યું છે. ખાસ કરીને પરિવાર, મિત્રો અને ઓફિસના ગ્રુપમાં સતત મેસેજ આવતા રહેતા હોય છે, જેના કારણે ઘણી વખત જરૂરી માહિતી શોધવી મુશ્કેલ બને છે. હવે વોટ્સએપે આ સમસ્યા દૂર કરવા માટે ગ્રુપ ચેટમાં ચાર નવા ફીચર્સ ઉમેર્યા છે. આ અપડેટથી ગ્રુપમાં જરૂરી મેસેજ સાચવી રાખવાથી લઈને નવા સભ્યોને જૂની વાતચીત બતાવવા સુધીનાં કામ સરળ બનશે.
WhatsAppના 4 નવા ફીચર્સ
આ પણ વાંચો
WhatsApp ગ્રુપમાં મેસેજ કાયમ માટે Pin કરી શકાશે
વોટ્સએપ ગ્રુપમાં ઘણી વખત લગ્નનું આમંત્રણ, મીટિંગની વિગતો, કોઈ જરૂરી લિંક કે અન્ય મહત્ત્વની માહિતી શેર કરવામાં આવે છે. પરંતુ ગ્રુપમાં સતત નવા મેસેજ આવતા હોવાથી આવી માહિતી પાછળ જતી રહે છે. હવે વોટ્સએપે આ સમસ્યાના ઉકેલ માટે મેસેજ પિન કરવાની સુવિધામાં ફેરફાર કર્યો છે.
અત્યાર સુધી યુઝર્સ કોઈ મેસેજને 24 કલાક, 7 દિવસ અથવા 30 દિવસ માટે જ પિન કરી શકતા હતા. હવે નવા અપડેટમાં મેસેજને અનિશ્ચિત સમય સુધી પિન રાખવાનો વિકલ્પ મળશે. એટલે કે, એક વખત જરૂરી મેસેજ પિન કર્યા પછી સમય પૂરો થવાની ચિંતા રહેશે નહીં. જ્યાં સુધી કોઈ યુઝર તેને અનપિન નહીં કરે ત્યાં સુધી તે ગ્રુપમાં ઉપર દેખાતો રહેશે. આ ફીચરથી ગ્રુપના તમામ સભ્યો સરળતાથી જરૂરી માહિતી મેળવી શકશે.
ગ્રુપમાં જોડાયા પછી પણ જોઈ શકાશે જૂના મેસેજ
વોટ્સએપનું બીજું ફીચર એવા લોકો માટે ઉપયોગી છે, જેઓ કોઈ ગ્રુપમાં મોડેથી જોડાય છે. ઘણી વખત નવા સભ્યને ગ્રુપમાં તો ઉમેરી દેવામાં આવે છે, પરંતુ તે પહેલાં થયેલી વાતચીત વિશે તેને કોઈ જાણકારી હોતી નથી. આવી સ્થિતિમાં જૂના સભ્યો પાસેથી માહિતી માંગવી પડે છે.
હવે વોટ્સએપે આ સુવિધાને વધુ સરળ બનાવી છે. નવા સભ્ય ગ્રુપમાં જોડાઈ ગયા પછી પણ અન્ય સભ્યો તેની પ્રોફાઇલ અથવા નામ પર ટેપ કરીને તાજેતરના મેસેજની હિસ્ટ્રી શેર કરી શકશે. અગાઉ આ વિકલ્પ મુખ્યત્વે કોઈ નવા સભ્યને ગ્રુપમાં ઉમેરતી વખતે જ મળતો હતો. આ મેસેજ હિસ્ટ્રી શેર કરવાની પ્રક્રિયા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. એટલે કે, નવા સભ્યને ગ્રુપની અગાઉની વાતચીત સમજવામાં સરળતા રહેશે અને જૂના મેસેજના સ્ક્રીનશોટ મોકલવાની જરૂર ઓછી થશે.
