SIM Card New Rules: આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સિમ કાર્ડ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગયા છે. બેંક ખાતાથી લઈને આધાર કાર્ડ સુધીની દરેક જગ્યાએ મોબાઈલ નંબર લિંક હોય છે. પરંતુ, હવે સરકાર સિમ કાર્ડના મામલે અત્યંત કડક બની ગઈ છે. જો તમે પણ કોઈ અન્ય વ્યક્તિનું સિમ કાર્ડ વાપરતા હોવ અથવા તમારા નામે લીધેલું સિમ કાર્ડ બીજા કોઈને ઉપયોગ કરવા માટે આપ્યું હોય, તો હવે સાવધાન થઈ જવાની જરૂર છે. ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા સિમ કાર્ડના દુરુપયોગને રોકવા માટે નવા અને સખત નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
શું છે નવા નિયમો અને સજાની જોગવાઈ?
સરકારના નવા ટેલિકોમ કાયદા અને માર્ગદર્શિકા મુજબ, જો કોઈ વ્યક્તિ નકલી દસ્તાવેજોના આધારે સિમ કાર્ડ મેળવે છે અથવા પોતાના નામે લીધેલા સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે સાયબર ફ્રોડ માટે કરે છે/કરાવે છે, તો તેની સામે કાયદાકીય શિકંજા કસવામાં આવશે.
50 લાખ રૂપિયા સુધીનો દંડ: જો નિયમોનું ઉલ્લંઘન પકડાયું તો દોષિતને લાખો રૂપિયાનો આર્થિક દંડ ફટકારવામાં આવી શકે છે, જે 50 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
3 વર્ષ સુધીની જેલ: ગંભીર કેસોમાં અથવા સાયબર ગુનાઓમાં સિમનો દુરુપયોગ સાબિત થવા પર 3 વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે.
લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
બીજાના નામે સિમ ન વાપરવું: ક્યારેય પણ મિત્ર, ઓળખીતા કે અન્ય કોઈ વ્યક્તિના નામે નોંધાયેલું સિમ કાર્ડ લાંબા સમય સુધી કે પર્સનલ ઉપયોગ માટે ન વાપરવું જોઈએ.
પોતાનું સિમ અન્યને ન આપવું: જો તમે તમારા આધાર કે આઈડી પર લીધેલું સિમ કાર્ડ કોઈ બીજાને વાપરવા માટે આપ્યું છે, અને જો તે વ્યક્તિ તેનો દુરુપયોગ કરશે તો મુશ્કેલીમાં તમે ફસાશો કારણ કે કાયદેસરની જવાબદારી સિમ ખરીદનાર (માલિક)ની રહેશે.
બિનજરૂરી સિમ બંધ કરાવી દેવા: જો તમારી પાસે કોઈ એવું સિમ કાર્ડ છે જેનો તમે ઉપયોગ નથી કરતા, તો તેને તાત્કાલિક ધોરણે ટેલિકોમ ઓપરેટરનો સંપર્ક કરીને બંધ કરાવી દેવું યોગ્ય રહેશે.
કેવી રીતે તપાસશો કે તમારા નામે કેટલા સિમ ચાલે છે?
સરકારના 'સંચાર સાથી' (Sanchar Saathi) પોર્ટલ પર જઈને તમે ખૂબ જ સરળતાથી ચકાસી શકો છો કે તમારા આધાર કાર્ડ કે ઓળખપત્ર પર અત્યાર સુધીમાં કુલ કેટલા સિમ કાર્ડ ઇશ્યુ થયા છે. જો તમારી જાણ બહાર કોઈ બીજું સિમ ચાલતું હોય, તો તમે તેને આ જ વેબસાઈટ પરથી બ્લોક પણ કરી શકો છો.
આજની આ કડક વ્યવસ્થામાં થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે, તેથી તમારા નામના સિમ કાર્ડની સુરક્ષા પ્રત્યે હંમેશા જાગૃત રહો.
