Electric Meter Light Meaning: આપણા ઘર કે ઓફિસમાં લાગેલા ડિજિટલ વીજળીના મીટર (Electric Meter) પર અલગ-અલગ રંગની નાની એલઈડી લાઈટો (LED Lights) સતત ચાલુ રહેતી હોય છે અથવા ઝબૂકતી (Blink) હોય છે. સામાન્ય રીતે આપણે આ લાઈટો પર ધ્યાન આપતા નથી, પણ દરેક લાઈટ તમારા ઘરના પાવર સપ્લાય, વીજ વપરાશ અને વાયરિંગની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે.
1. લીલી લાઈટ (પાવર સપ્લાયનો સંકેત)
લીલી લાઈટનો મુખ્ય અર્થ એ છે કે વીજળી કંપની તરફથી તમારા મીટર સુધી વીજળીનો સપ્લાય બરાબર આવી રહ્યો છે. જો આ લાઈટ સતત બળતી હોય તો તેનો અર્થ છે કે પાવર ચાલુ છે. જો તમારા ઘરમાં પાવર ન હોય અને છતાં પણ મીટરમાં લીલી લાઈટ બળતી હોય, તો તેનો અર્થ એ થઈ શકે છે કે ફોલ્ટ બહાર થાંભલા (Pole) પર નથી પરંતુ તમારા ઘરના ઇન્ટરનલ વાયરિંગમાં કે મેઈન સ્વિચમાં કોઈ ખામી છે.
2. લાલ લાઈટ (વધારે વીજળીના વપરાશનો સંકેત)
ઘણા મીટરમાં લાલ લાઈટનો સંબંધ લોડ (Load) એટલે કે ઘરમાં વપરાતી વીજળી સાથે હોય છે. જો એકસાથે વધારે વીજળીવાળા ઉપકરણો ચાલી રહ્યા હોય, જેમ કે એસી, કુલર, મોટર, ફ્રિજ અને અન્ય ઉપકરણો, તો આ લાઈટ ઝડપથી ઝબકી શકે છે. આનો સીધો અર્થ એ નથી કે મીટર ખરાબ છે, પરંતુ વધારે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચલાવવાથી વીજળીનો વપરાશ પણ વધારે થાય છે તે દર્શાવે છે.
3. વાદળી લાઈટ (પલ્સ અને યુનિટ ગણતરી)
ઘણા ડિજિટલ મીટરમાં વાદળી લાઈટ 'પલ્સ' (Pulse) માટે આપવામાં આવે છે. તમારા ઘરમાં જેમ-જેમ વીજળીનો વપરાશ થાય છે, તેમ-તેમ આ લાઈટ બ્લિંક કરે છે (ઝબકે છે), જે મીટરના ધબકારા જેવા છે. જો ઘરના બધા ભારે સાધનો ચાલુ હોય તો આ લાઈટ ખૂબ ઝડપથી ઝબકશે, જેનો સીધો અર્થ એ છે કે તમારું મીટર ખૂબ ઝડપથી વીજળી ગણી રહ્યું છે અને તમારા યુનિટ વધી રહ્યા છે.
4. પીળી લાઈટ (વોર્નિંગ અથવા ચેતવણી)
પીળી લાઈટ એ મીટરનું એલાર્મ છે, જે ત્યારે જ પ્રગટે છે જ્યારે વાયરિંગમાં કોઈ સમસ્યા હોય, જેમ કે અર્થિંગ (Earthing) બરાબર ન હોવું કે ન્યુટ્રલ વાયરમાં ફોલ્ટ હોવો. જો આ લાઈટ લાંબા સમય સુધી ચાલુ રહે તો તે જોખમી સાબિત થઈ શકે છે, તેથી આવા સમયે જાતે કોઈ પ્રયોગ કરવાને બદલે વીજળી વિભાગ (Electricity Department) અથવા ઈલેક્ટ્રિશિયનનો સંપર્ક કરવો હિતાવહ છે.
5. ટેમ્પર અથવા ફોલ્ટ લાઈટ
આ લાઈટ સૌથી મહત્વની અને ગંભીર છે. જો મીટર સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં આવે, ચોરી કરવાનો પ્રયાસ થાય કે કોઈ આંતરિક ટેકનિકલ ખામી સર્જાય, ત્યારે આ લાઈટ સતત બળે છે. આ લાઈટ પ્રગટે ત્યારે તેને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ અને તાત્કાલિક પાવર કંપનીને જાણ કરવી જોઈએ.
6. રિવર્સ લાઈટ (વીજળીની ઊંધી દિશા)
કેટલાક સ્માર્ટ મીટરમાં 'રિવર્સ' લાઈટ આપવામાં આવે છે. જ્યારે વીજળીનો પ્રવાહ મીટરમાંથી ઘર તરફ જવાને બદલે ઊંધી દિશામાં વહેતો હોય ત્યારે આ લાઈટ બળે છે. જે ઘરોમાં સોલાર પેનલ લગાવેલી હોય તેમાં વીજળી પાછી ગ્રીડમાં જતી હોવાથી આ લાઈટ બળવી સામાન્ય છે, પરંતુ સોલાર વગર જો આ લાઈટ બળે તો તે વાયરિંગની ગંભીર ભૂલ દર્શાવે છે.