હવે ખાસ WhatsApp ગ્રુપ માટે અલગથી શેર કરી શકશો Status
વોટ્સએપનું ત્રીજું ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જેઓ અલગ-અલગ ગ્રુપમાં જોડાયેલા છે. અત્યાર સુધી સ્ટેટસ શેર કરવા માટે કોન્ટેક્ટ્સની પ્રાઇવસી સેટિંગનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ હવે કોઈ ચોક્કસ ગ્રુપના સભ્યો માટે અલગથી સ્ટેટસ શેર કરી શકાશે.
ઉદાહરણ તરીકે, તમે મિત્રો સાથે ફરવા ગયા હોવ અને તેની તસવીરો માત્ર મિત્રોવાળા ગ્રુપમાં જ શેર કરવા માંગતા હોવ, તો આ ફીચર ઉપયોગી બનશે. તમારે એ જ તસવીરો પરિવારના સભ્યો કે ઓફિસના ગ્રુપમાં બતાવવાની જરૂર નહીં પડે.
આ ગ્રુપ સ્ટેટસને ગ્રુપના સભ્યો જોઈ શકશે, તેના પર રિએક્શન આપી શકશે અને પોતાનું સ્ટેટસ પણ શેર કરી શકશે. સામાન્ય વોટ્સએપ સ્ટેટસની જેમ આ અપડેટ પણ 24 કલાક પછી આપમેળે ગાયબ થઈ જશે. આથી દરેક વખતે સ્ટેટસની પ્રાઇવસી સેટિંગ બદલવાની ઝંઝટ ઓછી થશે.
Mentions and Replies ફીચરથી જરૂરી મેસેજ શોધવાનું સરળ
વોટ્સએપનું ચોથું ફીચર એવા યુઝર્સ માટે છે, જેઓ એકસાથે અનેક ગ્રુપમાં સક્રિય રહે છે. ઘણી વખત ગ્રુપમાં સતત મેસેજ આવતા હોય છે અને આ દરમિયાન કોઈ વ્યક્તિ આપણને ટેગ કરે છે અથવા આપણા મેસેજનો જવાબ આપે છે. પરંતુ બધા મેસેજ વચ્ચે આ વાત ધ્યાનમાં આવતી નથી.
હવે વોટ્સએપે 'Mentions and Replies' નામનું નવું ફિલ્ટર રજૂ કર્યું છે. આ ફિલ્ટરની મદદથી યુઝર્સ એવા અનરીડ ગ્રુપ મેસેજ શોધી શકશે, જેમાં તેમને ટેગ કરવામાં આવ્યા હોય અથવા તેમના મેસેજનો સીધો જવાબ આપવામાં આવ્યો હોય.
આ ફીચરમાં @all દ્વારા કરવામાં આવેલા મેન્શન પણ સામેલ હશે. એટલે કે, ગ્રુપમાં કોઈ સભ્ય તમામ લોકોને એકસાથે ટેગ કરીને મેસેજ મોકલે તો તે પણ સરળતાથી શોધી શકાશે. હવે દરેક ગ્રુપની આખી ચેટ તપાસવાની જરૂર નહીં પડે અને તમારા માટે જરૂરી મેસેજ પર સીધું ધ્યાન આપી શકશો.
Android અને iPhone યુઝર્સને મળશે આ નવા ફીચર્સ
વોટ્સએપે આ ચારેય ફીચર્સ Android અને iPhone બંને યુઝર્સ માટે રજૂ કરવાનું શરૂ કર્યું છે. જોકે, આ અપડેટ તબક્કાવાર રોલઆઉટ થઈ રહ્યું હોવાથી તમામ યુઝર્સને એકસાથે આ સુવિધાઓ જોવા નહીં મળે. કેટલાક લોકોને નવા ફીચર્સ મળી ગયા હશે, જ્યારે અન્ય યુઝર્સે થોડા સમય સુધી રાહ જોવી પડી શકે છે.
નવા ફીચર્સનો લાભ લેવા માટે Google Play Store અથવા Apple App Store પરથી WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ રાખવું જોઈએ. અપડેટ ઉપલબ્ધ થયા પછી આ સુવિધાઓ ધીમે-ધીમે તમારા એકાઉન્ટમાં જોવા મળશે.
